
મુંબઇ ઉપર આતંકવાદી હુમલો થયો તેના વિરૂધ્ધમાં એકતા બતાવવા અને આતંકવાદીઓને જાણ થાય કે તમારી કોઇપણ મેલી મુરાદોને અમે સફળ થવા નહીં દઇએ તે માટે વિરાટ માનવ મેદનીએ મળીને એકતાના પ્રતિક રુપે વિરાટ માનવ સાંકળ રચી અને દેશભક્તીની અતૂટ ભાવના વ્યક્ત કરી. ફિલ્મ જગતની જાણીતી વ્યક્તીઓ તેમજ અન્ય આગળ પડતી વ્યક્તિઓએ આતંકવાદ સામે એક્જૂટ થઇને લડવાના સપથ લીધા. જોવાની ખુબી તો એ છે કે, આતંકના આ આખાય તાંડવમાં ભાગલાવાદી, ભાષાવાદી, પ્રાંતવાદી અને કાયમ મોકાનો લાભ લઇ અને વેરઝેર અને નફરત ફેલાવવા સિવાય બીજું કંઇ જેમને સુઝતું જ નથી તેવા નેતાઓ કાચબાની જેમ કાયા સંકોરીને ક્યાં ગરક થઈ ગયા, ખબર ન પડી ! તે દિવસે માનવ સાંકળ બનીને ઉભેલો એક એક વ્યક્તિ ભારતીય હતો. ન ગુજરાતી, ન બિહારી, ન ઉત્તર પ્રદેશ કે ન મહારાષ્ટ્રનો ! મારામાં રહેલી દેશદાઝને લીધે ગદ્ગદ થઇને ગર્વથી છાતી ફુલાવીને આ દ્રશ્ય મેં જોયા કર્યું, પણ સાથે સાથે ચિંતા પણ થઇ. દેશમાં સાપની જેમ ઝેર ઓકતા, કાયમ એકતાને તોડતા, ભાષાવાદી, પ્રાંતવાદી નેતાઓ આ સાંકળ જરુર તોડશે. મોકો મળતા જ ગમ્મે ત્યારે આ ઝેરીલા સાંપો દરમાંથી બહાર આવશે.આતંકવાદીઓનું અડધુ કામ તો આવા નેતાઓ જ કરે છે. આતંકવાદીઓ કે દેશના દુશ્મનો અને આવા ભાગલાવાદી નેતાઓના કૂળ એક જ છે. તેમને જો ઉચકીને ફરશો તો આ માનવ સાંકળ તૂટતા વાર નહી લાગે

ટી.વી. ઉપર રામદેવ મહરાજનો કોઇ ઇન્ટરવ્યુ લઇ રહ્યું હતું, તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે તો યોગ ગુરૂ છો, દેશની સમસ્યાઓ ઉપર શામાટે ટીપ્પણીઓ આપો છો ? તેમનો જવાબ હતો આ દેશ મારો દેશ છે ! એકલા નેતાઓનો નથી, દેશદ્રોહને લગતી કોઇ પણ બાબત હોય, દરેક દેશભક્તે બોલવું જોઇએ, જે તમાશો સમજીને ચુપ રહે તે પણ દેશદ્રોહી જ છે.

૧૨-ડિસેમ્બરના દૈનીકમાં એક અંગ્રેજી મેગેઝીનને પાકીસ્તાનની કટ્ટરવાદી સંસ્થા જમાત-ઉદ-દાવાના વડા પ્રોફેસર હાફીઝ મોહમ્મદ સઇદેનો આપેલો ઇન્ટરવ્યુ વાંચ્યો, ૧૯૯૧ માં આજ માણસે લશ્કર-એ-તોઇબાની સ્થાપના કરી હતી. ત્યારે આ માણસે કહેલું ” હું હિન્દુસ્તાનના ટુકડે ટુકાડા કરવાનો સંકલ્પ જાહેર કરું છું, અને જ્યાં સુધી પાકિસ્તાનમાં ભળી ન જાય ત્યાં સુધી જંપીને નહી બેસુ ”
મને કહેવાનું મન થાય છે કે ભાઇ, અમારા નેતાઓ જ તારું આ કામ પુરુ કરી આપશે ! અમારા નેતાઓ ચીક્કી પર ચાસ પાડે તેમ દેશની માનસીકતા ઉપર ચાસ પાડવાનું કામ ચાલુ જ રાખે છે. પછી ચિક્કીના ટુકડા કરવા કેટલા આસાન બની જાય છે ? અમે અમારા જ દેશમાં પરપ્રાંતિ, પરભાષી છીએ , મનુવાદી છીએ, એકતાને તોડવાના બીજા કેટ કેટલા દાખલા જોઇએ છે, હાફીઝ મોહમ્મદ સઇદ ભાઇ ? અમે તો શહીદોના ફોટા લગાડતા પહેલા પણ આ વાતનો વિચાર કરીએ છીએ કે તે ક્યા પ્રાંતનો છે !

આપણા દેશને આવા નેતાઓનો ખતરો આતંકવાદીઓથી જરાય ઓછો નથી ! આ નેતાઓથી બચવા ભાવના, ભાવુકતા, ગર્વ , અતિ ગર્વ આ બધાનું મનોવિજ્ઞાન સમજી લઇએ.
એક દરિયો સાવ ખાલી , જાળ એમાં નાખશે તો ?
આ નગર છે સાવ ઘેલું , એ હકીકત જાણશે તો ?
કઇ ગલીમાં પેસશે તે, લાગણી વેંચાવશે તો ?
માંદગી તો માંદગી છે, મોત સામે નાચશે તો ?
આ લુચ્ચા અને નફ્ફટ નેતાઓ આપણી કઇ કમજોરીનો લાભ લે છે ? ભાવના અને ભાવુકતાનું મનોવિજ્ઞાન,બૌધ્ધીકતા અને ભાવુકતાના સમીકરણો, આ બધુ આપણે નથી સમજતા ! બહુ પાતળી ભેદ રેખાઓ છે,જે આપણે ક્યારે ઓળંગી જઇએ છીએ આપણને ખબર નથી પડતી, પણ આ નફ્ફટ નેતાઓ આ મનોવિજ્ઞાનનું સમીકરણ બરાબર જાણે છે. ભાવના ઘણી ઉંચી બાબત છે, ભાવુકતા પેટ્રોલ જેવી છે, પેટ્રોલ ગતિ તો આપે જ છે, પણ જો કોઇ સળગતી કાંડી નાખી દે તો ભડકો થતા વાર ન લાગે ! અંત:કરણ એટલે ભાવુકતાનું કારખાનું, આ અંત:કરણ By Default મળેલું હોય છે. By Default નો શબ્દસ: અર્થ થાય Because of lack of an alternative. યોગ સંયોગ જે આપણા હાથમા નથી. મારો જન્મ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશ કે બિહારમાં થાય તે મારા હાથમાં નથી, હું કઇ ભાષા બોલનારા વચ્ચે જન્મ્યો તે મારા હાથમાં નથી, હું કઇ જાતીમાં પેદા થયો તે પણ મારા હાથમાં નથી, અંત:કરણ અને ભાવુક્તા આ બાબતો સાથે જ જોડાયેલી છે. કોઇ પણ જાતી, પ્રદેશ કે ભાષાનો ગર્વ લેવો સારી વાત છે, પણ અતિ-ગર્વ લેવો વિનાશક છે. સ્વાભિમાન હોવું સારું છે પણ અભિમાન વિનાશક નીવડી શકે ! અને પછી ઘમંડ પછી અલગવાદીતા, નફરત આ બધું લાઇન લગાવીને ઉભું જ હોય છે. આ ભાવના અને ભાવુકતા, સ્વાભિમાન અને અભિમાન, ગર્વ અને અતિ-ગર્વની પાતળી ભેદરેખાઓ બૌધ્ધિકતાથી સમજીને પોતાનો નિર્ણય પોતે લેતા શીખવું પડશે. ભાવના સાથે બુધ્ધિમત્તાની દોસ્તી કરાવવી પડશે ! નહીં તો તમારી ભાવનાનું અપહરણ કરવા આ બાજ અને સાંપ જેવા નેતાઓ ટાંપિને બેઠા જ છે. માનવ સાંકળ ફક્ત ભારતીય બનીને જ મજબુત રીતે પકડીશું તેવી પ્રતિજ્ઞા લઇએ .
હું અરિસા વ્હેંચવા તો નીકળ્યો, પત્થરો આડા ફરે તો શું કરું ?
બે ય હાથે મેં સમેટ્યું સુખને, આખરે કંઇ ના બચે તો શું કરું ?
શ્રી ભટ્ટજી, આપે કઠોર વાસ્તવિકતાની રજૂઆત કરી છે. આટલું આટલું થયાં છતાં આપણા કેટલાક નેતાઓને જાણે કે કશી અસર જ નથી થતી. એમની મેલી રાજરમત આજની તારીખે સૌ જોઈ રહ્યાં છે. એ એવા છે કારણ કે એ આપણા નેતાઓ છે. અને આપણે કોઈ પણ બહાને વહેંચાવા કાજે જાણે કે તૈયાર જ હોઈએ છીએ. આપણે જ મજબૂત થવું રહ્યું. યોગ્ય રજૂઆત બદલ ધન્યવાદ.
કઠોર વાસ્તવિકતા ધન્યવાદ.