આગળના બ્લોગમાં ચોરવાડના શ્રી ભગવતી કુમાર પાઠકનો પરિચય અને તેમની ચોરવાડ પર લખેલી એક કવિતા મુકેલી , દ્વારકામાં તેઓ શારદા પીઠ કોલેજમાં પ્રોફેસર અને છેલ્લે પ્રિન્સીપાલ હતા. અત્યારે નિવૃત છે અને ચોરવાડમાં જ છે. આ કવિ જીવ દ્વારીકાને આપણી સમક્ષ મુકે નહિં એવું કેમ બને ! દ્વારીકા તો અમસ્તીએ આપણામાં વસેલી છે, આપણે શું ! આખ્ખા ભારતના હ્રદયમાં વસેલી છે. કૃષ્ણ પણ જાણે યુધ્ધોથી પરવારીને ગીતાનો મહા ઉપદેશ આપીને જાણે કેમ નિવૃત જીવન ગાળવા માટે ગુજરાતની દ્વારીકા પસંદ કરી હોય એવું નથી લાગતું ? કે પછી સુદામાની મિત્રતા યાદ આવી ગઇ હોય ! આપણે પણ આપણા મિત્રોને નથી કહેતા ? કે, બસ રિટાયરમેન્ટ પછી દેશમાં બધા મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે આવી જવું છે ?
દ્વારીકા, સુદામાના મિત્રની દ્વારીકા, સોનાની દ્વારીકા, મીરાની દ્વારીકા કે પછી ભાનભૂલીને છાકટા થયેલા યાદવોની દ્વારીકા, પાણીમાં ગરક થયેલી દ્વારીકા, પુરાતત્વ ખાતાનાં ડુબકી મારોની દ્વારીકા કે પછી કૃષ્ણના વિષાદની દ્વારીકા, દ્વારીકામાં આવીને કૃષ્ણને રાધા ,ગોકુળ અને ગોપીઓ યાદ આવતી. આપણા ભગવતી કુમારે દ્વારકા માણી છે, દ્વારકાને જીવ્યા છે, દ્વારીકાને પોતીકી સમજીને મનના ભાવો કાવ્યમાં ઉતાર્યા છે. હાલની દ્વારકાના હાલ જોઇ આપણા ભગવતી કુમાર પાઠકને મનમાં ઘણો ખેદ છે અને થોડો ઉચાટ પણ.
દ્વારકા, વારતા,
જીર્ણની વારતા, નવ્યની વારતા.
તાંદુલી ચીંથરા, શ્વાસની હૂંડીઓ,
સાંકડી, શ્વાસતી, હાંફતી, શાપતી ;
એકદંડા અડોઅડ મકાનોવતી,
ચૂમતી ને ચૂમાતી રહે ;
ચિત્ર પ્રત્યેકમાં ધ્વજ સમી ફર્ફરે ;
ભદ્ર છે, નીચ છે, ઉર્ધ્વમૂલી,
યાદવી શાપના ફળ હજી ભોગવે.
ગર્ભના ગૃહ વિષે ના કશું નીપજે,
સાંબના મૂસળો દ્રષ્ટીમાં થર્થરે.
પથ્થરો પથ્થરો, ચકનારાયણો ;
દ્રષ્ટીમાં, ચિત્તમાં,
રેતીના કણ અને કસ્તરો.
દ્વારકાનાથની છાતીમાં આજ પણ
રોજ ને રોજ મીરાં સમાતી.
શામળો ખીચડી અન્નક્ષેત્રે જમે
ને, અહીં નરસિંહો, નાનકો-
રાજરાણી મીંરા રોજ આવે ;
સાવ ખુલ્લા નિતંબો, દેહ જર્જરી,
કોણ ઢાંકે અને કોણ સેવે ?
વેદના, વેદના, છાતીમાં શ્વાસમાં,
આંખમાં, હાડમાં, ઓરતા કોઇના આવવાના.
ને, અમે મૂસળો,
અબ્ધિ કાંઠે ધસી બેસીએ ;
યાદવી અન્યની રાહ જોતાં.
દ્વારકા ભૂતકાલી સ્મૃતિની છૂરી,
છાતીમાં ખાઇને,
આખરી મોક્ષની રાહ જોતી.
———-૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦————–