Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2010

War dose not determine,who is right !

War dose not determine,who is right !

War determines for those who are left.

 

 

કોણ જાણે યુધ્ધનો શું ભેદ છે ?

શેષ જે બાકી બચે તે ખેદ છે.

બીજા વિશ્વયુધ્ધનો મૃત્યુ આંક વાંચો તો માનવી પરની આસ્થા જડમૂળથી ઉખડી  જાય. માણસો, માણસો ને ભરખી જાય એવા વરવા દ્ર્શ્યો,આખા વિશ્વમાં . આખું વિશ્વ ઉંચા મને જીવતું હતું. લોકો રેડીયાને કાન માંડીને રોજ સમાચારો સાંભળતા અને દહેશત ભરી ઉત્તેજનાથી દિવસો કાઢતાં હતાં. ૨૨-જુન-૧૯૪૧ ના દિવસે હિટલરે રશિયાની ધરતી પર ૧૫૦૦ માઇલના વિસ્તારમાં ૫૫ લાખ સૈનિકો ઉતારી દીધા હતા. ૧૯૦ ફૌજી ડીવીઝનો, ૫૦૦૦ યુધ્ધ વિમાનો અને  ૪૭૦૦૦ તોપો. દર મિનીટે ૯ માણસો મરતા હતાં, રોજના ૧૪૦૦૦.  કુલ ૧૪૧૮ દિવસ યુધ્ધ ચાલ્યું હતું. મૃત્યુ આંક- સોવિયેત સંઘ ( ૨ કરોડ ), પોલેંડ ( ૬૦ લાખ), યુગોસ્લાવિયા( ૧૭ લાખ), ફ્રાંસ(૬ લાખ), અમેરિકા(૩ લાખ), જર્મની(૧ કરોડ ૩૦ લાખ), ઇટાલી( ૫ લાખ). કુલ ૫ કરોડ ૪૮ લાખ માનવીઓ પૃથ્વી પરથી ઉઠી ગયા હતાં.

વિશ્વમાં ઠેર ઠેર ફૌજી કબ્રસ્તાનો ફુટી નીકળ્યા હતાં. પાછળ રહી ગયેલા કુટૂંબી જનોની બધીર અવસ્થા દયા ઉપજાવે તેવી હતી.યુધ્ધ વિરામ પછી પોતાના વ્હાલસોયા, ક્યા કબ્રસ્તાનમાં પોઢ્યા છે તે ગોતવા સરકારી દસ્તાવેજો મેળવવાની કંટાળા જનક વિધીઓ અને પછી દૂર દેશોમાં આવેલા કબ્રસ્તાન સુધી પહોંચવાની ગડમથલ કરતાં સ્વજનો.

( શ્રી રુડયાર્ડ કિપલીંગ ની વાર્તાના એક અંશનો આધાર લઇ આ વિષયને લગતી વાર્તા લખી છે. ૧૮૬૫ માં મુંબઇમાં જન્મેલા અને પછી બ્રીટનમાં વસેલા  રુડયાર્ડને ૧૯૦૭ માં સાહિત્યનું ’નોબેલ પ્રાઇઝ’ મળેલું. )

” માળી ( The Gardner )”

મિસ.હેલન ટૂરેલે પોતાના એકના એક ભાઇના અનાથ પુત્રને ખૂબ સંભાળ લઇને મોટો કર્યો હતો. તેનો પિતા જ્યોર્જ ટૂરેલ તેના જન્મના થોડા અઠવાડિયા પહેલાજ ઘોડા પરથી પડીને મૃત્યુ પામ્યો હતો. અને તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હતાં. જ્યોર્જે તેનું નામ ’માઇકલ’ રાખ્યું હતું. માઇકલને મોટો કરવાની જવાબદારી પુરી કરવા માટે હેલન ટૂરેલે લગ્ન કરવાનું ટાળ્યું હતું. હેલન ટૂરેલે પાંચ વર્ષનાં માઇકલને સમજાવ્યો હતો કે તારે બધાની વચ્ચે મને ’મમ્મી’ કહીને નહીં બોલાવવાની “આન્ટી’ કહેવાનું, આપણે બન્ને એકલા હોય ત્યારે ઠીક છે. એ વખતે નાની ઉંમરના માઇકલને બહુ સમજણ નહોતી પડી. પણ જ્યારે તે દશ વર્ષનો થયો ત્યારે  એ વાતની જીદ પકડી હતી કે બધા વચ્ચે હું તમને ’મમ્મી’ કેમ ન કહી શકું. જો આ વાતની ચોખવટ નહી કરો તો હું ઘર છોડીને જતો રહીશ. હેલન ટૂરેલે મહામહેનતે તેને સચ્ચાઇ સમજાવી હતી કે હું તારી મમ્મિ નથી, તારા પિતાની બહેન છું.

અઢારેક વર્ષનો થયો ત્યારે માઇકલ આવી જ જીદ સાથે,  એક સાંજે પોતે આર્મિમાં ભરતી થઇ ગયો છે તેવી ખબર લઇને આવ્યો. હેલન ટૂરેલે તેને આર્મિમાં નહી જોડાવા માટે બહુ સમજાવ્યો ત્યારે માઇકલે કહ્યું ” આ તો આપણા કુટુંબ માટે ગર્વ લેવા જેવી વાત છે. નાની ઉમરે મરી જવાનો મને ડર નથી. હેલન ટૂરેલે કહ્યું હતું “બેટા આવું અશુભ ન બોલ”.

માઇકલની બટાલિયનને શરુઆતમાં નારફોક તટની છીંછરી ખાડીઓના રક્ષણ માટે તૈનાત કરવામાં આવી હતી, પછી ફ્રાન્સ તરફ રવાના કરવામાં આવી હતી. એક મહીના પછી માઇકલે ટૂરેલને એક પત્ર લખ્યો હતો-  મારી ચિંતા કરશો નહીં, અંહીયા હમણા આરામ છે, ખાસ કોઇ કામ નથી. – અને બે જ દિવસ પછી પોસ્ટમેન એક સરકારી તાર લઇને આવ્યો અને ગાર્ડનમાં  ઉભેલા પડોશી મિ.રેક્ટરને આપ્યો અને કહ્યું  ” આ વખતે હેલન ટૂરેલનો વારો છે.”  રેક્ટર  સમજી ગયો હતો કે સરકારી તારમાં, યુધ્ધમાં માઇકલના મૃત્યુ થયાની ખબર છે. રેક્ટરે પોસ્ટમેનને કહ્યું ” આમ જુઓ તો માઇકલ મારા પુત્ર કરતાં થોડું વધારે જીવ્યો, ખરુને ? ”  પોસ્ટમેન ભાવહીન ચહેરે જોઇ રહ્યો.

શહેરમાં યુધ્ધની આવી ખબરો જુની થવા લાગી હતી. હેલન ટૂરેલ સ્તબ્ધ થઇ અને રેક્ટરને કહેતી હતી ” ખોવાનો મતલબ મૃત્યુ થાય, મેં માઇકલને ખોયો છે એમ જ ને ? આજે  સ્તબ્ધ થવાનો મારો વારો છે.”  હેલન ટૂરેલ બધી બારીઓના પડદા બંધ કરતી ગઇ અને પછી માથું પકડીને ફસડાઇ પડી.  રેક્ટર દયાભાવ દેખાડવા સિવાય બીજું શું કરી શકે ? હેલન ટૂરેલ હવે  બીજા આવા જ દુ:ખી પડોશીઓની હારમાં આવી ગઇ હતી. આ પ્રકારની બધીર અવસ્થા આખા શહેરમાં ઘણા કુટુંબોને આભડી ગઇ હતી. હેલન ટૂરેલને હવે તૈયાર થવાનું હતું આગળની સરકારી અને કંટાળા જનક વિધીઓ માટે.

રેક્ટરે શાંત્વના આપી ” એક વાર હું લશ્કરી કેમ્પમાં જઇ આવું અને મારા એક ઓળખીતા અધિકારીને મળીને ખાત્રી કરતો આવું, ઘણી વખત એવું બને છે કે ભળતા સમાચારો પુરી ખાત્રી કર્યા વગર સરકારી દફ્તરથી રવાના કરી દેવામાં આવે છે અને પાછળથી તે માણસ જીવીત નીકળે છે.”

પણ એવું કંઇ બન્યું નહીં. હવે હેલન ટૂરેલ મક્ક્મ થઇ ગઇ હતી, માઇકલ સાચે જ મૃત્યુ પામ્યો હતો, તેનો નાનકડો સંસાર ઉજડી ગયો હતો. થોડા દિવસ પછી હેલન ટૂરેલને એક સરકારી પત્ર સાથે વર્દી પર લગાવવાનો ચાંદીનો બીલ્લો અને એક કાંડા ઘડીયાળ મળ્યા.પત્રમાં લખ્યું હતું કે લેફ્ટનેન્ટ માઇકલની લાશની ઓળખ વિધી પુરી થઇ ગઇ છે અને હેગેન જીલ્લાના ત્રીજા ફૌજી કબ્રસ્તાન માટે તેના નામની નોંધણી થઇ ગઇ છે. હેલન ટૂરેલને થયું “કબ્રસ્તાનની જગ્યા કેટલી સહેલાઇથી જાણ કરી દેવામાં આવી ! જાણે કોઇ સ્વજનનું સરનામું હોય તેમ !” – રેક્ટરની પત્નિએ કહ્યું ” શું ફરક પડત, માઇકલ મેસોપોટેમિયામા કે ગેલ્લીપોલીમાં મર્યો હોત તો પણ ? “.

હેલન ટૂરેલને હવે ખાડીની પેલે પાર દૂર  હેગેન જીલ્લાના ત્રીજા ફૌજી કબ્રસ્તાન પહોંચવાની ઉતાવળ હતી. એક કેન્દ્રીય અધિકારીને પૂછપરછ કરી તેને જાણી લીધું કે મોડી રાતની ૨:૦૦ વાગ્યાની ટ્રેઇન પકડીને તે આરામથી વહેલી સવારની નાવમાં બેસી  હેગેન જીલ્લા પહોંચી શકશે. ત્યાં એક આરામ દાયક હોટલ પણ છે, ત્યાં શાંતીથી એક દિવસ અને રાત્રી આરામ કરી બીજે દિવસે સવારે ત્રીજા ફૌજી કબ્રસ્તાનમાં જવા નીકળી શકશે. હોટલમાં ખાસ કરીને ત્રીજા ફૌજી કબ્રસ્તાનની મુલાકાતે આવતા યાત્રીઓ જ આવે છે, ક્યારેક હોટલમાં ભીડ હોય છે તો ક્યારેક આરામથી રુમ મળી જાય છે. કેન્દ્રીય અધિકારીએ કહ્યું હતું ” આ પત્ર સાથે લઇને જજો, તેમાં કબરનો સંખ્યા નંબર અને કબરનો લાઇન નંબર લખેલો છે “.

ટ્રેઇનના પ્રવાસમાં એક આધેડ ઉમરની અંગ્રેજ બાઇ મળી ગઇ, તે પૂછતી હતી મરનાર તમારો દિકરો હતો ? ”  હેલન ટૂરેલે કહ્યું ” ના, તે મારો ભત્રીજો હતો , તમે પણ હેગેન જીલ્લા જાઓ છો ?”. અંગ્રેજ બાઇએ કહ્યું ” હા, હું તો અવારનવાર ત્યાં જાઉં છું, મારો કોઇ સ્વજન કબ્રસ્તાનમાં નથી, મારી ત્યાં સાકરની ફેક્ટરી છે, પણ ફૌજી કબ્રસ્તાન જવાવાળાને હું માર્ગદર્શન કરું છું, મને થોડો આત્મસંતોષ મળે છે. ”

લીલા વાંસની બનેલી આર્મિની ઓફીસ હતી ત્યાં ખાસી ભીડ અને લાઇન હતી . હેલન ટુરેલે પોતાનો ઓળખ પત્ર અને સરકારી પત્ર આર્મિ અધિકારિને બતાવ્યો. તેણે બાજુમાં પડેલી ઘણી બધી ફાઇલો એક પછી એક ખોલીને પત્રમાં લખેલા નંબરો મેળવ્યા, સિક્કો મારી અને સહી કરી.  ” આ વાંસની ઓફીસની પાછળથી જ કબ્રસ્તાન જવાનો રસ્તો છે, દશ મિનીટ થશે, ત્યાં માળી હશે, તેને આ કાગળ બતાવજો “- હેલન ટૂરેલ કબ્રસ્તાનમાં પહોંચી, માળીએ વગર કહ્યે જ કાગળ માગ્યો -” આવો ”  કબરની લાઇનો એક પછી એક ગણતો ગણતો એક કબર પાસે લઇ ગયો- ” તમારા પત્રના નંબર પ્રમાણે, આ જ કબર છે ” – તે થોડી જ વારમાં નાના ફૂલ વાળા છોડ લઇને આવ્યો અને કબર પાસે રોપવા લાગ્યો. હેલન માળીને માઇકલની કબર પાસે છોડ રોપતાં નીરખી રહી અને વિચારતી હતી, માઇકલને મેં ઉછેરીને મોટો કર્યો, માળી હવે તેની કબર પાસેના છોડને ઉછેરશે. એક જીવન ખતમ થયું હતું, બીજું પાંગરવા માટે તૈયાર હતું.

બ્લોગ-૭૯

Read Full Post »

तोमार रवि

Love at first sight ની ઘટના લગભગ બધાના જીવનમાં જાણ્યે અજાણ્યે બનતી જ હોય છે, કોઇ તેને ગણકારે નહીં, કોઇ મનમાં રાખે, કોઇને વ્યક્ત કરવાનો અવસર પ્રાપ્ત ન થાય તો કોઇ પ્રાપ્ત થયેલો અવસર ચુકી જાય. મુગ્ધાવસ્થાના રંગીન સ્વપનોની દુનિયા જ કંઇક અલગ હોય છે.

’ મેરા નામ જોકર” નું એક દ્રશ્ય યાદ આવે છે. મુગ્ધાવસ્થામાં પ્રવેશી ચુકેલો ચિંટુ વરસતા વરસાદમાં પોતાની ટીચર(સીમ્મી)  ના ઘરે પુસ્તક આપવા જાય છે, જે ક્લાસ રુમમાં ભુલી ગઇ હોય છે. ટીચર અને તેનો પતિ ( સીમ્મી અને મનોજ કુમાર ) ઘરની ગેલેરીમાં ઉભા હોય છે. ચિંટુને વરસતા વરસાદથી બચવા અંદર આવીજવા કહે છે. તે વરસાદમાં પલળતો પલળતો જ દોડીને પુસ્તક આપી પાછો જતો રહે છે.  મનોજ કુમાર ધ્યાનથી આ પળોનું અવલોકન કરી સિમ્મીને મજાકી મૂડમાં કહે છે ” वो तुम्हे प्यार करने लगा है ।” સિમ્મી મીઠા છણકા સાથે કહે છે,  ” छी….कितनी घटीया बात करते हो ! वो मेरा स्टुडन्ट है ! और ये बात तुम्हे कैसे मालुम पडी कि वो मुझे प्यार करने लगा है  ?”  મનોજ કુમાર મલકીને પ્યારથી કહે છે, ” क्युं कि हम भी कभी उस उम्रसे गुजरे है ।”  અને સિમ્મી મૌન સંમતી  આપતી હોય તેમ ખોટો ગુસ્સો બતાવી હળવો ધક્કો મારે છે. આ દ્રશ્યમાં રાજકપુરનું દિગ્દર્શન અને આ વાતની રજુઆત કાબીલે તારીફ છે.

હવે મૂળ વાત પર આવું છું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના જીવનમાં પણ આવી એક ઘટના બની હતી. ’અન્ના’ને જ્યારે પહેલી વાર જોઇ ત્યારે જ રવિન્દ્રનાથને તે ચંચલ તરુણી ગમી ગઇ હતી. તેનુ નામ ’અન્નપૂર્ણા’ હતું, પણ ઘરમાં લોકો તેને પ્યારથી ’ અન્ના’ કહેતા. આ નામ તેને જરાય ગમતું ન હતું. ઘણા દિવસો પછી તેણે  મનની વાત રવિન્દ્રનાથને કરી અને કહ્યું ” મારા માટે તમે જ કોઇ સારું નામ શોધીને આપો ને ! ” અને રવિન્દ્રનાથે તેને નામ આપ્યું “નલીની”.

બન્નેના મનમાં પ્રેમનાં અંકુરો ફુટવા લાગ્યા હતાં ત્યાં જ નલીનીએ બીજો પ્રસ્તાવ મુક્યો ” તમે મારા પર કંઇક લખો ને ! ” અને રવિન્દ્રનાથની કલમ ’નલીની’ના મનની વાત કળી ગઈ. અને આ કવિતા પ્રેમના શબ્દો લઇને પાંગરી.

सुन नलीनी, खोलो गो आंखि

छूम स्वप्नो, भांगील ना कि

देख तोमार दुवार-परे

सीख ऐसे-छे, तोमार रवि

सुनि प्रभातेर गाथा मोर

देख भेंगे छे घुमेर मोर

जगत उठे छे नयन मलिया नूतन जीवन लाभ

तबे तुमिकी सजनी जाणीवे नाको

आकि जे तोमार कवि.

જીવનમાં જેની તરફ પ્રથમ આકર્ષણ થયું તેવી યુવતી નલીનીને સંબોધીને આ કવિતા લખનાર મુગ્ધ યુવક એક વખત ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર કહેવાશે તેવો ખ્યાલ કદાચ નલીનીને પણ નહીં હોય. અને ગુરુદેવ સુધીની યાત્રામાં નલીની પ્રત્યેના આકર્ષણે જરુર ભાગ ભજવ્યો હશે. 

 બ્લોગ-૭૮

Read Full Post »

(મથાળુ વાંચીને વાંચવાનું માંડી વાળતા નહીં, વાર્તા ખરે ખર રસ પ્રદ છે. ઘણા સમય પહેલા વાંચેલી મલયાલમ લેખક શ્રી એસ.કે પોટ્ટેક્કાટ ની આ વાર્તા મેં હિન્દીમાં વાંચેલી તેનું સંક્ષીપ્ત રૂપ મારી ભાષામાં)

ઉત્તરી વયનાડમાં એકાંત જગ્યાએ આ જુનો બંગલો ચાર દિવસ પહેલા જ મેં ભાડે લીધો હતો, અંહીનું પ્રાકૃતીક વાતાવરણ મને ગમી ગયું હતું. મેં મારી નવલકથાનો ચોથો અધ્યાય પૂરો કરી નાખ્યો હતો અને બાકીના અધ્યાયો પૂરા કરવાના ઇરાદે આ બંગલો ભાડે લીધો હતો. મારી નવલ કથાના નાયકના જીવનમાં નાયીકાનો પ્રવેશ કેવી રીતે ગોઠવવો તે વિચારી  રહ્યો હતો. ત્યાં વરંડાના દરવાજે કોઇકનો અવાજ આવ્યો ” આ કુતરો કરડતો નથી ને?” વરંડાના દરવાજે કાળો કોટ પહેરેલો એક વૃધ્ધ માણસ અંદર આવવા માટે હિચકીચાતો ઉભો હતો. મે કહ્યું “અંદર આવી જાવ, કુતરો પાછળના વરંડામાં બાંધેલો છે ”  -તે અંદર આવી ગયો ” અંહીંયા કોઇ લેખક રહેવા આવ્યા છે ? ” –  “હા બોલો, હું પોતે જ છું ”

“તમારા માટે એક ચીઠ્ઠી છે ” વૃધ્ધ માણસે એક પીળું કવર મારા હાથમાં આપ્યું. ચીઠ્ઠી મારા નામે જ હતી. હું વાંચવા લાગ્યો.

તા-૧૪-જાન્યુઆરી, કણ્ણુર.

’વનલતા-નિવાસ’ ના દક્ષીણમાં આવેલા બંધ રુમના કબાટમાં એક જુની આલારામ ઘડીયાળ હશે, કૃપા કરી શોધીને આવનાર માણસ કુન્નીકરન સાથે મોકલી આપશો, રુમની ચાવી આ ચિઠ્ઠી સાથે મોકલાવું છું. 

શંકર કલોત ચિરુતા-( માલિક ’વનલતા-નિવાસ’ )

મેં કુન્નીકરન પાસેથી ચાવી લઇને રુમ ખોલી અને ઘડીયાળ શોધી કાઢી, વૃધ્ધ કુન્નીકરનને હાથમાં આપતા પુછ્યું ” આ જ ઘડીયાળ ને ?” –  ” હાં બાબુજી આજ ” તેણે ઘડીયાળ રુમાલમાં લપેટી અને લુંગીના ઉપલા ભાગમાં ખોસી દીધી. હું તેને જોઇ રહ્યો, કુન્નીકરને કહ્યું ” બાબુજી આને લંડન મોકલવાની છે.” મેં આશ્ચર્યથી પૂછ્યું ” રીપેરીંગ માટે ?” – “ના બાબુજી આ ઘડીયાળના માલીક લંડન રહે છે.”  –  મેં પૂછ્યું “શું આ ઘડીયાળ એટલી કીમતી છે ? ” કુન્નીકરન ભૂતકાળમાં ખોવાઇ ગયો ” તેના માલિકને આ ઘડીયાળની કીમત તો લાખોમાં હશે સાહેબ ! ”

” બહુ લાંબી વાત છે બાબુજી ! સમયને જતાં ક્યાં વાર લાગે છે ? વીસ વર્ષ પહે્લા આ ઘડીયાળમાંથી વાગેલો આલારામ આજે પણ કાનમાં સંભળાય છે. એ અવાજ કોણ જાણે કેટલીય ઘટનાઓનો ભૂતકાળ છોડી ગયો ! બાબુજી, તમારે આખી કહાની સાંભળવી પડશે !” વૃધ્ધ કુન્નીકરન પાછો ભૂતકાળમાં સરી ગયો. “સાંભળો”.

“વીસ વર્ષ પહેલા મોકાર્ડી નામના સ્કોટીશ સાહેબ પી-કંપનીના મેનેજર બનીને અંહીયા આવેલા, ઉંચા, પડછંદ ગોરા અને સુંદર, લગભગ ચાલીસેક વર્ષના હશે, પણ લગ્ન નહોતા કર્યાં, બીજા અંગ્રેજોની જેમ દંભી કે રંગદ્વેષી ન હતાં. કંઇક અલગ જ માટીના હતાં. કોઇ દિવસ અંગ્રેજ લોકોની ક્લબ કે પાર્ટીમાં જતાં નહીં, માત્ર ’રુબી’ નામના કુતરા સાથે બંગલામાં એકલા રહેતાં. તેઓ તેમનાં નોકરોને બહુ જ ચાહતાં હતાં. અવારનવાર તેમનાં તહેવારોમાં પણ સામેલ થતાં. ઓફિસે તેમના કાળા કુતરા ’રુબી’ને કાયમ સાથે લઇ જતાં.  ક્યારેક સાહેબ ઓફીસનાં સમય પહેલાં જ સવારે આવી જતાં, અને અંદરથી દરવાજો બંધ કરી રુમની એક એક વસ્તુઓ ઉઠાવીને ઉલટી ગોઠવતા, ટેબલ, ખુરશી, દિવાલ પર ટાંગેલું કેલેન્ડર, ચિત્રો બધી જ વસ્તુ, પછી પોતે ’શિર્ષાસન’ કરતાં એટલે બધી જ વસ્તુઓ તેમને સીધી દેખાવા લાગતી.

આ મજાના ખેલની ખબર બધાને રામન નાયર નામના નોકર દ્વારા પડી, કુતરા ’રુબી’નો વિચીત્ર રીતે ભસવાનો અવાજ સાંભળીને તે રુમ તરફ દોડ્યો પણ દરવાજો અંદરથી બંધ હતો એટલે તેને કંઇ સમજ ન પડી એટલે તે  હેડ-ક્લાર્ક કૃષ્ણા અય્યર પાસે દોડી ગયો. કૃષ્ણા અય્યરે આવી દરવાજાની તીરાડમાંથી જોયું, તેણે હસવાનું રોકવાનો પ્રયત્ન કર્યો તો તેના ખંભા હલવા લાગ્યા, તેને જોઇને મી.પાણ્ણીકરે અંદર ઝાંખવાનો પ્રયત્ન કર્યો પછી તો ઓફીસના બધા જ કર્મચારીએ આ ખેલ વારાફરથી જોયો. માંડ માંડ બધા હસવાનું રોકી છાના છાના ખી..ખી.. કરતા રહ્યાં.  લગભગ પંદર મિનીટ પછી સાહેબ મૂળ અવસ્થામાં આવ્યા, એક પછી એક વસ્તુઓ સીધી ગોઠવી પછી સીગરેટ સળગાવી છાપું વાંચવા લાગ્યા. ક્લાર્ક સી. વી.  મેનને આ ખેલને ’અમેરીકન મુદ્રા’ એવું નામ આપી દીધું. આવી રીતે આ સાહેબનું નામ ’સનકી સાહેબ’ પડી ગયું. ક્યારેક તેમને ગુસ્સો આવે તો નોકરોને મારપીટ કરતાં અને વસ્તુઓ ફેંકવા લાગતાં, પણ શાંત થયા પછી માર ખાધેલા એક એક નોકરને બોલાવી પાંચ દશ રુપીયા આપીને ખુશ કરતાં. આથી દરેક નોકર એવું ઇચ્છતો કે કાશ.. આજ સાહેબ મને મારે, એમાનો હું પણ એક હતો” આ વાત કરતા કુન્નીકરન થોડો હસી પડ્યો.

થોડા વર્ષો પછી એવું સાંભળવા મળ્યું કે મોકાર્ડી સાહેબ કદાચ આ નોકરી છોડવાના છે, તેંમણે વયનાડમાં એક બંગલો ખરીદી લીધો છે. મેં વિચાર્યું  ઓફીસ માંથી આ આલારામ ઘડીયાળ ગાયબ કરવાનો આ સારો મોકો છે, પહેલી જ વાર જ્યારે મેં આ ઘડીયાળ જોઇ ત્યારથી મારું મન લલચાયું હતું. અને સાહેબને તે ગાયબ થયાની કંઇ ખબર નહીં પડે, કહી દઇશ કે સાહેબ એક દિવસે તમે ગુસ્સામાં ફેંકી હતી ત્યારે જ ટૂટી ગઇ , અને સાહેબ મારા પર વિશ્વાસ પણ કરી લેશે. ઘણા નોકરો વસ્તુ ગાયબ કરવા માટે આ પ્રયોગ કરી ચૂક્યા હતાં.મેં પણ આવોજ પ્લાન કરવાનું વિચાર્યું, પણ ગેટનો ચોકીદાર રઘુ નાયર ઘણો ચાલાક હતો. તે બહાર નીકળતા બધા નોકરોની તલાશી લેતો, સ્ત્રીઓની ટોપલી પણ ઉતરાવતો અને ચેક કરતો.

કંપનીમાં ઘણી સ્ત્રીઓ પણ કામ કરતી હતી. તેમાની, નીલીમા નામની એક જુવાન છોકરી 

મારા ઘર પાસે જ ઝુંપડીમાં રહેતી હતી. તે, તેનો નાનો ભાઇ શંકર અને બુઢ્ઢી માં એમ ત્રણ જણ, બધી જવાબદારી તેના માથે જ હતી. છોકરી ઘણી સીધી અને દેખાવમાં નમણી હતી. મેં તેને ઘડીયાળ ગાયબ કરવામાં મને મદદ કરવા સમજાવી, પહેલા તો તે ન માની પણ પછી તૈયાર થઇ. મેં પ્લાન કર્યો કે ઓફીસમાંથી ઘડીયાળ ઉઠાવી હું પાછળના ભાગમાં ઝાડી પાસે તેને મળીશ, તે કોઇક નુશ્ખો શોધીને ઘડીયાળ  ગેઇટની બહાર કાઢી દેશે. સ્ત્રીઓને સાંજના સાડા પાંચ વાગ્યે છુટ્ટી મળી જતી અને પુરુષોને સાંજના છ વાગે. પહેલાતો તેને ઘડીયાળ ટોપલીમાં સંતાડી, પણ પછી લાગ્યું કે તે નુશ્ખો સલામત નથી, કારણ કે વોચમેન રઘુ નાયર સ્ત્રીઓની ટોપલી પણ ઉતરાવતો. એટલે નીલીમાએ ઘડીયાળને બ્લાઉઝમાં સંતાડી અને ઉપર દુપટ્ટા જેવો રુમાલ ઓઢી લીધો. હવે હું સ્ત્રીઓને છુટવાની સાડા પાંચ વાગ્યાની સાયરન વાગવાની રાહ જોતો દૂર ઉભો રહ્યો. અને સાયરન વાગી, એક પછી એક સ્ત્રીઓને વોચમેન રઘુ નાયર ચેક કરતો હતો. ” એ બુઢ્ઢી, ટોપલીમાં ફૂલ કેમ લિધા ?, એ માતમ્મા, ચલ તારું ટીફીન ખોલ !, એ જાડી, થેલીમાં શું છે ? ” વોચમેન રઘુની બડબડ સંભળાતી હતી. મારુ દિલ ધક ધક થતું હતું . જેવી નીલીમાં વોચમેન પાસે પહોંચી કે ઘડીયાળનો આલારામ જોરથી રણકી ઉઠ્યો. ટ્રીં..ટ્રીં..,ટ્રીં..ટ્રીં.., ટ્રીં..ટ્રીં.., સાહેબે સાડા પાંચે ઉઠવાનો આલારામ સેટ કર્યો હશે. નીલીમાને થયું કે હવે ક્યાં જાઉ ! ગભરાઈને બાજુની દિવાલ તરફ દોડી ગઇ અને છાતી પર હાથ રાખીને બેસીપડી, બધી સ્ત્રીઓ આ દ્ર્શ્ય જોઇને જોરથી હસવા લાગી. વોચમેન રઘુને ખ્યાલ આવી ગયો કે આ અવાજ ક્યાંથી આવ્યો ! તે  નીલીમા પાસે ગયો, ઘડીયાળ કઢાવી અને મોકાર્ડી સાહેબ પાસે લઇ ગયો.  સાહેબ ચકીત થઇને નીલીમાને જોઇ રહ્યાં, નીલીમાં બે હાથથી મોઢું છુપાવીને રડી પડી. સાહેબે તેને છોડી દીધી. મોકાર્ડી સાહેબ પણ આ વાત યાદ કરી કરીને ક્યાંય સુધી હસતાં રહ્યાં. માંડ માંડ મને જીવમાં જીવ આવ્યો. નાનું ખાનસામે કહેતો હતો કે સાહેબ લગભગ પોલીસ કંમ્પલેઇન કરી હશે, નીલીમાએ શરમના માર્યા કામ પર આવવાનું બંધ કરી દીધું. અમે ઉંચા મને બે ત્રણ દિવસ, શું થશે ?તેની રાહ જોઇ. 

સહુએ જે વિચાર્યું હતું તેથી ઉલટું જ થયું.  મોકાર્ડી સાહેબે નોકરીથી રાજીનામું આપ્યાના બે 

દિવસ પહેલાજ નીલીમા સાથે લગ્ન કરી લીધાં અને લાંબા સમય માટે ’ઉટી’ હનીમુન કરવા નીકળી ગયાં. હનીમુનથી પાછા આવ્યા પછી સાહેબ આ ’વનલતા-નિવાસ’ બંગલામાં રહેવા લાગ્યા. સાહેબ આ એક અજીબ ઘટના હતી, સનકી મિજાજના મોકાર્ડી સાહેબ અને એક ગરીબ મલયાલમ છોકરી. નીલીમા સાહેબનું ખુબ ધ્યાન રાખતી. છએક મહીના પછી નીલીમાની ભલામણથી જ મને આ બંગલાંમાં કામ ઉપર રાખી લીધો. અમે લોકો લગભગ દશેક વર્ષ અહીંયા રહ્યાં હશું, શીતળાના રોગમાં નીલીમાનું મૃત્યું થયું. તેઓને કોઇ સંતાન ન થયું. નીલીમાના મૃત્યુ પછી મોકાર્ડી સાહેબની હાલત તો જોવાતી નહતી. અડધા પાગલ જેવા થઇ ગયા હતાં. એક વાર ઇંગ્લેન્ડથી તેમના પિતાજીના મૃત્યુનો તાર આવ્યો .  નીલીમાની બુઢ્ઢી મા અને તેના નાના ભાઇ શંકર કલોતના નામે આ બંગલાનું વસીયતનામું કરી, મોકાર્ડી સાહેબ હમેંશ માટે ભારત છોડી જતા રહ્યાં. ઘણા વર્ષો સુધી તેમના વિષે કંઇ જાણવા ન મળ્યું. વર્ષો પછી હમણા પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે સ્કોટલેન્ડ ગયા પછી પણ તેમનું સનકી પણું ગયું નથી. આ પત્રમાં તેમણે આ ઘડીયાળ હાથ કરી જલ્દીથી મોકલવા જણાવેલ છે. મોકાર્ડી સાહેબ બહુ ભલા માણસ હતાં ” કુન્નીકરનની આંખો ભીની થઇ ગઇ હતી. ” સાહેબ આ ઘડીયાળ કાલે જ હું પાર્સલ દ્વારા સ્કોટલેન્ડ રવાના કરી દઇશ, હું નીલીમાના ભાઇ શંકર કલોત સાથે જ રહું છું “.

કુન્નીકરનની વાત પુરી થઇ અને મારા ટેબલ પર રાખેલી અલારામ ઘડીયાળ રણકી ઉઠી, મારો ચા નો સમય થઇ ગયો હતો. કુન્નીકરનને મેં ચા પીને જવાનો આગ્રહ કર્યો પણ તેને પાછા જવાની ઉતાવળ હતી. મારી લખેલ નવલકથાના બધાય પ્રકરણ મને ફીક્કા લાગવા લાગ્યા. મને પશ્ચીમ દિશામાં દૂર દૂર ઢળતી સાંજે  ’રુબી’ નામના કુતરા સાથે હેટ પહેરેલો એક સ્કોટિશ બુઢ્ઢો , ભારતથી આવનાર ઘડીયાળના પાર્સલની રાહ જોતો ઉભો હોય તેવો ભાષ થયો.

બ્લોગ-૭૭

Read Full Post »