નરસિંહ શું હતો કવિ ,ભક્ત ,સંત ,અવધુત કે ક્રાંતિકારી ?
નરસીંહ વિષે થોડાં ઘણા ભજન જેવા કાવ્યો ગણગણીને આપણે કહીએ કે આ નરસિંહ મહેતાનુ છે અને આ પ્રભાતિયું પણ નરસિંહ મહેતાનું છે.બહું ઓછું જાણીએ છીએ આપણે નહરસિંહ વિષે એવું મને લાગ્યું જ્યારે મેં શ્રી જવાહર બક્ષીનું નરસિંહ વિષે વક્તવ્ય સાંભળ્યું. મારા એક મિત્રે મને સી.ડી આપી હતી, જે જુનાગઢના શ્રી નરસિંહ વિષેના એક કાર્યક્રમમાં જવાહર બક્ષીએ આપેલા વકતવ્યની હતી. પુરા દોઢ કલાકના તેમના વક્તવ્યથી હું એટલો બધો પ્રભાવીત થયો છું ! મને લાગ્યું કે એક ચંદ્રકાંતબક્ષી અને બીજા જવાહર બક્ષી, એક લેખક અને બીજા કવિ, આ બે બક્ષીઓએ મારા ઉપર વિદ્વત્તાની ઉંડી છાપ છોડી છે.
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
બહુ જ ગહન વાતોને સાદી સરળ શૈલીમાં આ સંત કહી ગયો છે, ભક્ત કહો કે સંત કહો, પણ અવધુત અને યોગીથીયે ચડે તેવી વાતો નરસિંહ ગુજરાતીમાં પદ્ય રુપે કહી ગયો છે. ૬૦૦ વર્ષ પહેલાં નરસિંહનો જન્મ થયો હશે (૧૪૦૪ થી ૧૪૧૪ સુધીના સમયની અટકળ છે. ) ૧૪૮૦ માં મૃત્યું થયું હશે એવી અટકળ છે. ૧૬૧૨ માં પહેલી હસ્તપ્રત મળી. નરસિંહ રચિત હારમાળાના પ્રસંગમાં સમયનો એક આધાર મળે છે, સં.૧૫૧૨ માગસર સુદ-૭ ( ઇ.સ. ૧૪૫૫ ) ભાષા શાસ્ત્રીઓએ તો વિવાદ છેડ્યો હતો કે નરસિંહના આ બધા પદો જે ભાષામાં છે તે ભાષા ૬૦૦ વર્ષ પહેલાં હતી જ નહી, અને આ પદો નરસિંહના બનાવેલા નથી. જવાહર બક્ષીએ પોતાના વક્તવ્યમાં ’ડાયસ’ ઉપર ઠોકી ઠોકીને કહ્યું કે આ વિવાદનો અંત આવવો જોઇએ. ૧૧ મી સદીમાં એ વખતે ભારત ભરમાં ૨૭ અપભ્રંશો બોલાતા હતાં જે પ્રાકૃતમાંથી ઉદ્ભવેલા હતાં, તેમાંનું એક “લાટ” અપભ્રંશ સુરતથી રત્નાગિરી સુધીના વિસ્તારમાં બોલાતું. અમદાવાદ તરફ ગુર્જર અપભ્રંશ બોલાતું અને સૌરાષ્ટ્રમાં નાગર અપભ્રંશ બોલાતું, રાજા ભોજનાં કંઠાભરણમાં આની સાબિતી મળે છે. જવાહર બક્ષીએ કહ્યું આ વિવાદનો અંત આવવો જોઇએ અને આ બધા પદો નાગર અપભ્રંશમાં રચેલા નરસિંહના જ છે.
નરસિંહે હરિજન વાસમાં જઇ અને ભજનો ગાયા આ તેની ક્રાંતિ છે. આજ થી ૬૦૦ વર્ષ પહેલા આ જણે રાજદંડ અને નાગર જ્ઞાતિની પણ પરવા કરી નહિં.નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા.
ગુજરાતી ભાષાનું સૌથી પહેલું આખ્યાન-કાવ્ય જો હોય તો તે છે નરસિંહનું ’સુદામા ચરિત’. નરસિંહ રચિત કુલ ૮૦૭ પદો છે.
૬૫-જ્ઞાનના, ૯-સુદામા ચરિત, ૪-ઝારીના પદો, ૧૦૨-આત્મ ચરિતના ( શામળશાનો વિવાહ, કુંવર બાઇનું મામેરુ, હારમાળાનો અને હુંડીનો પ્રસંગ ) કુલ થયા ૧૮૦ અને ૬૨૭ પદો કૃષ્ણલીલાના છે. આ કુલ ૮૦૭ પદો દાવા સાથે કહી શકાય કે નરસિંહના જ રચેલા છે.
રહસ્ય વાદ અને જ્ઞાનના પદો :
જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા- આ પદમાં જવાહર બક્ષી કહે છે ૩૬૦ ત્રણસો સાંઇઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળીયો કોણ થાશે. ત્રણસો સાંઇઠ જ કેમ ? પાંચ પચીસ કે ચારસો કેમ નહિ ? સાહેબ નરસિંહ ૧૨ મહિનાના ૩૦ દિવસ લેખે ૩૬૦ દિવસની વાત કરે છે. વડો રે ગોવાળીયો… નરસિંહ માંહ્યલાને જગાડવાની વાત કરી રહ્યો છે. ૩૬૦ દિવસોની માયાની જંજાળ માંથી એવો ક્યો દિવસ આવશે ?
જળ કમળ છાંડીજા ને બાળા - આ પ્રભાતિયામાં નરસિંહ કુડલિની જાગરણની વાત કરે છે. આપણે ત્યાં કુંડલીની જાગરણના બે માર્ગ છે એક ચક્ર માર્ગ અને બીજો કમળ માર્ગ. આપણા સાહિત્યકારો જળ શબ્દ સમજી શક્યા પણ કમળ શબ્દનું અર્થઘટન ન કરી શક્યા ! ચક્રને છેદવાનું હોય છે અને કમળને છાંડવાનું હોય છે. નરસિંહે એમ શા માટે ન કહ્યું કે ’જળ ગહન છાંડીજા ને બાળા’ ? આ પદોમાં મુલાધાર ચક્ર, નાભિ ચક્ર અને સહસ્ત્રાધાર ચક્રોની ગહન વાતો કરી છે. કાળીનાગ એ તો રુપક છે. ’કહે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ’ બક્ષી સાહેબ કહે છે, સ્વાધિષ્ઠાન ચક્ર સુધી પહોંચ્યા પછી સાધકની અવસ્થા સંભ્રમમાં મુકાય છે, આ અવસ્થાની વાત નરસિંહ કરે છે. પદના શરુઆતમાં નાગણોનો સ્વામિ કાળીનાગ છે ’ બેઉં બળીયા, બાથે વળગીયા’ અને પદના અંતે જ્યારે કૃષ્ણ કાળીનાગને નાથી લે છે. એ પછી નાગણોનો સ્વામિ છેલ્લા પદમાં બદલાઇને કૃષ્ણ થઇ જાય છે. “બે કર જોડી વિનવે, સ્વામિ મુકો અમારા કંથને !” બક્ષીજી કહે છે, આ સ્વામિ બદલાઇ જવાની નરસિંહની આ વાતને આજ સુધી આપણા સાહિત્યકરો કેમ સમજી નથી શક્યા ? કાળી નાગને નાગણો જ્યારે જગાડે છે ત્યારે સો સો નાગના ફણાનો ફુંફાડો સંભળાય છે, મેઘ જેવી ગર્જનાઓ સંભળાય છે આકાશમાં વીજળીઓના કડકડાટ, આ બધું સહાસ્ત્રાધાર ચક્ર ખુલી ગયા પછી યોગીઓ જે અનુભવનું વર્ણન કરે છે તે છે. એમ તો નરસિંહે પણ એક જગ્યાએ કીધું છે કે “મોરલીના નાદમાં, શ્રવણના સ્વાદમાં, ઝાંઝરી, ઝાલરી ઝમક વાગે, તાલ મૃદંગને ભેરી શરણાઇમાં બ્રહ્મનાદે“-વાહ નરસિંહ વાહ શું શબ્દોની જાહોજલાલી છે ?
“નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે “ અને ” જાગીને જોઉં તો જગત દિશે નહિં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે” – –”હું કરે, તું કરું, હું વિના તું નહિં, હું રહીશ ત્યાં લગી તું રહેશે, હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે“ અજાતવાદની આ ફિલોસોફી છે ને અદભુત ? -” પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપણ્યા, અણું અણું માહી રે રહ્યા વળગી, બિજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બિજ તું“ એમનું પારદર્શિ દર્શન તો જુઓ ? આ જણ કવિ નહિં આતો અવધુત અને પૂર્વ-જન્મનો કોઇ યોગી હશે. ” વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિષે ભેદ નોયે, ઘાટ ઘડ્યાં પછી નામ રુપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે.”-શંકરાચાર્યનો અદ્વૈત વાદ બહુ સરળતાથી નરસિંહ જ કહી શકે .” જીવને શીવ તો, આપ ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા“…અધ્યાત્મમાં શું બાકી છોડ્યું છે આ અવધુતે ?
હવે થોડા શૃંગાર પદો
જે આપણા સાહિત્યથી થોડા અળગા રખાયા છે બહુ ઓછા લોકોને માણવા મળ્યા છે. આ પદોમાંય આધ્યાત્મિક રહસ્યો એટલા જ ભરપુર છે. નરસિંહને એક વાર તરસ લાગી હોય છે અને અચાનક એક સ્ત્રી પાણી પીવડાવા આવી ચડે છે. નરસિંહને એવો ભાસ થાય છે કે જાણે કૃષ્ણ સાક્ષાત મોહિની રુપે પ્રગટ થયા. આ પદ ઝારીનું પદ છે.
આ જોને કોઇ ઉભી આળસ મોડે, ગોરી તારે રાજુડે રે મોહ્યાં મોહ્યાં મુનિવર રાયા / રુપ સ્વરુપ ભર્યું નવ જાયે, કોઇ દિશે છે ઇશ્વરી માયા / આ ગજવો તમે ક્યાં સીવડાવ્યો ? શણગટ વાળ્યો શું ધારી રે ? આંખલડી જાણે પાંખલડી….
નરસિંહને ખબર હતી કે આ શૃંગાર પદો લોકો સ્વિકારી નહિં શકે ! રાજદંડ પણ મળી શકે . એટલે પહેલા જ તે ચાતુરીના પદોમાં તેની ભૂમિકા બાંધી દે છે.
મન, વચન, કર્મ, સાધન ચાતુરી, અગમ અગોચર જેહ છે / બ્રહ્મ વાદ નીર્બોધ છે, તેહને સમજશે કોણ પછે ? / એવું નૌતમ યૌવન, શ્રી વૃંદાવન શોભા જેની વર્ણે ના સમાય / સંસારના સન્મુખે કહું તો સ્તુતિ ટળી નિંદા થાય.
નરસિંહ કહે છે જો નિર્ગુણ નિરાકારની વાત સિધેસિધી કરીશ તો અબુધ લોકો કઇં નહિં સમજે, અને જો રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક લઇને કરીશ લોકો મને લટકાવી દેશે. આ નરસિંહને ખબર હતી. થોડાક શૃંગાર પદો માણવા જેવા છે.
નાચતા નાચતા , નયન નૈણા મળ્યા /મદ ભર્યા નાથને બાથ ભરતા / ઝમકને ઝાંઝરે તાળી દે તાળુડી / કામિની કૃષ્ણ શું કેલી કરતાં.
જાગો રે જશોદાના જીવણ વ્હાંણલા વાયા / તમારા ઓશીકે મારા ચીર રે ચંપયા / પાસું મરડો તો વ્હાલા ચીર લઉં તાણી / સરખી સમાણી થઇ પાસ જાઉં રે પાણી.
પ્રાત: થયું, પ્રાણ પતિ, ઇન્દુ ગયો આથમી / કાં રહ્યો બાવડી કંઠ ઘાલી - દરેક જગ્યાએ પહેલા શૄંગાર રચીને નરસિંહ પછી આધ્યાત્મિક સાર આપે છે.
લલીત હતી સુંદરી, લલીત આલાપથી / દધી મંથન ઘોષ ઘેર થાયે /કમળ વિકસી રહ્યાં, મધુપ ઉડી ગયાં / કુટ કુટા બોલે, પિયુ પાય લાગું / રવિ રે ઉગતા, લાજીને ઘર જતાં, નરસૈયાચા સ્વામિ માન માંગુ.
પાછલી રાતના નાથ પાછા વળ્યાં, શું કરું હે સખી હું ન જાગી ? / નીરખતા નીરખતા નિંદ્રા આવી ગઇ / વાલોજી જઇ, ગયા વાત રાખી / કૃષ્ણજી ક્યાં હશે ? શૌક્ય સુણશે હવે / પ્રથમ જઇ એને પાય લાગું / સરળ છે શામળો મેલશે આમળો / જઈ ને વાલા કને માન માંગુ - ત્યારે સખી કહે છે
ઉઠ આળસ તજી, નાથ નથી ગયા હજી / દ્વાર ઉભા હરી હેત જોવા. - સખી કહે છે ગાંડી નાથ તો તારા પ્રેમની પરીક્ષા કરે છે. એને જ તને ઉંઘાડિ અને એને જ તને ઝબકીને જગાડી છે. અદ્ભુત.. અદભુત..
સરસ લેખ આધ્યાત્મીકપદો નરસિંહ મહેતા નાં ખુબજ ગહન હોય છે
અદ્.ભૂત ….. !!
નાના હતાં ત્યારથી ‘જળ કમળ છોડી જાને બાળા’-
સાંભળતાં, ગોખતાં, માણતાં,
આજે બક્ષીસાહેબનો આ દ્રષ્ટિકોણ વાંચી અવાચક્ !!
ultimate explanation…!!!
u don’t believe…..
but today again I read it and enjoyed just like
reading first time !! thanks !!
recently I put …. Jaagne jadva
http://webmehfil.com/?p=1594
but forgot to put ur link !!