Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2008

મારા મિત્ર થાનકીએ તા-૧૯-૫-૨૦૦૮ નાં બ્લોગમાં , “ગાઇડ” વિષે ઘણી સરસ અને તાજી માહિતી આપી. મારી બહુ જુની યાદોને ઢંઢોળી નાખી. “ગાઇડ“ મેં લગભગ વીસેક વાર જોયું હશે. જોકે આવું કહેવાવાળા માણસોનો દુનિયામાં તોટો નથી,  “મેં ફલાણું પિક્ચર આટલી વાર જોયું અને ફલાણું આટલી વાર.” પણ સાહેબ, મારી વાત જરા અલગ છે. મેં ચાલીસ વર્ષના ગાળામાં વીસ વાર જોયું ! જ્યારે પણ જોયું , મારી ઉંમર, અને સમજ શક્તિ, અથવાતો મારૂં માનસિક સ્તર અલગ અલગ હતું. આ પિક્ચરનું શુટિંગ મારા ગામમાં થયેલું. શરૂઆતનું જે ગીત છે, “વહાં કૌંન હૈ તેરા…” અને પિક્ચરનાં છેલ્લાં દૃશ્યો, જેમાં “રાજુ ગાઇડ” સમય અને ઘટનાઓનો શિકાર બનતો બનતો એક ગામના મંદિરે જઇ ચડે છે, જ્યાં ગામ લોકોની શ્રધ્ધા સામે ઝુકીને તેને પરાણે સ્વામીજી બનવું પડે છે. આ બધાક્લાઇમેક્સ દૃશ્યોનું શુટિંગ મારા ગામમાં થયેલું.(મારૂં ગામ લીબડી, સુરેન્દ્રનગર જીલ્લો ).
૧૯૬૫ ની સાલમાં હું ચૌદ વર્ષનો હતો. મારા ગામમાં માણસો મેળાની જેમ ઉમટેલા. રેલ્વે સ્ટેશનથી બે કિ. મીટર આગળ સૌકા નામે નાનકડું ગામ છે, ત્યાં નદી કિનારે શુટિંગ માટે સેટ ઉભો કર્યો હતો. માણસો ટોળે ટોળે શુટિંગ જોવા ખટારા ( ટ્રકો ) ભરીને જતા. ખટારા શબ્દ જાણીજોઇને વાપર્યો છે. અમે હજી ટ્રક શબ્દનો પ્રયોગ કરતા શીખ્યા ન હતા. મારા શેરીનાં મિત્રો, જિતો ( જીતેન્દ્ર), હર્ષદ, ભોપો ( ભુપેન્દ્ર ) વિગેરે સાયકલો લઇને જતાં. પંદર દિવસ શુટિંગ ચાલ્યું હતું. જિદગીનો પહેલો અનુભવ હતો, કોઇ પિક્ચરનાં હિરો-હિરોઇનને જોવાનો!  “ગાઇડ” પિક્ચરની શું સ્ટોરી (વાર્તા) હશે ? કઇં જ પલ્લે પડતું ન હતું. અમેતો મેળા જેવો આનંદ લુંટતા હતાં. ક્યારેક અમારાં ગામની બજારમાં ભીડ જોવાં મળતી અને ખબર પડતી કે વહીદા રહેમાન કંઇક શોપિંગ માટે આવી છે. અમારાં ગામની બજાર બહુ નાની છે. શોપિંગ શબ્દ જરા ઉંચો પડે છે.
મારા ગામમાં શુટિંગ થયું છે, એટલે આ પિક્ચર ગમે તેમ કરીને જોવું એવું નક્કી કર્યું. મારા માટે આ ઘણું અઘરૂં કામ હતું. કારણ કે એ દિવસોમાં પિક્ચરો જોવા એ અવગુણોના લિસ્ટમાં આવતું. જેમકે ફલાણો છોકરો રખડેલ છે, બિડી પીવે છે, ભણતો નથી અને સ્કુલેથી છાનોમાનો પિક્ચરો જોવા જતો રહે છે. વિગેરે વિગેરે.. એ વખતે અમારાં ઘરમાં ઉપરની મેડી ( નાનાં ગામમાં નળીયાવાળા મકાનોનો ઉપલો માળ હોય તેને મેડી કહેતા) એક નજીકના સંબંધીને ભાડે આપેલી. એમનું નામ મહેન્દ્ર ભાઇ. બેચલર હતાં. જી.ઇ.બી.માં વાયરમેનની નોકરી કરતાં હતાં. દેવઆનંદનાં આશીક હતાં. બેચલર હતાં એટલે જાતે રાંઘતા. હવા ભરીને કેરોસીનથી ચાલતો પ્રાયમસ પેટાવતા અને પિક્ચરનાં ગીતો ગાતા જાય અને રાંધતા જાય. દેવઆનંદ જેવા વાળ ઓળતાં. મને “ગાઇડ” બતાવાનું બિડું એમણે લિધુ. મને કહ્યું, “હું બાપુજીને સમજાવીશ.” એ વખતે બાપુજી અમને ફક્ત ઘાર્મિક પિક્ચરો કે કોઇ ઐતિહાસીક પિક્ચરો જ જોવાની છુટ આપતા. અમે ઘરનાં ઓટલે બેસીને રોજ બપોરે, સિનેમા ઘરની ચાલુ પિક્ચરની નગારૂં વગાડતી વગાડતી એક ખાસ બનાવેલી લારી, જાહેરાત માટે શેરીએ શેરીએ ફરતી તેની રાહ જોતાં. લારી ઉપર ચાલું પિક્ચરનાં પોસ્ટરો લગાવેલા હોય, ક્યારેક “ભક્ત પ્રહલાદ” કે “ ચાર ધામ તિર્થ યાત્રા” જેવાં પિક્ચર આવતાં કે તરત બાપુજીને જાણ કરતાં. અને ત્યારે બાપુજી અમને સામેથી પૈસા અપીને કહેતા, “ઠીક છે આ પિક્ચર જોવાં જજો.”
હવે અમારે “ગાઇડ” પિક્ચરની રાહ જોવાની હતી. સાહેબ, એ જમાનામાં નવું રજું થયેલું પિક્ચર અમારા ગામનાં થિયેટરમાં આવતાં ખાસ્સું એક વરસ લાગી જતું. બરાબર એક વર્ષ પછી “ગાઇડ” અમારા ગામમાં પ્રદર્શિત થયું. મહેન્દ્ર ભાઇએ તેમનું વચન પુરૂં કર્યું. “થેન્ક્સ મહેન્દ્ર ભાઇ”. અને ત્યારે પહેલી વખતે મેં “ગાઇડ” જોયું. તમે મારો આનંદ અને મારી સ્થિતીની કલ્પના કરી શકો છો ! શરૂઆતના વર્ષોમાં આ પિક્ચર લગભગ એક જેવી મનઃસ્થિતીમાં જ જોયું પણ પછી ઉમર પ્રમાણે એમાં પણ ફેરફાર નોંધાયા.
“ગાઇડ” વિષે હજી પણ લખવાની ઇચ્છા છે, પણ ફરી ક્યારેક…

Read Full Post »

 

 બ્લોગ લખવાનુ મારા માટે એટલુ સહેલું નથી, કારણ કે ઘણાં વખતથી લખવાનું છુટી ગયું છે. જોકે બહું ઓછું લખ્યું છે. અને જે લખ્યું છે, તેમાંથી બહું ઓછું છપાયું છે. છતા પ્રયત્ન ઇમાનદારી પૂર્વક કરીશ.

 

 

મારો પ્રિય, મિત્ર હરસુખ થાનકી ( સાચું કહું તો, આ મારા મિત્રનું સાચું નામ મારા મોઢેથી ક્યારેય નીક્ળ્યું નથી. હુ કાયમ ” હસમુખ” નામે જ બોલાવું છું. એને પણ કોઇ દિવસ સુધારવાનો પ્રયત્ન કર્યો નથી. સાહેબ એક બે વરસ નહીં, પુરા ત્રીસ વર્ષ. હવે તો મને લાગે છે કે, હરસુખ કહીને બોલાવીશ તો ક્દાચ હ્સી પડશે. 

 

સંસ્મરણ : ૧ 

 

( અમારે અહીં મુંબઇમાં ,ચેમ્બુરમાં એક ગાર્ડનનું નામ “મૈત્રી પાર્ક” છે. ઘણી વખત આવતા જતા નજર કરું, ત્યારે ઘણા બુઝર્ગ લોકો બેઠા હોય, જાણે ભૂતકાળ વાગોળતા હોય એવું લાગે., જોઇને કુતુહલ થાય. મારે પણ “મૈત્રી પાર્ક” મા  ચિત્રોનાં સંસ્મરણો તાજા કરવાં છે.) 

 

હસમુખની મુલાકાત લગભગ ૧૯૭૫ માં થઇ હશે. સાલ બહુ યાદ નથી. અમે બન્ને રીલાયન્સ ઇ. અમદાવાદના નરોડા પ્લાન્ટમાં ભેગા કામ કરતા. એ વખતે અવારનવાર પાવર કટ ને લીધે મશીનો  કલાક બંધ રહેતા. આવા સમયે, હું દશ બાર કારીગરોને ભેગા કરી જોક્સ સંભળાવતો. મારી જાતને હું સારા જોક્સ કહેવા વાળા માંનો એક ગણતો. મારા એક મિત્રે મને કહ્યું ,’એક છોકરો હમણા નવો ભરતી થયો છે, અને એ પણ સારા જોક્સ સંભળાવે છે.” મે કહ્યું ,’મારે એને મળવું છે.’ અને એક દિવસ અમે મળ્યા. હું તો એને જોક્સ કહેવાની કેવી આવડત છે ? એ મોકા ની રાહ જોતો હતો. જોકે એવો મોકો જલ્દી મ્ળ્યો નહીં. પણ પછીની મુલાકાતમાં અમારે વાત નીક્ળી, હસમુખે મને કહ્યું કે તે વાર્તાઓ પણ લખે છે. મેં કહ્યું, ’ મને પણ લખવાની ઇચ્છા થાય છે.’ હસમુખે કહ્યું , ’ એના માટે વાંચનનો શોખ કેળવવો જોઇએ, એક વાર મારી સાથે ચાલ આપણે એમ. જી. પુસ્તકાલયમાં જઇશું , હું તેનો સભ્ય છું, તું પણ  થઇજા.’. અને બસ, ત્યારથી વાંચનનો જે સિલસીલો ચાલુ થયો, તે આજ સુધી વણથંમ્ભ્યો ચાલુજ છે. ’થેન્ક્યુ  થાનકીજી’. પછી તો ચન્દ્રકાન્ત બક્ષી  , ગુણવંત શાહ , મધુ રાય , વિનોદ ભટ્ટ , અને લેખકોની હારમાળા, મારા માટે  સાહિત્ય નું આખું વિશ્વ ખુલીગયું . 

શ્રી રજનીશ ના પુસ્તકો હું વાંચતો , મને  તેમના પુસ્તકોમાં રસ પડતો. એક ઉદાહરણ બહું સરસ બંધ બેસે છે,એટલે ટાંક્યાં વગર રહેવાતું નથી. રજનીશજી, મારા મતે એક વિદ્વાન દાર્શનીક હતા. એક ઉદાહરણમાં તેમણે કહેલું કે,

“ એક કબુતર બંધ ઓરડામાં,બહાર નીકળવા ફાંફા મારતું હોય, ત્યારે જરા કઠોર બની તેને બારી તરફ ધકેલી દઇએ, તો પછી તેનું મુક્તીનું દ્વાર ખુલીજાય. ખુલ્લું આકાશ અને મુક્તી …. ”.

મને જ્યારે હસમુખે કહેલું કે, ’લખવું હોય, તો વાંચનનો શોખ કેળવવો જોઇએ.’ થોડુંક કઠોર જરૂર લાગેલું, પણ સાચું હતું , આજે સાહિત્યનું મુક્ત આકાશ મારા માટે ખુલ્લું છે.   

મારા બાપુજી એક સારા જ્યોતીષિ હતા. હું જોકે આ બાબતમાં બહુ માનતો નથી. આ બાબત હું ક્યારેક વિગત વાર બ્લોગમાંજ ચર્ચા લખીશ, પણ મારા બાપુજીની પ્રામાણીકતા વિષે મને ભારોભાર વિશ્વાસ છે,કારણકે તેમણે જ્યોતિષનો અભ્યાસ ફક્ત શોખ ખાતરજ કરેલો. તેમણે ક્યારેય જ્યોતિષ જોઇને કોઇની પાસે દક્ષીણા લીધી હોય, એવું મારી યાદમાં નથી. એક વાર એમજ વાતવાતમાં મારી કુંડળી જોઇને મને કહેવા લાગ્યા, ’દિનુ તારી કુંડળીમાં “આશ્રય યોગ” છે.’ જ્યોતિષની ભાષામાં આવા ઘણી જાતના યોગો જ્યોતિષિઓ બતાવતા હોય છે. “લક્ષ્મી યોગ” ”કાળસર્પ યોગ” વિગેરે વિગેરે…. મેં જરા વિગતવાર જાણવા પુછ્યું , ’આશ્રય યોગ એટલે શું ?’ બાપુજીએ કહ્યું ,’આશ્રય યોગ એટલે કે, તું સ્વતંત્ર રીતે કઇં પણ કરવા જઇશ, તો સફળ નહી થા. ધંધામાં તારી સાથે કોઇ પાર્ટનર હોય તો આગળ વધવાની શક્યતા ખરી, નહીં તો નોકરી જેવું બીજું કઇં તારા માટે ઉત્તમ નહીં.બનવાજોગ થયું પણ એવુંજ. મેં ઘંધા માટે ક્યારેય વિચાર્યું નહીં. ધંધામાં એક વણલખી શર્ત હોય છે. સો ટકા સાચું બોલીને ધંધો કરવા જાવ,તો ધંધો કરી રહ્યા !.“આશ્રય યોગ” ખરેખર ઉત્તમ હોય, તો મિત્રના સંસ્મરણો લખી શરૂઆત કરવામાં ખોટું શું ? 

આજે પણ અમારે, ફોન થી સમ્પર્ક થતો રહે છે. ક્યારેક સારી કવિતા વાંચવામાં આવી હોય તો ફોન પર સંભળાવે. હમણા કવિ શ્રી મનોજ જોષીની કવિતા ( ગોપિ ગીત )સાંભળવા મળી હતી.  ( ફોન ઉપર સાંભળેલી, એટ્લે શબ્દ રચનાની ભૂલો માફ ……. )

 

                                    હરી તમે તો સાવ જ અંગત, સાંભળજો મરજી.  

                                    ઘણા મુરતીયા લખી મોકલે ,વિગતવાર માહિતી.

                                    હરી, તમે પણ કરજો, ફોટા સાથે અરજી.

 

                                    હરી હવેતો ઉમર મારી, પરણું પરણું થાય.

                                    હરી, તમને ગમશે, જો હું , બીજે પરણી જાઉં ?

                                    મને સીવીલે આખી, એવો બીજો ક્યાં છે દરજી ?

                                    હરી, તમે પણ કરજો, ફોટા સાથે અરજી.

 

                                    હરી તમારી જનમ કુંડળી, લખજો કોરાં પાને.

                                    મારા ઘરનાં લોકો બધા ,જન્માક્ષ્રરમાં માને.

                                    હરી નાંખજો માંગુ ,મુશળધારે ગરજી ગરજી.

                                    હરી, તમે પણ કરજો, ફોટા સાથે અરજી.

 

                                    હરી મારા માંબાપને, જોવો છે જમાઇ.

                                    એક વાર જો મળીજાવ તો નક્કી થાય સગાઇ.

                                    હરી તમારેજ માટે, મને  રૂપ દઇને સરજી.

                                    હરી, તમે પણ કરજો, ફોટા સાથે અરજી.

 

                                    ઘરવાળાં જો ના પાડે તો, આપણ ભાગી જઇશું.

                                    લગન કરીશું, ઘર માંડીશું , અમ્રત અમ્રત થાશું.

                                    પછી તમારી ઘરવાળી હું , તમે અમારા વરજી.

                                    હરી, તમે પણ કરજો, ફોટા સાથે અરજી.

 

કવિતા બહુ મજાની લાગી. મેં ઘણા લોકોને સંભળાવી.

           

Read Full Post »