
આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપોતો અમે આવીએ..
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા.
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી.
અમે ઊંબરની કોર લગી આવ્યા.
આપી આપીને તમે આંસું આપો,
સજન ! આંખો આપો તો અમે આવીએ…
બંધન વાળો પ્રેમ કોઇ દસ્તાવેજી કરાર લાગે, એગ્રીમેન્ટ જેવું લાગે, પ્રેમ મુક્ત હોવો જોઇએ, પ્રેમને પાંખો હોવી જોઇએ, ખુલ્લું આકાશ હોવું જોઇએ, ખુલ્લા આકાશમાં વિહરવાની તમન્ના હોવી જોઇએ, વિશ્વાસ હોવો જોઇએ, આંખોમાં શંકા નહીં આવકારનું ઇજન હોવું જોઇએ, પારદર્શીતા વાળી તરલ આંખો હોવી જોઇએ, મધુરતા હોવી જોઇએ, मधुराष्ट्क સાંભળ્યુ હશે કે વાંચ્યું હશે ! માણવા જેવું છે. નયનમ મધુરમ, અધરમ મધુરમ, હસીતમ મધુરમ, મધુરાધિ પતે અખિલમ મધુરમ… મધુરતા જ મધુરતા આખી અખિલાઇમાં મધુરતા જ્યાં નજર કરો તે બધુ જ મધુર, પ્રેમ મધુર જ હોય, મધુરો નહોય તો એ અધુરો છે. મુક્ત ખુલ્લા આકાશ જેવો. એક કવિની રચના ક્યાંક વાંચેલી, શબ્દસ: યાદ નથી, પણ તેનો ભાવ યાદ છે.
તું છાપરુ બની ને સજન રહ્યો,
આકાશ બની, જો રહ્યો હોત,
તો વર્ષત હું વાદળીની જેમ…..
આ પંક્તિઓના ભાવ ઘણું બધું કહી જાય છે, પ્રેમમાં આકાશ જેવી મુક્તિ હોવી જોઇએ. પછી કોઇ પ્રશ્નો નથી હોતા. ફ્ક્ત સંમતિ, આવકાર, આંખોમાં ઇજન, આનંદ આનંદ.
પ્રશ્ન કોઇ પણ નથી, તને પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઇ, તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે, તૂટવું કેવી રીતે ?
દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?
શિલ્પ ચ્હેરાની પીડાનું, આંખ સામે જોઇને,
છે વિમાસણ એક આંસુ લૂછવું કેવી રીતે ?
કેટલા જન્મો થયા છે, કેદ આ કોઠે પડી,
પૂછતું કોઇ નથી કે છૂટવું કેવી રીતે ?
આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !
nice blog,dinkarbhai.