ઇશ્વર વિષે મને કંઇ પણ કહેવાનો અધિકાર નથી. ઇશ્વર શબ્દ લઇ હું પોતે જ હજારો પ્રશ્નોનોની
કતારમાં ઉભો છું. ઇશ્વરના દુશ્મન થવાની વાત તો સાવજ વાહિયાત છે. પુરાણ કથાઓમાં ઇશ્વરો, આસુરી શક્તિ વાળા રાક્ષસો જોડે વર્ષો સુધી તુમુલ યુધ્ધ કરતા કરતા પરેશાન થઇ જતાં, છેલ્લે વિજયી થતાં તેવું સાંભળ્યુ છે અને વાંચ્યું છે. આપણા ઇશ્વરો હંમેશા શસ્ત્રસજ્જ હોય છે અને તેવા ઇશ્વરની કલ્પના આપણને રુચે છે. જીત તો હંમેશા સત્યની જ હોય છે. ઇશ્વરના ઘરે દેર છે,અંધેર નથી, સમયથી પહેલા અને નસીબથી આગળ ક્યારે પણ કોઇને મળતું નથી, જેવા જાતને મનાવવા નવા નવા સુત્રો ઘડી કાઢી છીએ, સાંભળતા રહીએ છીએ અને સંભળાવતા રહીએ છીએ. શ્રધ્ધાના પોટલા ઉઠાવી ઉઠાવી લાંબી લાંબી લાઇનમાં જોડાઇ જઇએ છીએ. ક્યારેક શંકરના મંદિર સુના પડ્યા હોય છે અને બાજુમાં આવેલું સાંઇબાબાનું મદિર હેકડેઠઠ્ઠ ભીડ વાળું હોય છે. બહાર ઉભેલા ભિખારીઓને બે બે પૈસા ફેંકી,પોતાની જાતને મોટા દાનવીર સમજીએ છીએ, આપણી પાસે અંદરના દેવને રીઝવવા ઢગલો સોનું હોય છે.
જો આપણે દ્રઢ્ઢ પણે એક જ વિચારને માનતા હોઇએ કે ઇશ્વરની ઇચ્છા વગર પાંદડુ પણ હલતું નથી, તો પછી આપણે બિંદાસ્ત બની, બધું ઇશ્વર પર છોડી આરામ કરવો જોઇએ. પણ નહીં, કર્મના સિધ્ધાન્ત વાળા માથું ખઇ જશે ! કર્મના સિધ્ધાન્ત વાળા એક ભાઇને મેં કહેલું, એક ગામના ગુંડાને, ગીતાના સંદેશ પ્રમાણે ધર્મરક્ષા કાજે, હું અર્જુનની જેમ ગામ વચ્ચે વધ કરીશ, ગામને તેના ત્રાસથી છોડાવીશ, કાયદાથી મને છોડાવવા ક્યો કર્મવાદી પડખે ઉભો રહેશે ? હસવા જેવી લાગતી વાત ઘણી જ ગંભીર છે. ઇશ્વરથી વધીને પણ કોઇ આસુરી શક્તિનું હોવું કે માનવું મૂર્ખતા ભર્યું લાગે છે.ઇશ્વર વિષે જાત જાતના ભ્રમો લઇ જીવી રહેલી માણસ જાત, તોબા તોબા, હે ઇશ્વર….
શ્રી કીર્તિકાન્ત પુરોહીતની રચનાઓની પંક્તિઓ ટાંક્યા વગર રહી શકતો નથી.
તું સલામત રાખજે બ્રહ્માંડને ઇશ્વર,
માનવીનું નભ ઉછળવું સાવ સહેલું છે
– કીર્તિકાન્ત પુરોહિત
વીજ થઇ ઇશ્વર કદી વ્યક્ત થવા તત્પર થતાં,
અંધશ્રધ્ધા જોઇને એ ગ્રીડમાં અટકી જતાં.
– કીર્તિકાન્ત પુરોહીત
કાન ખુલ્લા રાખી ચોતરફ ઇશ્વર વિષે શું શું કહેવાય છે ? તે સાંભળ્યા કરું છું, તે પછીની ગડમથલ ચાલે રાખે છે. ઇશ્વર શબ્દ એક સૌથી મોટું આશ્ચર્ય છે, ઇશ્વરના માટે લોકો કેવા કેવા ખયાલોમાં રાચે છે તે તો એથીયે વધારે મોટું આશ્ચર્ય છે. આજ સુધી પૃથ્વી નામના ગ્રહ પર માનવી નામનું પ્રાણી ઇશ્વર વિષે એક મત થઇ શક્યું નથી ! ઉપરથી આ જ મુદ્દે ગળાકાપ ગાંડપણ ચાલે રાખે છે.જેમ વિજ્ઞાનના નિયમો વિષે આખી દુનિયાનો માણસ એક છે,એકમત છે તેમ ઇશ્વર વિષે માનવી એકમત કેમ નથી થતો ?
આદમ, ના પાડવા છતાં ફળ ખાઇ ગયો ! અને ઇશ્વર ઉપાધીમાં આવી ગયો. મને લાગે છે કે માનવીના આ દોઢડહાપણ પછી ઇશ્વરે તેના પર ભરોસો છોડી દીધો હશે. તે દિવસથી ઇશ્વરે આદમનો હાથ છોડી દીધો હશે. બધા જ ડહાપણો તારી રીતે કરતો રહે, તારી
ઉપાધીઓનો ઉકેલ તું જ શોધજે.
અને જાહેર છે, અત્યારની લગભગ સમસ્યાઓ ઇશ્વરના હાથમાં નથી જ નથી ! મોંઘવરીનો ઉકેલ ક્યો ઇશ્વર લાવી શકે તેમ છે ? વધી રહેલી ગુનાખોરી, શોષણ, બલાત્કાર, ક્યા ઇશ્વરને પડી છે ? લંપટ અને ગેંડાની ચામડી જેવા રીઢ નેતાઓથી આ દેશને ક્યો ઇશ્વર બચાવી શકે તેમ છે ? ક્યા યુગ સુધી આપણે ઇશ્વરના સંભવની રાહ જોવાની છે ?
માનવી, ડુબતો માણસ જેમ તરણુ પકડે તેમ ઇશ્વરને શોધવા અડવડીયા ખાતો હોય છે, જે હાથ લાગ્યું તે પકડી ઇશ્વરને જોવાની ( સમજવાની નહીં )અને તરી જવાની ગડમથલ કરતો હોય છે. અને મોટે ભાગે તેને તરણા જ હાથ લાગે છે. ઇશ્વરના એજન્ટોની દુકાનો ખુલતી જાય છે. ઇશ્વર સાથે જાણે સીધો સંબંધ હોય તેવી વાતો કરી ઇશ્વર વિષે જાત જાતના ભ્રમો ફેલાવે છે.
દેહ જો નશ્વર ન હોત તો ઇશ્વર વિષે જાણવાની કોઇ બહુ દરકાર ન કરત.નશ્વર દેહની વ્યાધીઓ ન હોત તો ધાર્મિકતાની ઉપાધીઓ પણ ન હોત. વિનિમય વ્યવસ્થા શરુ થઇ અને અર્થ-વ્યવસ્થામાં પરિણમી,પછી સમૃધ્ધી આપે તેવા દેવોની કલ્પના અસ્તિત્વમાં આવી. અર્થ-વ્યવસ્થા, અને તેની અટપટી વિતરણ પધ્ધત્તીઓ માનવી જ નક્કી કરતો રહ્યો. આ વ્યવસ્થા જ્યારે ખોટા લોકોના હાથમાં જઇ પડી ત્યારે સમૃધ્ધીથી વંચિત રહી જનારા બીચારા દેવો તરફ તાકીને ઉભા રહેવા લાગ્યા. આર્થીક સમસ્યાને પાપ પુણ્ય સાથે નીસ્બત છે તેવું માનવાને માણસ મજબુર થવા લાગ્યો . પ્રકૃતી દત્ત જીવન પોષક વસ્તુઓ પર માણસ અધિકાર જમાવવા લાગ્યો, જમીનો પર લીટા તાણીને માનવીએ આખી પૃથ્વીને વહેંચી નાખી. માલિકી ભાવ શરુ થયો, પછી દેશો, સરહદો, યુધ્ધો, કબીલાઓ, રાજાઓ, રાજનીતી, સરકારો અને ઘણા બધા ઇશ્વરો…
અમારો ઇશ્વર જ સાચો, ઇશ્વરનો કોઇ અવતાર ન હોય, કોઇ આકાર ન હોય, અણદેખ્યા ઇશ્વરની વાત લઇ, તલવારો લઇને લોકો નીકળી પડ્યા, આખી પૃથ્વી ધમરોળી નાખી. અમે ભુલા ભટકેલાઓને રાહ પર લાવીશું, તલવારની અણી ઉપર ધર્મ બેસી ગયો. અમારો ઇશ્વર કોઇને માફ નથી કરતો.
મધર ટેરેસાનું એક વાક્ય યાદ આવીગયું- ” આપણે જેમને દેખી શકી છીએ તેવા માનવીઓને જો પ્રેમ ન કરી શકતા હોઇએ, તો જે ઇશ્વરને આપણે કદી જોયો નથી તેને કેવી રીતે પ્રેમ કરી શકશું “
અમારો ઇશ્વર હજાર હાથ વાળો, જવાન બુઢ્ઢા કોઇ પણ શરીરમાં અવતાર લે, .સંસારી બને, ઇશ્વરોના પરિવારો અને કુળો. ઘણા બધા ઇશ્વરો, અમે ઇશ્વરોને મનગમતા આકાર આપી શકીએ, મનગમતા ઇશ્વર પસંદ કરી શકીએ. અમારો ઇશ્વર ભલો, બધી જ છુટ,જે ખાવું હોય તે ખાવ, પીવું હોય તે પીઓ. ઇશ્વર વતી અમે જ બધુ નક્કી કરી લઇએ. ભુલથી કોઇ પંડીત લખી ગયો ” जीवो जीवस्य् जीवनम् । ” ખલ્લાસ, પવિત્ર દિવસો છોડી અમારે જે ખાવું પીવું હોય તે ખાઇએ, માંસાહાર પણ કરીએ ! અમારો ઇશ્વર અમને ક્યાંય નડે નહી !
માંસાહાર કરતા માનવીઓને જોઉં છું અને ઇશ્વર વિષે શ્રધ્ધા ઉડી જાય છે. પ્રકૃતીના નિયમથી વિરુધ્ધ જઇ, જાનવરોને મોતને ઘાટ ઉતારવાનો અધિકાર ક્યો ઇશ્વર આપે છે ? મને આજ સુધી કોઇએ જવાબ આપ્યો નથી. ગયા વર્ષે શ્રાવણ મહીનો પુરો થયો ત્યારે તા.-૨૦-ઓગષ્ટ-૨૦૦૯ ના એક બ્લોગ લખ્યો હતો. ” મુર્ગીઓ સાવધાન, શ્રાવણ ગેલા ” અને એક રચના પણ બની ગઇ હતી.
મુર્ગીઓને માછલીના ઇશ્વરો હોતા નથી, બકરીઓ સામે કદી, કોઇ ખુદા જોતા નથી.
સ્વિત્ઝરલેન્ડમાં સ્થાયી થયેલા, નોબેલ પ્રાઇઝ મેળવનાર લેખક ’હરમન હેસ ’ એક પ્રોટેસ્ટેંટ ધર્માવલંબી પરિવારમાં જન્મ્યા હતાં, પરિવારની ધાર્મિક માન્યતાઓ સાથે લગભગ અસંમત રહેતાં. એક વખત તેમના પિતાજીના એક દોસ્ત સાથે પોતે વિદ્રોહી મત ધરાવે છે તે બાબત ચર્ચા થઇ. ત્યારે તેમણે પિતાના મિત્રને એક દલિલ કરી- ઇશ્વર જો વિદ્યમાન છે અને બધાજ કામ તેની મરજી મુજબ થાય છે તો ફક્ત સારા કર્મોની જવાબદારી જ કેમ લે છે ? ખરાબ કર્મોની જવાબદારી ઇશ્વર કેમ લેતો નથી ?. જવાબ ગોળ ગોળ હતો એટલે લખ્યા વગર જ છોડું છું.
અમારો ઇશ્વર દયાળુ છે, સૌને માફ કરે છે, તમારો ધર્મ છોડીને અમારી સાથે આવો, ફક્ત તમારે પ્રાર્થનાઓ કરવી પડે, You have to confess. આવો અમારી સાથે, માફી માગો. અમારા ઇશ્વરને માનો.
નિત્શેનું એક વિધાન વિચાર કરતા કરી દે તેવું છે. -” માણસ ઇશ્વર નથી બની શકતો, કારણકે માણસને પેટ છે. ઇશ્વરને બીજા ઇશ્વર સાથે જીવવું નથી પડતું. માણસને બીજા માણસ સાથે જીવવાની બહુ મોટી સજા છે. આ સજા માણસને ઇશ્વર સુધી પહોંચવા નહીં દે”.
ઈશ્વર તું હવે વૃધ્ધ થઇ ગયો છું ! તારા હાથમાં હવે કંઇ નથી, તે આદમનો હાથ છોડ્યો તે તારી મોટી ભુલ, બે પગ વાળો માનવી તને જોયા વગર તારા વિષે કંઇ પણ કહેતો રહે તે વાત પર મને વિશ્વાસ નથી, જો કોઇ કહેતું હોય કે માનવજાતને સીધી રાખવા માટે આ બધા નુસ્ખાઓ છે, તો હું એમને એમ સીધો રહેવા અને જીવવા તૈયાર છું.
બ્લોગ-૮૮

ઈશ્વર વિશે – જો કોઇ કહેતું હોય કે માનવજાતને સીધી રાખવા માટે આ બધા નુસ્ખાઓ છે, તો હું એમને એમ સીધો રહેવા અને જીવવા તૈયાર છું… મજાની વાત તમે કહી. જો કે ઈશ્વર છે કે નથી એ બાબતે ગમે તેટલું લખવા કે ચર્ચા કરવાથી કશો ફેર પડવાનો નથી. એટલે … ઇતિ અલમ્
શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.