મારે અહિંયા લૌકિક પ્રેમની નહિં, તેની આખી કેમેસ્ટ્રીની વાત કરવી છે. માં-બેટાનો પ્રેમ વાત્સલ્યથી ભરપૂર હોય છે, પવિત્ર હોય છે, પણ પ્રેમમાં લોહીનો સંબંધ કારણભૂત અને મર્યાદા સાથે બંધાયેલો હોય છે, સંબંધોનું જાળું વધતું જાય તેમ તેની કેમેસ્ટ્રી બદલાય. ઉમર થાય તેમ કેમેસ્ટ્રી બદલાય. તેવું જ ભાઇ-બહેનના પ્રેમમાં, ભાઇ-ભાઇના પ્રેમમાં, પિતા-પુત્ર અને મિત્રના પ્રેમમાં બને, પ્રેમનું નામ પ્રેમ જ રહે પણ કેમેસ્ટ્રી બદલાય. કદાચ પતિ-પત્નીના પ્રેમમાં થોડું જુદુ હોય છે ! કેમેસ્ટ્રીનો મારોમતલબ છે રસાયણ શાસ્ત્રની જેમ જવાબદારી, ભાવુકતા, લાગણી, યાદગીરી, શારીરિક મર્યાદાઓ અને જીવનના ઘણા બધા સત્યો, આ બધાની માત્રા ઓછી વધુ થયા કરે !
હવે પ્રભુ, ઇશ્વર, કે કબીરજી કહી ગયા તે “ઢાઇ અક્ષર પ્રેમ કા ” એ પ્રેમ, અને મીરા દિવાની બનીને ઝુમતી હતી તે પ્રેમ, ક્યા પ્રેમની કેમેસ્ટ્રી છે ? જે ઇશ્વર કે પ્રભુની ઓળખાણ કરાવે ? એક જ કેમેસ્ટ્રી, ગોપીઓની કૃષ્ણ મિલનની તડપ ! મીરાની પિયા મિલનની તડપ, કૃષ્ણના વિરહમાં ઝુરતી રાધાની તડપ, સુફી સંતોની “ઇશ્કે હકીકી ” જે તેમની કવ્વાલી અને સંગીતની ધૂન સાથે ફૂદરડી ફરતાં ફરતાં તન્મય થઈ જાય છે તે, કે જે રુહાની અહેસાસ કરાવી જાય છે ! સૂફી સંતો આશિકના રુપમાં ઇશ્વર યા ખુદાનું ચિન્તવન કરે છે,આ માટે તેઓએ પ્રેમની પરાકાષ્ઠા રુપે આશિકી ભાવ જ કેમ પસંદ કર્યો ? કારણકે આ એક જ કેમેસ્ટ્રી ઇશ્વર કે ખુદા તરફ ઉડાન ભરવાનો રન-વે છે. ટેઇક-ઓફ કરવાની ગતી આ એક જ પ્રેમની કેમેસ્ટ્રીમાં છે, કારણ કે પ્રેમી કે પ્રિયતમા સાથેનો પ્રેમ જ અમર્યાદ છે. ત્યાં કોઇ મર્યાદા આડે આવતી નથી. નથી શરીરની મર્યાદા આડે આવતી કે નથી મનની ! નથી કોઇ શર્તો કે નથી કોઇ બંધન, સમાધી જેવો નશો, સ્વપ્નમાં ડુબાડી દેતો નશો, ભાન ભૂલાવી દે તેવો નશો ફક્ત આ એક જ પ્રકારના પ્રેમની કેમેસ્ટ્રીમાં આવે છે. મીરા કહો કે રાધા, કબીર કહો કે સૂફી સંતો, પ્રેમ… પ્રેમ.. આ જ છે “ઢાઇ અક્ષર પ્રેમ…”
શ્રી સુરેશ દલાલે સંકલન કરેલા એક કાવ્ય સંગ્રહમાંથી એક સુંદર આવા જ ભાવ વાળી કવિતા.
એક વાર શ્યામ તમે મોરલી વગાડી.
ને એક વાર શ્યામ અમે ઘેલાં થયાં ;
એક વાર શ્યામ અમે ચૂમ્યાં ચરણ,
અને એક વાર છાના છકેલા થયાં ;
એક વાર શ્યામ તમે વસ્ત્રો હર્યા,
અને એક વાર શ્યામ અમે ખુલ્લા થયાં ;
એક વાર શ્યામ તમે વસ્ત્રો પૂર્યાં,
પછી માધવના મારગમાં ભૂલાં પડ્યા ;
એક વાર શ્યામ તમે ઘુંઘટ ખોલ્યો,
અને એક વાર શ્યામ તમે ચૂમી લીધી ;
મીંરાના ઘૂંઘરમાં રણકી રાધિકા,
ને ગોપીઓ એક વાર ઝૂમી ઊઠી,
ગોપીઓ એક વાર ઝૂમી ઊઠી,
અને એક વાર શ્યામ અમે ઘેલાં થયાં ;
મીરાં ને રાધા ને ગોપીનાં નામ,
શ્યામ તારી વાંસળીમાં ભેળા થયાં .
દ્રૌપદી અને કૃષ્ણનો સંબંધ મૈત્રીનો હતો, કૃષ્ણ હંમેશા દ્રૌપદીને સખીના સંબોધનથી જ બોલાવતા, એટલે જ દ્રૌપદીનું એક નામ કૃષ્ણા પણ છે. દ્રૌપદીએ કબુલ કર્યું હતું કે માધવ પ્રત્યે મારૂં આકર્ષણ હમેશા રહ્યું છે. અમારા સંબંધને ક્યું નામ આપવું તે ક્યારેય સમજાયું નથી ! આ પણ અદભૂત કેમેસ્ટ્રીમાં આવે તેવી ભૂમિકા વાળો પ્રેમ હતો.
ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ.. સખી દે, તાળી..
સાચુ સમજાવ્યું તમે.
બહુજ સરસ અભિવ્યક્તી સરસ ગમ્યુ
પ્રેમ વિશે ગમે તેટલું લખો પણ ઓછું જ પડે .. કારણ શબ્દોથી પર છે પ્રેમનું જગત. જ્યાં શબ્દો અટકે ત્યાં અનુભૂતિનો પ્રદેશ શરૂ થાય છે…તમે જે દિવ્ય પ્રેમની વાત કરી તે ગમી. એને સંબંધોનું કોઈ લેબલ નથી હોતું.
બાકી પાર્થિવ પ્રેમ માટે કશેક વરસો પહેલાં વાંચેલું તે ખૂબ ગમી ગયેલું. ભાવાર્થ કંઈક આવો હતો – “પ્રેમ એટલે એકબીજા તરફ જોવું તે નહીં, પરંતુ બંને સાથે મળી એક દિશા તરફ જોવું તે.”