આપણા નેતાઓ અમેરિકાના નેતાઓ પાસેથી કંઇ શિખ લેશે ? આપણે આવા દિવસો ક્યારે જોશું ?
હું અમેરિકાનો ચાહક છું એવું નથી, પણ જે શિખવા જેવું છે તે ઘણું છે, તેમા કોઇ બે મત નથી. ઓબામાની જીત કે જહોન મેક્કેઇનની હારના સમાચારો તો કાલે જુના થઇ જશે, પણ ચુંટણી પછી તે બન્ને નેતાઓએ જે ગરીમાથી જીત અને હારને લોકો સમક્ષ ઉભા રહી અને દરિયાદિલીથી સ્વિકારી છે અને જે ભાવ લોકો સમક્ષ વ્યક્ત કર્યો છે તે અજોડ જ નહીં પણ લોકશાહીના નેતાઓ કેટલા વિશાળ વક્તિત્વ અને દેશપ્રેમ વાળા હોવા જોઇએ તેનો દાખલો તેમણે આખ્ખા વિશ્વને પુરો પાડ્યો છે.
તેમને દેશ સમક્ષ જે શબ્દોમાં બયાન કર્યું છે તે અજોડ અને નોંધ લેવા જેવું છે.
ઓબામાએ જીતને બહુ જ વિવેકથી અને સંયમ પૂર્વક સ્વિકારી, આપણા દેશમાં જીતના ઉન્માદથી છકી ગયેલા નેતાઓની બડબડ આપણે ઘણી વખત સાંભળી છે . ઓબામાના રાષ્ટ્રજોગ સંદેશ માં તેઓએ કહ્યું ” અમેરિકાના સ્થાપકોનું સ્વપ્ન, વર્તમાન સમયમાં હજી પણ ધબકે છે. અમેરિકાની લોકશાહીની તાકાત વિષે કોઇએ શંકા કરવાની જરુર નથી. આજની પળ તે વાતની સાબિતી છે. અમેરિકાની ખરી તકાત તેના સિધ્ધાંતોમાં છે. બે સદીઓથી ચાલતી આવી અણનમ લોકશાહી દુનિયાની સામે અડીખમ છે. સેનેટર મેક્કેઇને હમણા જ ફોનપર ગરિમા પૂર્વક શુભેચ્છાઓ આપી અને મારી સાથે વાત કરી, દેશમાટે તેમણે જે બહાદુર અને નિસ્વાર્થ ભોગ આપ્યો છે તે આપણે ભુલવો ન જોઇએ, તેના થકી આપણે આજે ઘણા જ વિકાસશીલ છીએ. આજની જીત એ પરિવર્તન નથી પણ પરિવર્તનની તક છે. આજનો દિવસ ઉજવણીનો છે પણ કાલથી આપણે સામે રહેલા પડકારોનો સામનો કરવાનો છે. એ માટે તમારો સૌનો સાથ હોય તો જ શક્ય છે. મારા સાથે અસંમત લોકો, કે જેમના મતો મને નથી મળ્યા, તેમનો અવાજ પણ હું સાંભળી શકું છું. “
જ્યારે જહોન મેક્કેઇને પરાજય પણ ગરીમાં પૂર્વક સ્વિકાર્યો અને કહ્યું ” અમે બન્ને જે દેશને ચાહીએ છીએ તે દેશના પ્રમુખ બનવા બદલ મે તેમને અભિનંદન આપ્યા છે. અમેરિકાના ઘણા લોકો એવું માનતા હતા કે પ્રમુખ પદની ચુંટણીથી તેઓ હજી ઘણા દૂર છે, તેવા લોકોમાં આશા અને ચેતનાનો સંચાર કરવા બદલ હું તેમની ભાવ પૂર્વક પ્રશંસા કરું છું. અત્યાર સુધી હું સર્વોચ્ચ પદે હતો હવે એક સેવક છું. અમારી વચ્ચેના મત ભેદો કદાચ હજી રહેશે પણ દેશને ચાલી રહેલ કપરા સમયમાંથી બહાર કાઢવા માટેના દરેક પ્રયત્નોમાં ઓબામાને મારા અને મારા સાથીદારોનો પુરો સહકાર છે”.
વાહ.. ઓબામા, વાહ.. જહોન મેક્કેઇન અને ધન્ય અમેરિકા, મારા દેશમાં આવા નેતાઓ છે પણ ગણીએ તો પાંચ આંગળીઓ પણ વધી પડે એમ છે. મારામાં દેશ દાઝ ભરપૂર છે એટલે મને અમેરિકાની ઇર્ષા થાય છે.
બાકી મારા દેશના ઢગલા બંધ થુલીયા, ધોતીયા છાપ અને ટપોરી જેવા નેતાઓને ચુપચાપ આખો દેશ વેંઢી રહ્યો છે. થુંક ઉડાડવાનો એક પણ મોકો ચુકતા નથી. પોતાના જ દેશના લોકોને ” આમ કરશો તો મુઠ્ઠીઓ વાળીને ભાગવું પડશે, અહિંયા પગ મુક્યો છે તો તમારી ખેર નથી ને આમ કરશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો ” વાહ મારા દેશના નેતાઓ વાહ …
સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી,
મારી મનુષ્યતા કોઇ ગણવેશમાં નથી. -ભગવતી કુમાર શર્મા
આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.
છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે – ચિનુ મોદી
તમે ખુબ સરસ વાત કહી … કાશ આપણા નેતાઓ એમાંથી કાંઈક શીખે.
લેખના અંતે ચિનુ મોદીની પંક્તિઓ .. સોને પે સુહાગા.