અમારો અમરેલીનો કવિ રમેશ …., પૂજ્ય શ્રી મોરારીબાપુને મે ઘણી વખત પોતાની રામકથામાં રમેશ પારેખને યાદ કરીને તેમની ગઝલ કહેતા સાંભળ્યા છે. બાકી હું શું લખી શકું આ દિગ્ગજ કવિની મહાન સિધ્ધીઓ વિષે ?
૧૭-મે- ૨૦૦૬ ,આજ થી બરાબર ત્રણ વર્ષ પહેલા રમેશ પારેખ આપણી વચ્ચેથી વિદાય લઇને ચાલ્યા ગયા. અમદાવાદથી રાજકોટ જતાં બસમાં જ હ્રદય-રોગનો હુમલો થયો અને રમેશ પારેખ એકા એક તસ્વીર બની ગયા. શ્રી સંદીપ ભાટીયાની એક ગઝલ આશીત દેસાઇના સ્વરમાં સાંભળી છે.
માણસ જેવો માણસ ક્ષણમાં ધૂમાડો થઇ જાય, એ કંઇ જેવી તેવી વાત નથી.
ઘરઘર રમતાં પળમાં કોઇ પૂર્વજ થઇ પૂજાય, એ કંઇ જેવી તેવી વાત નથી.
તારીખિયાને કોઇ પાને સૂરજ અટકી જાય એ કંઇ જેવી તેવી વાત નથી.
તે દિવસે સૂરજ ખરેખર તારીખિયાના પાને અટકી ગયો હશે ! આદિલ મન્સૂરી અને રમેશ પારેખ જેવા કવિઓએ તો આપણને ગઝલનો ચસ્કો લગાવ્યો હતો, નહીં તો ગઝલતો જાણે આશીક માસુકની વાતો અને ઉર્દૂ સિવાય હોય જ નહીં, હું તેવા ભ્રમમાં હતો. બહુ જલદી આ લોકો આપણને ગઝલ વગરના કરી ગયા. મને એક વાતનો ગર્વ છે કે આ બન્નેને હું, ભલે થોડિક પળો કે થોડિક ક્ષણો માટે, પણ રુબરુ મળ્યો છું. મારે મનતો આ બન્ને મારા હીરો જ હતાં. મને આવા માણસોને રુબરુ મળવાની રીતસરની ઘેલછા રહેતી.

આ વિઝીટીંગ કાર્ડ રમેશ પારેખે ખુદે મને આપેલું છે. મારો કાયમનો ક્રમ રહેતો, જ્યારે મારી ફેક્ટરીની રજા રહેતી ત્યારે થાનકીને મળવા “જનસત્તા” પ્રેસ પર જવાનું, લાઇબ્રેરીમાં જવાનું અને મેળ પડે તો અમારા માનીતા કે જાણીતા લેખક કે કવિને મળવાનું, આવો અમારો જિંદગીનો મનસૂબો કે આનંદ જે કહો તે રહેતો, પણ અમેતો અમારી જાતને ધન્ય સમજતા .
આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલા રાબેતા મુજબ હું મારા મિત્ર થાનકીને મળવા “જનસત્તા” પ્રેસ પર ગયેલો અને તેના ટેબલ સામે બે બીજી ખુરશીઓ રહેતી “ચાંદની” અને “રંગતરંગ” માં લખવા વાળા જુના, નવા મુલાકાતીઓ અને મારા જેવા મિત્રો માટે એ ખુરશીઓ રહેતી.
” કેમ છે હસમુખ ? ” કહીને હું ખુરશીમાં ગોઠવાયો, બાજુની ખુરશીમાં અવારનવાર કોઇને કોઇ રહેતું, ક્યારેક કોઇ વાર્તા લખીને રુબરું આપવા આવતા તો કોઇ કવિતા આપવા. હું પણ આવું જ કરતો. તે દિવસે પણ એક દુબળા અને એકવડીયા બાંધાના એક ભાઇ બેઠેલા, સફેદ લેંઘો અને ઝભ્ભો પહેરેલો હતો ખભ્ભા ઉપર ખાદિનો બગલ થેલો હતો. હસમુખે કહ્યું ” દિનકર આમને ઓળખે છે ? રમેશ પારેખ ! ” હું તો એક દમ સફાળો, સડક ઉભો થઇ ગયો, અને અહોભાવથી હાથ મિલાવ્યા, “ હું દિનકર ભટ્ટ, થાનકીનો મિત્ર ”. રમેશ પારેખે કહ્યું “બેસો બેસો, ભલામાણસ, ઉભા કેમ થઇ ગયા ? ” ઘડી ભરતો સ્વપ્ન જેવું લાગ્યું, માનવામાં નહોતું આવતું કે હું જેની ગઝલોનો અને નામનો આશીક હતો, તે રમેશ પારેખની સામે ઉભો છું !. શું વાત કરવી એ સમજાતું ન હતું એટલે હું અને થાનકી કેવી રીતે મિત્ર થયા એવી બધી નાની નાની વાતોનો દોર ચલાવ્યે રાખ્યો. તેઓ હસતા રહ્યા અને મારી વાત સાંભળતા રહ્યાં. થોડી વાર પછી તેમણે ઝભ્ભાના ખિસ્સામાંથી બીડીની ગડી કાઢી અને મને કહ્યું ” બીડી લેશો ? ” મેં શરમાતા શરમાતા કહ્યું ” હું નથી પીતો ! ” તેમણે એક બીડી સળગાવી અને લહેજતથી પીવા લાગ્યા, થાનકી સાથે પણ કંઇક વાતો ચાલતી રહી, ત્યારે તેઓ બીડી પીતા હતા, પછીની ખબર નથી. આજે મને એવું લાગ્યા કરે છે કે હું બીડી પીતો હોત તો કેવું સારુ હતું ! રમેશ પારેખના હાથની બીડી એક સંભારણું બની જાત.
ખેર, તોયે મારા ભાગ્ય એટલા સારા કે જતા જતા તેમણે મને વિઝીટીંગ કાર્ડ આપ્યું. તે વખતે તેઓ એકવડીયા બાંધાના હતા, પછી તો ક્યારેય મળવાનો લાભ ન મળ્યો, એક વાર મુંબઇમાં તેમનું સન્માન થયેલું તેના ફોટા દૈનિકમાં જોઇને ધન્યતા અનુભવેલી. ફોટામાં એકદમ ભરાવદાર શરીર હતું, આનંદ થયો, ઘરમાં મે બધાને કહ્યું “હું જ્યારે મળ્યો હતો ત્યારે શરીર એકવડીયુ હતું. મારી પત્નીએ કહ્યું ” ત્રીસ વર્ષે એટલો ફર્ક તો પડે જ ને ! ” વિઝીટીંગ કાર્ડ પોતે સાક્ષી છે કે રમેશ પારેખ તે વખતે ગાંધીનગરમાં હતાં અને ગુજરાત ગ્રામ વિકાસ નીગમના “રચના” નામના મેગેઝીનના સહતંત્રી હતા. પછી તો આખું ગુજરાત જાણે છે કે રમેશ પારેખ શું હતા ? પણ મારે મન આ વિઝીટીંગ કાર્ડ એક પ્રસાદ જેવું છે.મારા માટે આ કાર્ડનું મહત્વ ઓસ્કાર્ડ એવોર્ડથી જરાય ઓછું નથી. ત્રીસ વર્ષથી મે તેને સાચવી રાખ્યું છે.
પહાડો ઉભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે.
મને ખીણ જેવી પ્રતીતી થઇ છે,
કે હું છું ને ચારે તરફ ડુંગરા છે. – રમેશ પારેખ
( બ્લોગ- ૫૭ )
saras vaat ! ra.pa ni khot har hamesh varatashe
pls read more http://sspbk.wordpress.com/2009/03/09/ramesh-parekh-hovano-mane-vahem-che/
રમેશ પારેખ જેવા સાહિત્યકાર જ્યારે આ દુનિયા છોડીને જાય છે ત્યારે તેમની કર્મભાષાને ના પુરાય તેવી ખોટ પડે છે. તેઓ લયના કવિ હતા. તેઓ અખૂટ શબ્દભંડોળ(ખાસ કરીને સૌરાષ્ટ્રની તળપદી ભાષા)ના સ્વામિ હતા.
મુંબઈમા કપોળ સમાજના એક કાર્યક્રમ- મરીનડ્રાઈવ પાસે તારાબાઈ હોલમા પ્રથમ તેમને મળ્યો હતો. ત્યારે તેમનો “ખડીંગ” સંગ્રહ વાંચેલૉ. અમરેલીમા એક બેંકમા મળેલા ત્યારે
આમરેલીના જ અમારા સ્નેહિએ ઓળખણ કરાવતા પુછ્યું આમને ઓળખો છો? મેં કહ્યું આ તો આલાખાચર વાળા કવિ ર.પા.
છેલ્લે પાંચેક વર્ષ પહેલા અહીં વિનુભાઈ મહેતાના શબ્દ્-સંપદા કાર્યક્રમમા તેમને માણેલા.
……………પણ ગઢમા હોંકારો કોણ દેશે?
દિનેશ પંડ્યા
રમેશ પારેખ આધુનિકતા ના રંગમાં રગાયા વગર અને પરંપરાનો સાથ છોડ્યા વગર ગુજરાતી સાહિત્યને સમૃધ્ કરનાર કવિ
ગુજરાતી ભાષાના ગૌરવ સમાં કવિ શ્રી રમેશ પારેખને સરસ અંજલિ. કહેવું પડે તમારી સાચવણને અને કવિ પ્રત્યેના લગાવને- 30 વર્ષ જૂનું કર્ડ હજી પણ છે!
દિનકરભાઈ.. અમને તો રમેશભાઈ સાથે એક ચામાંથી બે ભાગ કરીને પીવાના મોકા મળ્યા છે… શિયાળામાં ગરમાગરમ ઉકાળા પીવાના પણ મોકા મળ્યા છે. અને રમેશભાઈની ધરેલી બીડીઓ પીવાના પણ!!!!
“લો બાપુ” એમના ખાસ શબ્દો અને કહેતી વખતે પોતાની ગરદનને ઝટકો મારવાની એમની અદા!! હજુ પણ નજર સામે તરવરે છે!!!