જય હો… જય હો ભાઇ ચારે તરફ જય હો.. કયારે, કોની, શા માટે ? ચાલે રાખે છે !
ચુંટણી આવી રહી છે ! કિમ આશ્ચર્યમ ? સૌથી આશ્ચર્ય પમાડે તેવું શું છે ? મારા મિત્ર થાનકીએ છેલ્લા બ્લોગમાં મોટું આશ્ચર્ય જણાવ્યું કે સિક્કીમમાં, સિક્કીમ ડેમોક્રેટીક ફ્રંટને (SDF) હરાવવા કોંગ્રેસ, ભાજપ અને સીપીએમે મોરચો રચ્યો છે નામ આપ્યું છે, યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રંટ (UDF), છે ને આશ્ચર્ય ? જય હો…

ખરં કહું તો આથીયે મોટું આશ્ચર્યતો હું અને તમે છીએ ! મહાભારતમાં યક્ષે યુધિષ્ટિરને પ્રશ્ન પૂછ્યો હતો : કિમ આશ્ચર્યમ, અને ધર્મરાજા યુધિષ્ટિરે જવાબ આપ્યો હતો ” મનુષ્ય પોતાના સ્નેહીજનને સ્મશાને અંતિમ સંસ્કાર આપીને ઘરે આવે છે અને સંસારમાં એવો પરોવાઇ જાય છે કે જાણે મૃત્યુ તેને માટે છે જ નહીં !” સંસારનું આ સૌથી મોટુ આશ્ચર્ય છે.
યુધિષ્ટિરે જો ચુંટણી વખતની ભારતીયોની મનો દશા જોઇ હોત તો બીજા મોટા આશ્ચર્ય માટે યક્ષને જણાવત કે, આ પણ સૌથી મોટું આશ્ચર્ય છે કે ભારતવર્ષમાં ચુંટણીમાં ક્યા પક્ષને મત આપવો તેને માટે એકે એક મતદાર વિમાસણમાં પડેલો હોય છે, કારણકે કોઇ પક્ષ બીજા પક્ષથી શા માટે અલગ છે ? અને એવા ક્યા કરીશ્માઓ તેમની પાસે છે ? જે વડે તે દેશને બીજા પક્ષ કરતાં વધારે ઝડપથી પ્રગતીના પંથે લઇ જશે ? કોઇ મતદારને સમજમાં નથી આવતું. દર ચુંટણીના સમયે આ વિમાસણ તો ઊભી ને ઊભી જ. બોલો છે ને આ સમસ્યા પણ યુધિષ્ટિરના પહેલા જવાબ જેવી જ !, મતદાર પાંચ વર્ષ સુધી સરકારના નામના રોદણા રોયે રાખે અને ચુંટણી વખતે શું કરવું તે ભૂલી જાય. જય હો……
આમ તો કોઇ નેતા પણ ક્યાં પોતાના પક્ષની નિતી કે આચાર સંહિતા વિષે સ્પષ્ટ હોય છે ? ભજ ગોવિંદમ.. ભજ ગોવિંદમ.. , ભજ ગોવિંદમ મૂઢ મતે.. આ લોકોએ

આપણને બીલકૂલ મૂઢ બનાવી દીધા છે. પસંદગીના કોઇ વિકલ્પો વિચારી પણ ન શકીએ તેવી કફોડી હાલતમાં મૂકી દીધા છે. ઓપરેશન માટે ડોક્ટર જે રીતે લોકલ અનેસ્થેસીયા આપીને શરીરના ભાગને બહેરો કરી નાખે છે અને ખાત્રી કરી લે છે કે શરીરનો તે ભાગ સાવ સેન્સ વગરનો થઇ ગયો છે ને ? તેમ આ પક્ષોના નેતાઓને પુરી ખાત્રી છે કે ભારતની પ્રજા મૂઢ થઇ ગઈ છે. જય હો……
ટી. વી. માં એક જાહેરાત ઘણી વખત જોવા મળી છે, છે તો કદાચ કોઇ ચાની કંપનીની જ, પણ ઘણી જ ઇન્ટેલિજન્ટ અને દાદ માગી લે તેવી છે. એક યુવાન ખડ્ડુસ જેવા દેખાતા નેતાને પૂછે છે ” આપકા ક્વોલીફીકેશન ?” નેતાજી ખડ્ડુસપણું દેખાડતા હોય તેવો જવાબ આપે છે. ” કૌનસા…., કૌનસા…ભાઇ કૌનસા ક્વોલીફીકેશન ? આપ ક્યા હમારા ઇન્ટરવ્યુ લે રહે હૈ ? ” યુવાન જવાબને ગણકાર્યા વગર આગળ પ્રશ્ન કરે છે “કામકા એક્ષ્પીરીયંસ ? ” નેતાજી ફરી પાછો ઉડાઉ જવાબ આપે છે ” કૌનસા કામ ભાઇ, કૌનસા કામ ?” યુવાન એકદમ ઝટકો આપે છે ” દેશ કો ચલાનેકા કામ ” નેતાજી જરા ભોંઠા પડી જાય છે અને કહે છે ” અચ્છા…. અચ્છા ” યુવાન ભોઠા પડી ગયેલા નેતાજીને ચાનો કપ ધરે છે ” ચાય લિજીએ !” આ જાહેરાત મને ખૂબ જ.. એટલે ખૂબજ ગમી ગઇ. મનો મન એમ થયા કરે છે કે ભારતનો નાગરીક જો પેલા યુવાન જેટલો જ ખમીર વંતો અને સજાગ હોય તો આજે દેશના નેતાઓ અને પક્ષોની સકલ જ કંઇક ઓર હોત.
નેતાઓ અને પક્ષોને પૂછવા માટે આપણા મનમાં કંઇક આ પ્રકારના યક્ષ પ્રશ્નો હોવા જોઇએ ( I am sharring only, not advising please)
૧) તમારા પક્ષની અર્થનિતી કેવી હશે ? ૨) ઉદ્યોગીકરણ અને ઉદ્યોગના વિકાસ માટે ક્યા પગલા લેશો ? ૩) વિદેશનિતી કેવા પ્રકારની હશે ? ૪) જાતીવાદ અને પ્રાંત વાદ નાબુદ કરવા કઇ રણનિતી અપનાવશો ? ૫) શિક્ષણના વિકાસ માટે ક્યા કાર્યક્રમો ઘડશો ? ૬) કાયદો અને વ્યવસ્થાના માળખામાં ક્યા ક્યા સુધારા કરશો ? ૭) ભ્રષ્ટાચાર નાબુદ કરવા ક્યું નિતીશાસ્ત્ર ઘડશો ? ૮) આર્થિક અસમાનતા ઓછી થાય તેવા ક્યા પગલા લેશો ? ૯) રાષ્ટ્રને નુક્શાન કરતી ચળવળો વાળા કે દેશની એકતા તોડવા વાળા અને કાયમ નફરતનું રાજકારણ ખેલવા વાળા નેતાઓ સામે કામ ચલાવી શકાય તેવા ક્યા કાયદાઓ અમલમાં લાવશો ? ૧૦) દેશની આંતરીક અને બાહ્ય સંરક્ષણ વ્યવસ્થા માટે કઇ નિતી ઘડશો ? ૧૧) પોલિસ વ્યવસ્થા પ્રજાની મિત્ર લાગે તેવા નૈતિક સુધારા માટે શું કરશો ? ૧૨) દેશમાં જાતે બની બેઠેલા ગુંડા અને ટપોરી નેતાઓની પકડ માંથી આમ જનતાનો છુટકારો થાય તેવી કઇ નિતી અખત્યાર કરશો ?
લિસ્ટતો ઘણું લાંબુ થાય તેમ છે પણ મને લાગે છે કે આટલા યક્ષ પ્રશ્નો પહેલા તો મારા અને તમારા મનમાં ઉઠવા જોઇએ, અને મતાધિકારને સફળ બનાવવો હોય તો ટી.વી.ની જાહેરાત વાળા યુવાનની જેમ મત માગવા આવનાર નેતાને પૂછવાની હિંમત કરવી જોઇએ. જય હો……!
બાકી આપણા ૠષીમુનીઓએ તો ભારતવર્ષની કલ્પના એવી શ્રેષ્ટ કરી છે ! તે આ શ્લોક ઉપરથી ખબર પડે છે.
न राज्यं, न च राजादि, न दंण्डो न च दाण्डीक: ।
धर्मेणेव प्रजा सर्वा, रक्षन्ति स्म परस्परम् ॥
રાજ્ય નથી, રાજા નથી, કોઇ ગુન્હેગાર નથી, કોઇ સજા કરનાર નથી, પ્રજા સ્વયં ધર્મથી એકબીજાનું રક્ષણ કરે છે !
જય હો…., જય હો….
સરસ લેખ આશા રાખીયે કે યુવાધન પારદર્શી નીવડે
સરસ લેખ સજાગતા અને પારદર્શક્તા ની આજે સખત જરુર છે બાકી આજે એક પણ રાજનેતા વિશ્વસ્નીયતા ધરાવતો નથી એ કડવી વાસ્તવીકતા છે