हिमालयो नाम नगाधि राज : આ શ્લોક કવિ શ્રી કાલિદાસ રચિત कुमार संभवम् નામના મહા-કાવ્યનો પહેલો શ્લોક છે. પાર્વતીને વિદાય આપતી વખતે હિમાલય જેવો હિમાલય પણ પિતા તરીકે પીગળી ગયો હતો. કવિ શ્રી કાલિદાસે આ પ્રસંગનું વર્ણન ઘણુજ ભાવુક કરી દે તેવું લખ્યું છે. દિકરી વ્હાલનો દરિયો હોય પણ પિતાને હિમાલય જેમ અવિચલ રહેવાનું હોય છે. દિકરીને વ્હાલથી ઉછેરે મોટી કરે અને સાસરે વળાવે ત્યારે પિતાએ દિકરીને ખુશી ખુશી વળાવવાની હોય , પછી આડું જોઇને પોતાના રોકેલા આંસુ લુછી નાખવાના હોય.
આ વાત એવા પિતાની છે જેણે દિકરીને સદાને માટે વળાવી અને તેની યાદોને વાગોળતા વાગોળતા મૃત્યુના સત્યને સ્વિકારતો લેખ લખ્યો. ૨૦૦૭, ૩૧ માર્ચની રાત્રે ફૂડ પોઇઝનથી દિકરીનું મૃત્યુ થયું, પહેલી એપ્રિલની સવાર, જિંદગી જાણે એપ્રિલફૂલ બનાવતી હોય તેવા દુ:ખદ સમાચાર લઇને આવી. આ પિતા હિમાલય જેવું ધૈર્ય રાખીને મૃત્યુના સત્યને સ્વીકારી લે છે, ૨૦૦૭, ૧૬ મી એપ્રિલે, બરાબર ૧૬ મે દિવસે ચિત્રલેખામાં લેખ લખે છે.

આ વાત બીજા કોઇની નહી. પણ અભિયાન અને ચિત્રલેખાથી આપણા જાણીતા થયેલા લેખક અને કોલમિસ્ટ શ્રી કાંતિ ભટ્ટની છે. મે તેમને ક્યારેય જોયા નથી પણ તેમને અવારનવાર વાંચ્યા છે. જ્યારે પણ વાંચ્યા છે ત્યારે મને એમ લાગ્યા કર્યુ છે કે હું તેમને ઓળખું છું. ( હું ભટ્ટ છું એટલે નહીં ). મારી પાસે પડેલા જુના કટીંગ્સને ફેરવતા અચાનક જ ૧૬ મી એપ્રિલ ૨૦૦૭ ના ચિત્રલેખાનું એક કટીંગ હાથમાં આવીગયું અને મગજમાં એક ચમકારો થયો. આજથી બરાબર બે વર્ષ પહેલાની આ ઘટના. શ્રી કાન્તિ ભટ્ટની પુત્રી શક્તિ ભટ્ટનું સત્યાવીસમે વર્ષે જ અકાળે અવસાન થયું, આ પિતાએ કેવો કારમો ઘાવ ઝીલ્યો હશે ? પણ હિમાલય સમા ધૈર્ય વાળા આ પિતાએ પોતાની કલમને જરાય શિથીલ પડવા ન દીધી ! પિતા લખે છે.
” મારી પુત્રી શક્તિનું ૨૭ વર્ષની યુવાન વયે મૃત્યુ થયું ત્યારે મેં એશિયાટિક લાઇબ્રેરીમાંથી લિઝાબેથ કુબલર-રોસ નામની એમડી થયેલી ડોક્ટર લેખિકાનું પુસ્તક મગાવ્યું, ડેથ-ધ ફાઇનલ સ્ટેજ ઓફ ગ્રોથ. આ લેખિકાએ માત્ર મૃત્યુ પર જ છ પુસ્તક લખ્યા છે. આ પુસ્તના પ્રથમ પાને જ સંત ફ્રાન્સિસની કવિતા છે, જેનો અર્થ થાય છે.
એ માણસ જ બરાબર જીવી ગયો, જે પોતાના માટેજ નહીં, પણ જ્યાં પીડા હોય, જ્યાં ગમગીની હોય, નિરાશા હોય ત્યાં આનંદ ફેલાવે, બીમારીને નિવારે અને આશા જગાવે, અને ખાસ તો દરેક માણસે શીખવું જોઇએ કે મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુને સ્વીકારી લેતાં શીખી લેવું જોઇએ, મૃત્યુ પછી શાંતિનો અનુભવ કરવો , કકળાટ નહીં. મૃત્યુ ડરવા જેવી કે શોક કરવા જેવી નહીં પણ સ્વીકારી લેવા જેવી ચીજ છે. લ્યાલ વોટસન નામના પર્યાવરણશાસ્ત્રીએ લખેલ અદ્ભૂત પુસ્તક ’સુપર નેચર’ ને કોટ કરતા શ્રી કાન્તિ ભટ્ટ લખે છે, મૃત્યુ એ કોઇ અકસ્માત કે ચાન્સની વાત નથી, માણસ જન્મે ત્યારે જ મૃત્યુ એના શરીરમાં પ્રોગ્રામ્ડ હોય છે, એક શિડ્યુઅલ પ્રમાણે શરીરના અંદરના ભાગ અને કોષો ક્રમશ: મરતા જાય છે. એક અદ્રશ્ય ફોર્સ તેને મૃત્યુ તરફ આકર્ષતો હોય છે. શ્રી કાન્તિ ભટ્ટે મૃત્યુ વિષે ઘણા બધા રેફરન્સ ટાંક્યા છે.
શક્તિ ભટ્ટને પત્રકારત્વ અને સાહિત્યની રુચી પિતાના વારસામાં જ મળી હતી. પિતા, પુત્રી સાથે ગાળેલી પળો પણ યાદ કરે છે. શક્તિ અંગ્રેજીમાં જ લખતી એટલે ગુજરાતી વાચકોને તેનો ઝાઝો પરિચય ન હોય. પિતા અંગત વાતો વાગોળતા લેખમાં લખે છે. “ અમે ભેગા મળીએ ત્યારે બીજી કોઇ વાતની પંચાત કરતા નહીં. હું અને શીલા (શીલા ભટ્ટ) આઠ વર્ષથી કેમ અલગ રહીએ છીએ એ કદી શક્તિએ ચર્ચ્યું નહોતું. અમે પુસ્તક અને અંગ્રેજી સાહિત્યની જ ચર્ચા કરતા. એણે કોઇ કરિયાવર માગ્યો નહોતો કે મેં આપ્યો નહોતો.મરણના એકવીસ દિવસ પહેલા એણે ઘણા સંકોચ સાથે બે પુસ્તક માગ્યા ત્યારે મેં મહાન ભેટ આપી હોય તેમ તે પુસ્તક ઘણા કામ લાગ્યા તેની વાતો કરતી, ઘણી વખતે તેને માગેલા પુસ્તકો મેં આપ્યા નથી પણ તેને ક્યારેય ઓછું નથી આણ્યું. શકતિ મારી અને શીલા વચ્ચે સેતુ જેવી હતી. આ પિતાએ લેખમાં ઘણું બધું લખ્યું છે પણ મૃત્યુના સત્યનો સ્વિકાર કરવા માટે હિમાલય જેવું ધૈર્ય જોઇએ. ધન્ય .. ધન્ય..
મૄત્યુ વિષે આચાર્ય રજનીશની બે ત્રણ ઓડિઓ કેસેટ સાંભળી છે, રજનીશજી મૃત્યુનો શોક નહીં પણ આનંદ અને ઉત્સવ મનાવવો જોઇએ તેમ કહેતા, મૃત્યુ એ જિંદગી સાથે જોડાયેલું જ છે, જેમ બાળકના જન્મનો આનંદ મનાવવામાં આવે છે તેમ મૃત્યુનો આનંદ મનાવવો જોઇએ. પોતાના આશ્રમમાં જ્યારે કોઇ શિષ્યનું મૃત્યું થતું ત્યારે ઉત્સવ જેવું વાતાવરણ થતું. એટલું જ નહી જ્યારે ખુદ રજનીશજીને હ્ર્દય રોગનો હુમલો થયો ત્યારે તેમની સાથે આશ્રમમાં રહેતા શિષ્યોમાં હાર્ટ-શ્પેસિયાલીસ્ટ પણ હતા. જ્યારે તે ડોક્ટર શિષ્યો તાત્કાલીક સારવાર માટે નજીક આવ્યા ત્યારે શ્રી રજનીશે કહ્યું ” Let me die peacefully ” મને જો મૃત્યુનો ડર હોય તો મારુ કહેલું અને મારુ જીવન આખું વ્યર્થ કહેવાય, મારા મૃત્યુને દૂર ધકેલવાનો કોઇ પ્રયાસ ન કરતા “Let me die peacefully “ આ હતા રજનીશ ! શાન્તીપૂર્વક તેમણે જીવનને મૃત્યુને હવાલે કરી દીધું. આ વાત તેમની સમક્ષ હાજર રહેલા ડોક્ટર શિષ્યોએ જ પત્રકારોને કરી હતી.
મૃત્યુ કોઇને છોડતું નથી, રાજા હોય કે રંક, નેતા હોય કે અભિનેતા, હિન્દુ હોય કે મુસલમાન, પશુ હોય કે પક્ષી, કે પછી વૃક્ષ…..

( બલોગ- ૫૨ )
મૃત્યુના સત્યનો સ્વિકાર કરવા માટે હિમાલય જેવું ધૈર્ય જોઇએ.
saras vaat kahi