ગઝલનું ઘેલું લાગ્યું હોય તો તેનું કારણ છે “આદિલ” સાહેબ. હસમુખ (હરસુખ) થાનકી અને હું એક વાર તેમને મળ્યા પછી ઘણી વખત તેમની વાતો નીકળતી, હસમુખ તેમની નવી ગઝલ વાંચી હોય એટલે સંભળાવતો. આજે પણ હસમુખનો ફોન આવે એટલે એમ વિચારું કે એકાદી નવી ગઝલ કે કવિતા વાંચી હશે. આદિલ સાહેબ, રમેશ પારેખ, શેખાદમ આબુવાલા, આ બધાને રુબરુ મળવાનો લાભ મળ્યો હોય તો તેનો જશ મારા મિત્ર હસમુખ થાનકીને જાય. અમને આવો ક્રેઝ હતો, નામી લેખકો કે કવિઓને મળવાનો મોકો મળતો હોયતો જતો ન કરવો.

”મીરઝા ગાલિબ” ની ટી.વી. સિરીયલ ચાલુ થઇ હતી, બહુ જ રસ પડ્યો હતો. ઉર્દુ શબ્દો સમજવામાં તકલીફ પડવા લાગી, પછી ખબર પડી કે ઉર્દુના જાણકાર તો ઘરમાં જ છે, ઘરમાં એટલે ખરેખર ઘરમાં નહિં પણ મારા સાઢુ ભાઇ વિરેન્દ્ર કુમાર, રાજકોટમાં રેલ્વેમાં સર્વિસ કરે છે. ઉર્દુની ઘણી સારી સમઝ છે. એમની મદદ લેતો. આમ ધીરે ધીરે ગઝલોનો આશીક બનતો ગયો. પછી તો ’મરીઝ’, ’બેફામ” શેખાદમ આબુવાલા, રમેશ પારેખ અને અગણીત આપણા દિગ્ગજો.
ગઝલનાં ઉંડા મૂળ તો છેક સુફી સંતો સુધી નિકળે છે, સુફી સંતો ઇશ્વરને માશુકના રુપમાં માને છે અને ઇશ્વર પ્રત્યે જે પ્રેમ બયાં કરે છે તેને ’ઇશ્કે-હકીકી’ કહેવાય, આ પણ એક ઉંચા દરજ્જાનો પ્રેમલક્ષણા ભાવ છે, જેમ આપણે પ્રેમલક્ષણા ભક્તિમાં ગોપી-ભાવ સાથે કૃષ્ણ ભક્તિના પદો રચીએ છીએ તેમ. સુફીવાદ ઇસ્લામનો રહસ્ય વાદ છે. આ વાદના સ્થાપક હજરત મહંમદ પયગંબરના જમાઇ અને ખલીફ હજરત અલી સાહેબ હોવાનું મનાય છે. પ્રેમની આ સ્થિતીના જ્ઞાનને ’હકીકત’ કહેવાય. પરમાત્માને પરમ પ્રિયતમાના રુપમાં માની અને તેને પામવાની અભિલાષા અને તડપ જે રીતે બયાન થાય છે તે કવ્વાલી, ગઝલ અને શાયરીના રુપમાં હોય છે. તેને ’ઇશ્કે-હકીકી’ કહેવાય છે. આવા શેરો અને ગઝલો ઉપર ઉપરથી તો લૌકીક લાગે છે, પરંતુ આ પ્રકારને ’મારિફત’ કહેવાય છે અને આ વિચારધારાને ’તસવ્વુફ’ અને તેમાં માનનારાઓને સુફી કહેવાય છે. ’મોયુદિન ચિસ્તી’ , ’અમીર ખુશરો’ આ બધા સુફી સંતો હતાં.
ગઝલ વિષે ઘણુ જાણવાનું મળ્યું. અરબસ્તાનમાં આવાં પ્રસસ્તિ કાવ્યોને ’કસીદા’ના નામે ઓળખતા. કસીદાના પ્રથમ ખંડમાં પ્રિયતમાના સૌંદર્યની વાત કહેવામાં આવતી, આ પ્રથમ ખંડને “તશ્બીબ” કહેતા .ઇરાનમાં ત્રીજી સદીમાં રુદકી વિગેરે કવિઓએ આ ’તશ્બીબ’ને અલગ તારવીને ગઝલ નામ આપ્યું. અરબસ્તાનમાં જન્મેલી ગઝલની પરવરિશ ઇરાનમાં થઇ, અને તેનો વિકાસ ફારસીમાં થયો, હિન્દુસ્તાન પર સામ્રાજ્ય કરનારા મુસ્લિમ બાદશાહો મારફત ફારસી અને ઉર્દુનો પ્રસાર વધ્યો ત્યારે ગઝલો ઉર્દુમાં લખાવા માંડી. ગુજરાતી ગઝલે ફારસી અને ઉર્દુ ભાષાના પ્રવાહો સાથે ગતિ માંડીને શરુઆત કરી, ગઝલના પ્રતિકો, ભાવ-વિશ્વ, પરિભાષા અને પરિધાન એકદમ તો બદલાવા શક્ય ન હતા, પણ છ થી સાત દાયકાની મજલ કાપી અંતે આપણા કવિઓએ ગુજરાતી ગઝલને એક નવું જ રુખ આપ્યું. જેમ ગાલિબે ઉર્દુ શેરો શાયરી અને ગઝલને અલગ જ અંદાજ આપ્યો તેમ શેખાદમ, આદિલ, ઘાયલ, મરીઝ , બેફામ, નાઝિર, રમેશ પારેખ આવા અગણિત સમકાલિન કવિઓએ ગુજરાતી ગઝલ ને ઉંચો દરજ્જો અપાવ્યો, નહિ તો ગઝલ આ કાવ્ય પ્રકારને ફક્ત આશિક-માશુકના સંવાદો અને ઉતરતી કક્ષાનો પ્રકાર ગણવામાં આવતો.
બાકી તો સમયાંતરે ગઝલનાં ભાવો, શબ્દો, રુપકો, અભિવ્યક્તિના પ્રકારો બદલાતા રહ્યાં. આજે આપણે કહી શકિએ કે ગુજરાતી ગઝલોનો અત્યારે સુવર્ણ કાળ છે. આજે કોઇપણ નવોદિત કવિ આ જ પ્રકારને પસંદ કરીને પદાર્પણ કરે છે. આપણા સદભાગ્ય છે કે આદિલ, ઘાયલ, મરીઝ, રમેશ પારેખ જેવાં કવિઓએ નવાં જ કલેવરમાં ગઝલોને આપી, આપણને ગઝલો માણતા કર્યા.
મત્લા અને મક્તા વિષે જાણ્યું, રદિફ અને કાફીયા વિષે પણ જાણ્યું, મિસરા કોને કહેવાય અને અંદાજે બયાં કોને કહેવાય, પ્રથમ પંક્તિને ’ઉલા મિસરા’ અને બીજી પંક્તિને ’સાની મિસરા’ કહેવાય. છેલ્લી પંક્તિમાં શાયરનું તખલ્લુસ આવતું હોય તેને ’મક્તા’ કહેવાય. ’માપ’ અને ’વજન’ બે સામ્ય શબ્દોને ’માપ’ અને એવા તમામ સામ્ય શબ્દોના સમુહને ’વજન’ શેરમાં ’ચોટ’ હોવી જોઇએ નહિંતો એ જોડકણા જેવું લાગે. અંદાજે-બયાં, મૌસિકી, તસવ્વુફ અને મારિફત ( આધ્યાત્મની ઝાંખી અથવા વિરક્ત ભાવ ), નુદરત ( નાવીન્ય ), છંદ, બંધારણ વિગેરે વિગેરે. ઇર્શાદ… ઇર્શાદ..
જમીન, દરીયો, મોજા, લહેરો, નદી, નાવ, રેત, કિનારા, હવા, ખુશ્બુ, ચાંદ, સીતારા, આગ, પાની, ફૂલ, કાંટા, જંગલ, રસ્તા, શમા, પતંગા, ઘર, કબર, કયામત, જિંદગી, શ્વાસ, ધડકન, મૌત, કફન. અને ઘણું બધું. આતો ગઝલના શબ્દ્કોષની ઝલક છે. મને પણ થયા કરે કે, ક્યારેક ગઝલ લખવાનો પ્રયાસ કરવામાં વાંધો નહિ.
न था कुछ तो खुदा था, कुछ न होता तो खुदा होता ।
डुबोया मुझको होने ने, न मै होता तो क्या होता । – गालिब