
દરિયાની વાત લખાય, ડુંગરો અને ગીરી શીખરોની વાત લખાય, ગમતા અને અણગમતા માણસો વિષે લખી શકાય તો પછી એક નાના મજાના પંખીડાની વાત કેમ ન લખાય ? ખબર નહીં ક્યાંથી વાત નીકળી ! પણ પંખીડાની વાત નીકળી અને મને અમારા ઘરમાં એક વાર ફેમિલી મેમ્બર બની ચુકેલા લવ-બર્ડની જોડી યાદ આવી ગઇ.
બહુ મજાની અને નાજુકડી કાયા વાળી સુંદર જોડી હતી. લાલ પીળા અને આસમાની રંગ ભરેલી આ જોડી જાણે કુદરતે ફુરસદ લઇને બનાવી હોય તેવું લાગતું હતું. આ એક જ નહીં લવ-બર્ડની બધીજ જોડીઓ, જ્યારે હું લેવા ગયો હતો ત્યારે એક થી એક ચડે તેવા અલગ અલગ રંગો વાળી, મનને બધી જ ગમી જાય તેવી હતી. કઇ લેવી અને કઇ ન લેવી, હું એવી વિમાસણમાં મૂકાઇ ગયો હતો. દુકાનદાર છોકરો એક પછી એક મોટા પીંજરામાંથી બહાર કાઢી હાથમાં પકડી પકડીને મને બતાવતો હતો ” સાહબ યે લેલો, યે બહુત સુંદર હૈ, લાલ રંગ પીલી પંખ, યે લેલો બ્લુ ઔર હરા કા કોમ્બીનેશન “. જે રીતે આ નાજુક પંખીઓને પકડીને તે મને બતાવતો હતો તે જોઇને મને તેના ઉપર ધૃણા થઇ આવતી હતી. બિચારા કેટલા ભોળા અને નાજુક પંખીડા લાગતા હતા, અને આ છોકરો એકદમ દયાહીન થઇને તેને પકડતો હતો અને મારાથી સહન થતું ન હતું. મેં કહ્યું ” યે એક દે દો “, છોકરો કહે “સાહબ યે એક અકેલા નહીં રહેગા, યે જોડીમેં હી રહેતા હૈ, લો યે જોડી લેકે જાઓ “ એમ કહીને તેને તેવા જ રંગનું બીજું પક્ષી કાઢી આપ્યું. “લો સાબ યે છોટાસા પીંજડા ફ્રિ મેં આતા હૈ, યે બડા પીંજડા લેના હૈ તો ઉપર કા ૫૦ રૂપિયા દેદો, ઇસમે ઝુલા, એક પાની કી વાટી રખને કા સ્ટેન્ડ ઔર પંછી કો બૈઠને કે લિયે એક આડા સલીયા આયેગા, ઔર સાબ યે ઉસકા ખાનેકા બીજ ”. તેણે તલના ફોતરા જેવા બીજનું એક પડીકુ બાંધી આપ્યું. મે કહ્યું ” યે ખતમ હો ગયા તો મુઝે કહાં મિલેગા ?, મૈ પનવેલ રહેતા હું, ક્રાફર્ડ મારકેટ વી. ટી તક આના પડેગા ક્યા ?” તે બોલ્યો “સાબ ચિંતા મત કરો, યે વહાં ભી મિલ જાયેગા, ઔર યે જો આપકો દે રહા હું, વો એક મહિના ચલેગા “.
આ છોકરો આટલી બધી માહિતી આપતો હતો ત્યારે પક્ષીઓ વિષે મારા અજ્ઞાનનું મને ભાન થયું, કોઇ બાપ છોકરીને વળાવતો હોય અને કેમ જાણે દાયજામાં તેના ખપની વસ્તુઓ યાદ કરી કરીને આપે તેમ તેણે આ નાજુકડી પંખીની જોડી માટે ઝુલા વાળુ પિંજરુ, પીવાના પાણીની વ્યવસ્થા, ચણવાનો સામાન વિગેરે વિગેરે. મને આ છોકરા ઉપર જે ચીડ ચડી હતી તે ઉતરી ગઇ.
ઘણી મોટી જવાબદારી લઇને જાણે હું ઘરે જતો હોઉં એવું લાગતું હતું. થોડુક અજુક્તુ પણ લાગતું હતું. આ છોકરાએ તો મને આ પક્ષીની જોડી પકડાવી દીધી પણ હવે મારી જવાબદારી શરુ થઇ હતી. મને આવો પશુ પક્ષી પાળવાનો અનુભવ હતો જ નહીં અને આ વાતને હું ટાળતો, મને પ્રાણિઓની આઝાદી વધારે પસંદ છે . અને આવી જોડી ખરીદીને ઘરે લઇ જવાનો કોઇ પ્લાન પણ ન હતો. આ તો મારો એક મિત્ર છે પ્રવિણ અરોરા, આ ભાઇને આવો બધો શોખ, ક્યારેક સસલું લઇ આવે, પછી ખબર પડે કે બીકનું માર્યું એક વાર ત્રીજે માળની ગેલેરીમાંથી કુદી પડ્યું અને મરી ગયું, ક્યારેક પોપટ લઇ આવે, પછી ખબર પડે કે ભાઇએ સારી પેઠે પાણીથી નવડાવ્યો હતો, બે દિવસમાં રામશરણ થઇ ગયો.મને અફસોસ થતો આ બધી વાતો સાંભળીને. એક વાર તેને મને કહ્યું “ચાલો મારી સાથે વી.ટી. ક્રાફર્ડ માર્કેટ, જ્યાં આવા પાલતુ પશુ પક્ષીઓનુ બજાર છે, મારે એક સફેદ પોપટ લેવો છે, મારી બેબીને બહુ શોખ છે ” અને હું તેની સાથે ગયો હતો. આ લવ-બર્ડની જોડીએ મારું મન લોભાવી દીધું, પહેલી વખત હું કોઇ પાલતુ પક્ષી લઇને ઘરે જતો હતો. ઘણું અજીબ જેવું લાગી રહ્યું હતું.
ઘરમાં બધા માટે સરપ્રાઇઝ હતું. બધા શું કહેશે તેનું મને પણ કૌતુહલ હતું. મારી પત્નીનો પ્રતિભાવ ” આ શું લાવ્યા ? પાંજરુ રોજ ધોવું, પીવાનું પાણી બદલવું, આ બધી પળોજણ કોણ કરશે ?” પછી ધ્યાનથી તેણે સુંદર રંગીન લવ-બર્ડની જોડી જોઇ, અને તેનો પ્રતિભાવ બદલાઇ ગયો ” સરસ છે નહીં ? કેટલા નાજુક અને ભોળા લાગે છે ! રવિ જોશે એટલે ખુશ થઇ જશે ” અમે રોડ તરફની રુમની ગેલેરીમાં તેનું પાજરુ લટકાવ્યું, ” રવિને સરપ્રાઇઝ આપશું, અમે એવું નક્કી કર્યું (રવિ મારા દીકરાનું નામ છે ). રવિ બહારથી આવ્યો એટલે અમે જાણી જોઇને તે ગેલેરીમાં ન જાય તેવી તરકીબ કરતા રહ્યા, પણ દશેક મિનીટમાં તો તે ગેલેરી સુધી પહોંચી ગયો ” વાવ….પપ્પા શું લાવ્યા ? ખબર નહીં આખુ ઘર કોઇ અજીબ આનંદમાં આવી ગયુ હતું.
પછી તો આ લવ-બર્ડ અમારા દિવસો સાથે એવું તો વણાઇ ગયું હતું કે અમારી રોજની દિનચર્યા તેને ધ્યાનમાં રાખીને જ થતી. હું સાંજે સર્વિસ પરથી આવું એટલે ઓફીસ બેગ મુકીને સીધો ગેલેરીમાં જ જતો. એક વાર મારી પત્નીને બુમ મારી ” હર્ષા.. જો તો ખરી એક પંખીડુ કેવું જોર જોર થી પોતાની મેળે મેળે હિંચકા ખાઇ રહ્યું છે !” હર્ષાએ કહ્યું ” હું તો હાલતાને ચાલતા તેને કંઇ ને કંઇ નવા નવા ખેલ કરતું જોવું છું, એક બિચારુ ઠંડુ છે પણ આ તો બહુ જબરુ છે. હું પિંજરુ સાફ કરું ત્યારે છેક ઉપર ચડી જાય છે, બીજું બિચારુ છાનુંમાનુ ખુણામાં બેસી રહે છે ”. મેં કહ્યું “આપણને હજી આ પંખીડાઓ વિષે કંઇ સમજણ નથી પડતી, ખરૂને ? ક્યું નર છે ? ક્યું માદા છે ? એક કેમ જબરૂ છે ? બીજું કેમ ઢીલું છે ? તેમની ઉંમર શું છે ? “
મારા દિકરાએ મારી બેબીને ગોરેગાંવ ફોન કર્યો ત્યારે પહેલી વાત એજ કરી ” કેટી, પપ્પા મસ્ત મજાના બે લવ-બર્ડ લાવ્યા છે ! બહું મજા કરતા હોય છે. સળીયા ઉપર લટકીને જાત જાતના ખેલ કરતા હોય છે. એક દમ ટાઇમ પાસ છે ” ફોન પર પણ પંખીડાની જ વાતો.
રવિએ કહ્યું “પપ્પા, રાત્રે પિંજરાને કપડાથી કવર કરી દેવાનું જેથી તેમને ઠંડી ન લાગે ” બીજે દિવસથી આ ક્રમ પણ શરૂ થઇ ગયો. આ પંખીડાનું જેટલુંન બને એટલું બધા ધ્યાન રાખવા માંડ્યા. એક દિવસ સવારે એકા એક રવિએ બુમ પાડી ” પપ્પા પેલું ઢીલુ ઢીલું લાગતું હતું એ પંખી મરી ગયું …! !” ઘરના બધા ભેગા થઇગયા, વિચારમાં પડી ગયા, આમ કેમ થયું ? બધા ઉદાસ થઇ ગયા, હવે શું કરવું ? કંઇ સમજણ પડતી ન હતી. રવિએ કહ્યું પપ્પા સામેના ગાર્ડનમાં ખાડો કરીને તેને દફન કરી દઇએ. હું અને મારી પત્નિ ગેલીરીમાં ઉભા ઉભા ઉદાસ મને આ પંખીડાની અંતિમ વિધી જોતા રહ્યા.
હવે આ એકલું પડેલું પંખી ઉદાસ થઇ ગયું હતું, તેની બધી જ મસ્તી બંધ થઇ હતી. અમારાથી આ જોયું જતું ન હતું. જ્યારે જોઇએ ત્યારે ગાર્ડન તરફ ઉદાસ થઇને જોયા કરતું. હર્ષાએ કહ્યું “આને પાછું આપી આવો, કેટલા દિવસ આને ઉદાસ જોયા કરશું ? ” અને અમે નિર્ણય કરી લીધો. હું આ નાજુકડા પંખીને પાછૂં, જ્યાંથી લાવ્યો હતો ત્યાં મુકવા ગયો. પેલા છોકરાને કહ્યું ” આને પાછું લઇલે, આ એકલૂં પડી ગયું છે, એક હતું તે મરી ગયું “. એ છોકરાએ તેને મોટા પિંજરામાં જ્યાં ઘણા બધા લવ-બર્ડ આમથી તેમ ઉડા ઉડ કરી રહ્યાં હતા તેમાં મુકી દીધું. તે એકદમ આનંદમાં આવી ગયું , તેને તેની દુનિયા પાછી મળી ગઇ હતી, તે પણ બીજા પક્ષીઓ જોડે ઉડા ઉડ કરવા લાગ્યું. હું તેને લઇ ગયો હતો કે પાછું મુકી ગયો હતો, તે બધું જ ભૂલી ગયું હતું. હું તેને ક્યાંય સુધી જોઇ રહ્યો . આ વાત મે ઘરે આવીને મારી પત્નિ હર્ષાને કરી ત્યારે તેની આંખ ભીની થઇ ગઇ હતી, તેની આંખમાં હર્ષના અને વિયોગના મિશ્ર આંસું હતા. મારા માટે એક બગડેલા કામને સુધારી શક્યો તેનો સંતોષ હતો.
[ બ્લોગ-૫૩ ]
સાચી વાત છે. મુક્ત પંખીને જોવામાં જે આનંદ આવે છે એ પીંજરવાસી પંખીને જોવામાં નથી. વર્ષો પહેલાં એક કવિતા સાંભળેલી…”ઓ વનવાસી પોપટ તુજને પીંજર કેમ ગમે?”
એને તો પીંજર ન ગમતું હોય પણ …
v good your obsevervation
very touchy! my eyes got wet too. couldnt help it.
It reminds me of Tom & Jerry. They are always after eachother, never missing a chance to tease or harass, but in absense of any one they’ll feel equally alone.
અદભુત… વાત જાત અનુભવની છે, પણ એક સુંદર વાર્તા જેવો ઘાટ મળી ગયો છે. ખૂબ હૃદયસ્પર્શી. અમે પણ એક વાર ઘરમાં બે ગોલ્ડ ફિશ લાવ્યા હતા. તેની વાત ફરી ક્યારેક.
સરસ આલેખન ગમ્યું
સુંદર અને લાગણીસભર વાત. પક્ષીઓ ને તો આકાશ માં ઉડતા જોવા ની મજા આવે છે.