જોગી સાહેબની વાત કરવી છે. શ્રી યશવંત ભાઇ ઠક્કરે ઘણી વખત તેમના પ્રતિભાવમાં જોગી સાહેબની મારી વાતો સાથે પોતાની યાદો તાજી કરી છે. મને થયું કે આ ઓલીઆ અને ફકીર સરીખા આદમીને પુરા ભાવ સાથે યાદ કરી લેવાનો આ સમય ચુકવો ન જોઇએ.
થાનકી સાથે મિત્રતા ન થઇ હોત તો કદાચ જોગી સાહેબને ઓળખતો ન હોત. શ્રી યશવંત ભાઇએ કહ્યું તેમ, તે વખતે નવા નવા લેખકો “ચાંદની અને રંગતરંગ” માં મથામણ કરતા, તેમાનો એક હું પણ હતો. જ્યારે જ્યારે થાનકીને મળવા “જનસત્તા” કાર્યાલય જતો ત્યારે જોગી સાહેબને અચુક મળતો. બહુ સાદગી વાળા અને નિરાભિમાની ,હસતો ચહેરો, માથા ઉપર કાયમ મફલર લપેટેલુ હોય, એમ લાગતું કે તબિયત હંમેશા નાજુક રહેતી હશે. પણ શબ્દોના ધની, જ્ઞાની, સાહિત્ય કે કાવ્ય શાસ્ત્ર કહો ગઝલ કહો, તેમનું મંતવ્ય સ્પષ્ટ ( Clear Funda) કોઇ અસમંજસ નહીં. મને તેમનામાં વૃધ્ધ અને પીઢ ગાલીબનો ચહેરો દેખાતો અને ગાલીબની પેલી પંક્તિ યાદ આવી જતી.
बाजीचा-ए-अतफाल है दुनिया मेरे आगे ।
होता है शबो-रोज तमाशा मेरे आगे ।
દુનિયા મારી સામે શતરંજના સોગઠાના ખેલ જેવી છે, મારી સામે રોજ આ તમાશો થતો હું જોઉં છું. ગાલીબ જેવી પીઢતા તેમના ચહેરા ઉપર દેખાતી. વાર્તા વાંચીને ઘણી વખત પાછી આપેલી, હસતા હસતા કહેતા ” પ્લોટ સરસ છે, થોડી માવજત લઇને મઠારો “. ગુજરાતી સાહિત્યના રસિકો બધા લેખકોને નામથી જાણતા હશે પણ આ માણસ એવો હતો કે બધા લેખકો અને દિગ્ગજ કવિઓ જોગી સાહેબને વ્યક્તિગત ઓળખતા, તેમની સામે આવીને બેસતા. મને યાદ છે એક વાર મારા મિત્ર થાનકીએ કહેલું કે આજના ગુજરાતના મુખ્ય મંત્રિ શ્રી નરેન્દ્ર મોદી પણ વાર્તાઓ અને કવિતાઓ લખતા અને જોગી સાહેબને આવીને મળતા.
સ્વ. શ્રી આદિલ મન્સૂરીને મળવાનું થયેલું, જોગી સાહેબ વિષે તેમણે એક જ શબ્દમાં કહેલું ” જોગી તો ઓલીઓ છે ઓલીઓ “. જોગી સાહેબ ઉર્દૂ પણ જાણતા હતા અને લખી પણ શકતા હતા. એક વાર મે તેમને ડાબા હાથે લખતા જોયા અને આશ્ચર્ય થયું, મે તેમને હંમેશા જમણા હાથે લખતા જોયેલા, મેં કહ્યું “જોગી સાહેબ, ડાબા હાથે પણ લખી શકો છો ? ” તેમણે કહ્યું ” આપણી જિંદગીનો આધાર લખવા ઉપર જ હોય તો આ કામ બન્ને હાથે કરી શકવા જોઇએ !” આ વાતનું આશ્ચર્ય આજે પણ થાય છે.
અમારે ઘણી વખત આચાર્ય રજનીશ અને શ્રી જે. કૃષ્ણમૂર્તીની વાત નીકળતી. જોગી સાહેબ કહેતા ” રજનીશ આ યુગનો ઋષિ છે. એક વાર મને જાણ થઇ કે જે. કૃષ્ણમૂર્તીની ટપાલ ટીકીટ બહાર પડી છે, એટલે પોષ્ટ-ઓફિસથી હું બે ટીકીટ લઇને આવ્યો, એક મેં જોગી સાહેબને આપી ત્યારે તેંમણે કહ્યું ” આ ટીકીટની કિંમત ત્યારે જ થાય જ્યારે તેના ઉપર પોષ્ટનો સ્ટેમ્પ લાગે, માટે તમે મને એક પોષ્ટ-કાર્ડ લખજો અને આ ટીકીટ તેના ઉપર લગાવજો, પછી જ તેની ખરી વેલ્યુ ગણાય. તેમના કહેવા મુજબ મેં તેમને એક પોષ્ટ-કાર્ડ લખ્યું અને તે ટીકીટ તેના ઉપર
લગાવી. જોગી સાહેબે ખુબ જ ખુશ થઇને મને જવાબમાં પત્ર લખ્યો, જે આજે પણ મેં સાચવી રાખ્યો છે. આજે આ બ્લોગ સાથે મુકતા મને ખુબ જ આનંદ થઇ રહ્યો છે.
(બ્લોગ-૫૬ )
હવે ક્યાં છે એ ચાંદની,રંગતરંગ ,શ્રીરંગ્,વર્ષા ,બીજ આ સામયીકો ની ખોટ સાલે છે
દિનકરભાઈ,
સામયિકોના બંધ થવાનું કે રંગઢંગ બદલાવાનું દુ:ખ, અમારી છેલ્લી મુલાકાત વખતે મેં એમના ચહેરા પર જોયું હતું. એ દુ:ખ નવા વાર્તાકારો માટે હતું.
અહાહા!
“આપની વાર્તા સ્વીકૃત થઈ છે.” એવી વધામણી એમના અક્ષરોમાં વાંચવાની મજા હતી કાંઈ!!!
અને હા ! વાર્તાઓ પરત કરીને મહેનત પણ એટલી જ કરાવતા!