અલવિદા કહીને નીળકળી ગયો આ માણસ, ફરીદ મહંમદ ગુલામનબી મન્સૂરી, આવડું મોટું આ નામ અત્યારે લોકો પાસેથી સાંભળ્યું ને વાંચ્યુ , અમારે તો “આદિલ” બસ આટલું જ નામ પૂરતું હતું, આ નામ અમારી જિંદગી સાથે, અમારી વાતોમાં, અમારા હ્રદયમાં ઘર કરી ગયું હતું. હું અને મારો મિત્ર થાનકી, આદિલની વાત નીકળે એટલે ઓળ ઘોળ થઇ જતા. એક બીજા સામું જોયા કરતા. ” થાનકી, યાદ છે ? એક વાર અમદાવાદમાં અખિલ ભારતીય ઉર્દુ સંમ્મેલન ભરાયુ હતું અને ત્રણ દિવસના સંમ્મેલનની સમાપ્તિ પછી રાત્રે વિકટોરીયા ગાર્ડનમાં મુશાયરાનું આયોજન થયું હતું ? આખ્ખા ભારતના ઉર્દુ સાહિત્યના ખેરખાંઓ સ્ટેજ પર હતા, અને મુશાયરો સંચાલન કરવા વાળા કદાચ નિદા-ફાજલી જ હતા ? ” સાહેબ મુશાયરાની શરુઆત જ આદિલનું નામ લઇને થઇ હતી. “ગુજરાત ગાંધીજીનુ છે અને ગુજરાતનો આદિલ છે “ વાહ.. અમે આ વાત કરતા કરતા તરબતર થઇ જતા. થાનકી તો ઘણી વાર સંપર્કમાં આવ્યો હતો, પણ મેં તો બે ત્રણ વાર ’લક્કી ટી સ્ટોલમાં’ સાથે બેસીને ચા પિધી હતી એટલુ જ ! આદિલ સાહેબ ત્યારે યુવાન હતા, તેમની દાઢી લાંબી અને કાળી હતી. સફેદ કુર્તા-પાયજામામાં આ માણસ ઓલિઆ જેવો લાગતો હતો. ચાના એક એક ઘુંટડામાં અમદાવાદ પ્રત્યેનું વહાલ દેખાતું હતું. મારા મનમાં હજી પણ આ જ ચિત્ર છે. આદિલની વિદાય, જેમ કોઇ અંગત માણસ કીધા વગર ચાલિ નીકળે ને કેવો ખટકો લાગે ? હ્રદયને એવો જ ખટકો લાગ્યો !
લગભગ ૧૯૭૮ ના અરસામાં, હું જ્યારે અમદાવામાં હતો ત્યારે, હું અને મારો મિત્ર હસમુખ (હરસુખ )થાનકી આદિલ સાહેબને બેત્રણ વાર મળેલા. થાનકી ’જનસત્તા’ માં “ચાંદની અને રંગતરંગ ” માં સહતંત્રિ તરીકે હતો. હું રિલાયન્સ કંપનીના નરોડા પ્લાન્ટમાં કામ કરતો, મારી રજા સોમવારે રહેતી એટલે લગભગ દર સોમવારે હું ’જનસત્તા પ્રેસ’ પર જતો. એક વાર થાનકીએ કહ્યું “ચાલ “આદિલ”ને મળીએ, અહિંયાજ બાજુમાં સારાભાઇની “શિલ્પી” નામે એડ. કંપની છે, ત્યાં તેઓ કોપી રાઇટર તરીકે કામ કરે છે.’ અમે ત્યાં બે થી ત્રણ વાર મળવા ગયેલા, તેઓ અને અમે સાથે મળીને લાલ દરવાજા પાસે ’પારેખ સ્ટોર્સ’ની સામે આવેલા ’લક્કી ટી સ્ટોલ’માં ચા પીતા. આ બે ત્રણ મુલાકાત દરમ્યાન શું વાતો થયેલી તે યાદ નથી આવતું પણ હું અહોભાવથી તેમને સાંભળી રહેતો, એક વાર શ્રી રતીલાલ જોગીની વાત નીકળી ત્યારે આદિલ સાહેબે કહ્યું હતું ” જોગી સાહેબ તો ઓલિઓ છે ઓલિઓ ! “
એક વાર આવી જ રીતે “આદિલ” અમદાવાદને ભારે હ્રદયે અલવિદા કહીને નીકળી ગયા . મારા મિત્ર થાનકીને મેં એક વાર પૂછેલું કે આદિલ સાહેબને મળે છે કે નહીં ? લગભગ ૧૯૮૬ ની વાત હશે. હું અમદાવાદથી મુંબઇ અમારા ’પાતાળગંગા’ના પ્લાંટમાં ટ્રાંસ્ફર થઇ ગયો હતો, થાનકીએ કહ્યું “આદિલ” અમેરિકા જતા રહ્યાં, કાયમ ખાતે !” મને તે દિવસે પણ હ્ર્દયમાં આવો જ ખટકો લાગ્યો હતો. અમદાવાદના કોમિ રમખાણોની વાતો સાંભળી, સંમ્બંધીઓ અને મિત્રોની ચિંતા તો થતી જ, પણ “આદિલ” સાહેબનુ નાજુક કવિ હ્રદય કેટલું વેદના વેઠી રહ્યું હશે એ વિચાર પણ આવતો. અને મેં હસમુખ થાનકી પાસેથી સાંભળ્યું કે “આદિલ” કાયમ માટે અમેરિકા જતાં રહ્યા ! અને બધાએ એજ લખ્યું કે વ્યથિત હ્રદયે આ માણસે અમદાવાદ છોડ્યું પણ તેની રગોમાં અમદાવાદ હંમેશા લોહિની જેમ દોડતું રહ્યું. મને પણ એજ વિચારે વ્યથિત કર્યો હતો કે, અચાનક આ શહેરમાં કેવું પરાયું પરાયું મહેસુસ કર્યું હશે આ માણસે ? આ રચનાને બધાએ યાદ કરી છે, કારણ કે પોતાનું ગણેલું રગ રગમાં વસેલું શહેર અમદાવાદ છોડવાની વેદના ન થાય તે શક્ય જ નથી.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઇને જોઇ લેવા દો,
આ હસતા ચહેરાઓ, આ મીઠી નજર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઇ અહીં,
પછી કોઇને કોઇની કબર મળે ન મળે.
વતનની ધૂળથી માથું ભરી લઉં “આદિલ”
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
“આદિલ” તો આપણને છોડીને ૧૯૮૫ માં જ ચાલ્યો ગયો હતો. આપણે અને આદિલ દરિયાના સામ સામા કિનારેથી એક બિજાને નિહાળતા. મને રિંસાઇને ચાલ્યા ગયેલા આદિલને કહેવાનું મન થઇ જતું
ગુન્હા કર્યા કોઇએ, ને સજા આખા શહેરને ?
આમ કાં ભુલી ગયો , આખે આખા શહેરને ?
તું કહે તો લખી આપું, માફીનો હું દસ્તાવેજ,
છે ભરોસો મારા પર આખે આખા શહેરને.
-દિનકર ભટ્ટ
તું કહે તો લખી આપું, માફીનો હું દસ્તાવેજ,
છે ભરોસો મારા પર આખે આખા શહેરને
ghanu ghanu ghanuj saras
aakhaaye shahernu dil aam j kahetu hashe j
bahut khub !!
ગુન્હા કર્યા કોઇએ, ને સજા આખા શહેરને ?
આમ કાં ભુલી ગયો , આખે આખા શહેરને ?
તું કહે તો લખી આપું, માફીનો હું દસ્તાવેજ,
છે ભરોસો મારા પર આખે આખા શહેરને.
બહોત ખૂબ …