Love at first sight : આ શબ્દ સાંભળીને કેવું કેવું થાય , નહી ! માણસ ભૂતકાળમાં સરી જાય, એકલો એકલો બેઠો હોય તો જરાક મલક મલક થાય, મીઠાં સંભારણા વાગોળવા લાગે, કોઇ મરક મરક મોઢું થતાં જોઇ જાય તો ટોકે પણ ખરા ( ફીલ્મો અને ટી.વી.માં જોવા મળે તેવુંય કરે, આપણી આંખો સામે બે આંગળીઓ બે ત્રણ વાર ઉંચી-નીચી ફેરવે ) અને કહે ” જનાબ કીધર ખો ગયે હો ? “ આપણે ખોટું બોલીએ ” ભાઇ તું સમજે છે એવું કંઇ નથી ” હોય પણ ખરું, ન પણ હોય, બધાને એકસરખું થોડૂં હોય ? ન હોય તેવા લોકો તુચ્છકારથી હસી કાઢે, ” Love at first sight ? All thses are stupid only” ભાઇ સાબ તમારા અનુભવો કડવા હશે ! પણ દુનિયા તો દિવાની બને જ છે ને ? કવિ શ્રી વિનોદ જોષીએ ઉમળકા અને ઉભરાઓને એવી સુંદર રીતે રજુ કર્યા છે ! એતો વાંચો તો જ માણી શકો !

એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ !
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ.
પછી ઢોલીયે પડી જરાક આડી તો,
અરે ! અરે ! ટહૂકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો,
ફર્ર દઇ ઉડી પતંગીયાની ટોળી.

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ .

હવે દીવો ઠારું ? કે પછી દઇ દઉં કમાડ,
હું તો મુંઝારે રેબ-ઝેબ બેઠી .
આઘી વઇ જાઉં, પછી ઓરી થઇ જાઉં,
પછી પગલું પાડું તો પડું હેઠી .
હું તો પડછાયો પાથરીને કરતીતી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ !
-વિનોદ જોષી