સાચું રે બોલો મારા શામ રે….કાનુડા…. મુરલી રે વાળા મારા શામજી..
આ ભજનની ધૂન એટલી ગમી ગઇ હતી કે મનમાં ને મનમાં હું ગણગણતો હતો. આ ભજનની લાઇન હકીકતમાં તો હું ખોટી રીતે ગણગણતો હતો. હું ગણગણતો હતો કે ’ ખોટું ના બોલો મારા શામ રે.. ’ પછી ફરી વખત આ ભજન સાંભળવા મળ્યું ત્યારે ખબર પડી કે સાચા શબ્દો તો આમ છે. પણ એકા એક મને ભાષ થયો કે મારા ખોટા ગણગણવામાં પણ ભાવ તો એ જ હતો. મારો ભાવ બદલાયો ન હતો. આનું કારણ એ જ હતું કે હું મારી ભાષામાં ગણગણતો હતો. મારી ભાષા સાથે મારા ભાવ આત્માની જેમ જોડાયેલા છે. આજે જે કંઇ લખી રહ્યો છું તે મારી ભાષા સાથેની એકાત્મતા છે એટલે. દરેક ભાષામાં જ્ઞાન,વિજ્ઞાન અને ભાવની સમ્રધ્ધિ ભરી પડી છે. અને લોકો આ જ્ઞાન, વિજ્ઞાન અને સર્જનાત્મક સાહિત્યની ભુખ વાળા હોય છે. જ્ઞાન પિપાષુ માણસને ભાષાના બંધન નડતા નથી. જર્મનનો વિદ્વાન મેક્ષ-મુલર સંસ્કૃતનો આભ્યાસ કરવા એમ જ આકર્ષાયો ન હતો ! સંસ્કૃત શિખવા માટે કોઇ ભારતીઓએ ડંડા નહોતા પછાડવા પડ્યા ! પોતાની ભાષા બોલાવવા ડંડા પછાડો એટલે એક વાત નક્કી છે કે તમે તે ભાષાના ભાવ, સાહિત્ય અને જ્ઞાનની સંમ્રધ્ધિને નેવે મુકીને પાટીયા લખવાની ભાષા બનાવી રહ્યા છો. ( અમારા મુંબઇમાં તો પાટીયા બદલાવવાનું શરુ થઇ ગયું છે )
આપણે ભારતીઓ એટલા બધા લાગણીશીલ છીએ કે આપણી લાગણી કોઇ દુભાવે તો આપણે ઘડીકમાં સામે વાળાનાં ઠાઠાં ભાંગી નાખીએ છીએ. આવો દુરાગ્રહ શરૂ થાય એટલે સમજવાનું કે હવે જે ધુણે છે તે ભાષાનું ભૂત છે. આમ જોવા જાઓ તો મૂળ ગેરસમજ તો ભાષાનું જે મનોવિજ્ઞાન છે તેનું અજ્ઞાન છે.
એક રમુજી ટુચકો યાદ આવે છે ” એક માણસ ડોક્ટર પાસે ગયો અને કહે કે મારું આખુ શરીર દુ:ખે છે, જ્યાં આંગળી મુકું ત્યાં દર્દ થાય છે. ડોક્ટરે તેના આખા શરીરે દબાવી દબાવી ને પૂછ્યું બોલો અહીં દુ:ખે છે ? ” ના..” અહીં દુ:ખે છે ? ” ના..” ડોક્ટરે કહ્યું ” સાહેબ તમને આખા શરીરે કંઇજ પ્રોબ્લેમ નથી જે આંગળી તમે તમારા શરીરે મૂકો છો તે આંગળીમાં ફ્રેક્ચર છે.” આમ ભાષાનું ભૂત ધુણે ત્યારે સમજવું ક્યાંક આપણું અજ્ઞાન છે.
ભાષાના દૂરાગ્રહનો ભ્રમ ભાંગવા માટે આ એક જ દાખલો પૂરતો છે . મારી કંપનીમાં એક મિત્ર છે, ગુજરાતી બોલવાનો તેને ઘણો શોખ થાય છે, ગુજરાતી વાક્યો બોલવાનો નિર્દોષ પ્રયત્ન કરતો રહે છે પણ દરેક વખતે તે જે કંઇ બોલે છે ત્યારે મારે ભાગે ફક્ત હસવાનું જ આવે છે. “તમારૂં બધ્ધું સારૂં છે ?” તો ક્યારેક બોલશે “સારૂં બધ્ધું તમારૂં છે ?”… હકિકતમાં તો હમેંશા એમ બોલવા માગતો હોય છે કે ” કેમ છો સારૂં છે ? “.
પોતાની ભાષા બીજા પાસે બોલાવવાની જીદ્દ જ્યારે ભૂતની જેમ ધૂણે ત્યારે શું થાય ? ભાષાના સત્યાનાશ સીવાય બીજા કોઇ પરિણામની આશા રાખી શકો ખરા ?
થોડાક દાખલાઓ ભાષાના ઇતિહાસમાં વાંચવા જેવા છે. અંગ્રેજી માધ્યમનો આગ્રહી નથી પણ અંગ્રેજી સાહિત્યની સમ્રુધ્ધિ, તે ભાષામાં લખાયેલા વૈજ્ઞાનિક પુસ્તકો અને જગતભરની બીજી ભાષાઓના સાહિત્યના અનુવાદો આપણને ફક્ત અંગ્રેજી ભાષા દ્વારા જ મળ્યા છે. જેથી કરીને જાણે, અજાણ્યે, મને કે કમને આપણે અંગ્રેજી શીખવું જ પડે છે. આને ભાષાની ભૂખ કહેવાય. અંગ્રેજી શીખવાડવા માટે દુનીયામાં કોઇએ ડંડા પછાડ્યા હોય તેવો ઇતિહાસમાં ક્યાંય દાખલો નથી. ઉચ્ચતર સાહિત્ય બીજી ઘણી ભાષામાં છે, ફ્રેન્ચ, સ્પેનિશ, આફ્રિકન, આરબ, જાપનીસ કે પોર્ટુગીઝ આ બધું સાહિત્ય આપણા સુધી જો આવ્યું હોય તો તે માત્ર આંગ્રેજી દ્વારા. અને અંગ્રેજી શીખવાની દુનિયાને જો ભૂખ જાગી હોય તો તેનું કારણ પણ આ જ છે.
કેટલીક સમ્રધ્ધ ભાષાઓ હોવા છતાં મ્રત:પ્રાય થવાને આરે છે, તેના ઐતિહાસિક કારણો વિચારવા જેવા છે. સંસ્કૃત ભાષા લોક ભોગ્ય બની ન શકી કારણ કે બ્રામ્હણો અને પંડીતોએ પોતાના સુધી જ સિમીત રાખી અને ફક્ત કર્મકાંડ અને કથાકારોની ભાષા જ બની રહી. આઝાદીના લડતના દિવસોમાં ઉર્દૂ સુવિચાર અને સંવેદનાની ભાષા હતી. પંડીત નહેરુ ઉર્દૂ જ બોલતા હતા. તેમના ભાષણોમાં “માકૂલ તરીકોંસે “ , “ખુરાફાતેં હોતી રહી ” અને “હિન્દુ-મુસ્લિમ-શિખ્ખ ઇત્તેહાદ ” જેવા શબ્દપ્રયોગો સાંભળવા મળતા. આઝાદી પછી ધીરે ધીરે મુસ્લિમ બૌધ્ધિક વર્ગ હિન્દુસ્તાન છોડતો ગયો અને સામાજીક જડતાએ ઉર્દૂને માત્ર મુસ્લિમોની ભાષા બનાવી દીધી. જે ઉર્દૂ નવજાગ્રતિની અને ક્રાંતિની ભાષા હતી તે માત્ર મુજરા અને મહેફિલોની ભાષા બનીને રહી ગઇ. આની પાછળ “પિદરમ સુલતાન બુદ” ( અમારા બાપ દાદાઓ સુલતાનો હતા) વાળી રુગ્ણ મનોદશા જવાબદાર હતી. મુસ્લિમ વોટ બેંકને ધ્યાનમાં લઇને ૧૯૭૨ થી ઇંદિરા સરકારના ઇંન્દ્ર કુમાર ગુજરાલ થી માંડીને વી.પી સિંહ, નારાયણ દત્ત તિવારી, અને મુલાયમ સિંહ યાદવ સુધીના નેતાઓએ ઉર્દૂ ભાષાને ઉત્તર પ્રદેશની બીજી સરકારી ભાષા બનાવવા તનતોડ પ્રયાસો કર્યા પણ પરિણામ નિષ્ફળતા, ઉર્દૂ ભાષાનું ભાવિ વધારે અંધકામય થતું ગયું. ઉત્તર પ્રદેશમાં આજે ઉર્દૂ માધ્યમની સ્કૂલોમાં શિક્ષકો અને પુસ્તકોની અછત છે. વિજ્ઞાન જેવો વિષય અંગ્રેજીમાં શિખવવો પડે છે. ટૂંકમાં ભાષાના નામે ધુણવાનું બંધ કરી તે ભાષાની સાહિત્ય સમ્રધ્ધી અને જ્ઞાન, વિજ્ઞાન તરફ લોકોને આકર્ષીએ તો લોકો સામે ચાલીને તે ભાષા શિખસે, બોલસે.
શામળજી એકલા છો એટલે એક સલાહ. જ્યાં જ્યાં આવા ભાષાના ભૂત ધુણતા હોય ત્યાં, જો કોઇકને ભાષાનું શુળ ઉપડે, ને તમારુ મૂળ અને કૂળ પુછે ત્યારે ખોટું રે.. બોલજો મારા શાંમજી.. , અને તમારા મંદિરના પાટીયા પણ લોકલ ભાષામાં ચિતરાવી નાંખજો.
બાકી અમારા કાઠિયાવાડમાં કોક ’દિ ભૂલોપડજે, અમે તને સ્વર્ગ પણ ભૂલાવી દેશું… પ્રોમિસ.


Great article Dinkarbhai.
શામળાજીને આપેલી સલાહ ધ્યાનમાં લેવા જેવી છે
Hi bhatt bhai,
Namaskar, “ભાષા :ભાવ,વિભાવ, જ્ઞાન અને વિજ્ઞાન પણ જો ધુણે તો ભૂત”
keep it up,
આજ કાલ બ્લોગ જગતને ઉંઝા જોડણી ધુણાવે છે.