નથી આ ઘટના ,નથી સત્ય ઘટના, આ તો છે પૂર્ણ સત્ય.
એક વર્ષના બાળકને તેના પિતા રમાડતા રમાડતા જ્યારે હવામાં ઉછાળે છે ત્યારે તે બાળક હસતું રહે છે, તેને ડર નથી હોતો, કારણ કે તેને પુરો વિશ્વાસ હોય છે કે પિતા તેને ઝીલી લેશે , વિશ્વાસનો આ સૌથી ઉત્તમ દાખલો છે.
આ કોઇ ઘડી કાઢેલી વાત નથી, કે નથી કોઇ સત્યઘટના, આતો જિંદગીનું પૂર્ણ અને કોરે કોરું સત્ય છે.
સો એ સો ટકા વિશ્વાસ જેને કહેવાય તેનો આ ઉત્તમ દાખલો છે. આપણે જો જાત નિરીક્ષણ કરીએ તો ધીરે ધીરે ખ્યાલ આવે કે આપણે જે જે વ્યક્તિઓ સાથે જીવી રહ્યા છીએ અથવા જેની જેની સાથે આપણને રોજ પનારો પડે છે તેવા, ઘરના કે બહારના બધા વ્યક્તિઓ સાથે આવો વિશ્વાસ કેળવવો આપણાથી શક્ય બનતો નથી. એક વર્ષના બાળક અને પિતા વચ્ચે જેવો વિશ્વાસ હોય છે તેવો બધા સાથે નથી રહી શકતો તેનું મુળ કારણ જિંદગીમાં અસલામતી ભાવ પ્રવેશ કરી જાય છે તે છે. દુનિયાદારીના સારા નરસા અનુભવોને લીધે અસલામતીનો ભાવ મનમાં ઘર કરી જાય છે અને આપણે દરેક વયક્તિને જુદા જુદા માપદંડથી જોવાનું ચાલું કરીએ છીએ.
સલામત જિંદગી માટે કેટલું જોઇએ ? કબીર સાહેબે તેમના એક દોહામાં કહ્યું છે.
साइं इतना दीजिये, जामे कुटुम्ब समाये । मै भी भूखा न रहुं , साधु न भूखा जाय ।
કબીરજીએ જાણ્યે અજાણ્યે એક સારી અર્થ વ્યવસ્થાનો ધર્મ બતાવી દીધો છે. અંતરમાં ઘર કરી ગયેલ અસલામતિના ભાવને દૂર કરવાની દવા બતાવી દીધી છે. કુટુંબનુ ભરણ પોષણ થાય અને ઘર આંગણે આવેલ સાધુ કે મહેમાનને જમાડ્યા વગર પાછો ન મોકલીએ, આટલી વ્યવસ્થા થઇ જાય તો બીજું શું જોઇએ ? પછી આખી દુનિયા ઉપર આપણે વિશ્વાસ મુકી શકીએ. ફક્ત આટલાથી સંતોષ હોવો જરુરી છે.
એક જુની રચના મઠારીને મુકું છું.
ભરોસો
હકીકતની હવેલીના બધા આ દ્વાર ખુલ્લા છે,
ભરોસો આપને જો હોય, નગર બજાર ખુલ્લા છે.
કહેવી વાત હોય જુઠી, હવેતો કાનમાં કે જો,
અંહી એકેક દિવાલો તણા સૌ કાન ખુલ્લા છે.
વિસામો બે ઘડી લેવા, ઉઘાડા છે અમારા દિલ,
તમારે કાજ મંદિરીયે બધા આવાસ ખુલ્લા છે.
ઉતારા અંહિ ન ફાવે તો, પછી લાચાર બીજું શું ?
જવાનું હોય નક્કી તો, જવાના માર્ગ ખુલ્લા છે.
નકામા ના હવે કરશો, પુરાણું યુધ્ધ શબ્દોથી,
અમારા સૈન્યમાં સૌના, હજુ હથીયાર ખુલ્લા છે.
પુરાવા જે હતા જાણી, કદિ ફરિયાદ ક્યાં કીધી ?
સભા થઇ ગઇ હવે પુરી, સભાના ન્યાય ખુલ્લા છે.
- સ્વરચિત
બ્લોગ-૬૬
દિનકરભાઈ, તસવીર,લેખ અને કાવ્યનો ત્રિવેણીસંગમ એટલે આ તમારી પોસ્ટ! ઉપરથી કબીર સાહેબના દોહાની ઝરમર! આનદ ભયો.