( રુસના તડીપાર થયેલા અને નોબેલ પ્રાઇઝ મેળવનાર લેખક સોલ્ઝેનિત્સીનની એક વાર્તા વાંચી હતી ” ઇસ્ટર શોભા યાત્રા ” આ વાર્તાનો સંદેશ આપણા મૂળ ઉદ્દેશ ચુકીને ઉજવાતા ધાર્મિક ઉત્સવોને એટલો જ લાગુ પડે છે. વાર્તાના મૂળ ભાવને પકડીને આ વાર્તામાં અનુભવેલી વાસ્તવિકતા રજુ કરવાની કોશિષ કરી છે. )
દર વર્ષની જેમ આ વખતે પણ સોનવાડીના ગણપતિની શાન હતી. રોજ લાખો માણસોની ભીડ અને દર્શન માટે લાંબી લાંબી લાઇનો લાગતી.- ” આ ગલીના ગણપતી ઇચ્છાપુર્તી ગણપતીઓ માનાં એક ગણાય છે ” એક ભાવુક બોલ્યો.
બે ત્રણ જાતની લાઇનો શેની છે ? ” એક નવા આગંતુકે પુછ્યું. – તમે નવા લાગો છો ! ભીડમાં ઉભેલા એક માણસે જવાબ આપ્યો-” એક લાઇન વી.આઇ.પી લોકો માટે છે. એક લાઇન સો રુપિયા વાળી છે, એક બે કલાકમાં તમારો વારો આવીજાય, નજીકથી દાદાના દર્શન થઇ જાય. જુઓ પેલા વી.વી.આઇ.પીની લાઇન જ નથી, તે શહેરના એક પાર્ટીના પ્રમુખ નેતા અને તેમનું ફેમિલી છે, તેમને સીધા દાદાના દર્શન માટે લઇ જવાશે. છાપામાં ફોટાઓ તો જોતા હશો. શહેરમાં તોડફોડ અને બંધ જેવા બનાવો વખતે તેમની પાર્ટી બહુ જ આગળ પડતી હોય છે. આ ગણપતીનો ભંડોળ કેવી રીતે ઉભો કરાય છે ખબર છે ?” – નવો આગંતુક સાંભળતો રહ્યો-” થોડોક ખ્યાલ છે.” માથુ ખજવાળતા તે બોલ્યો – ” આ ગણપતી છે ને ! પેલો પ્રખ્યાત અંડરવર્ડ ડોન નથી ? સાલુ પોટ્ટી ? તેના માણસો કરે છે. અહીંથી સાત આઠ કીલોમિટર સુધીના એરીઆમાં તેની આણ છે, નાના મોટા બધાજ દુકાનદારો પાસે તેના માણસો હપ્તા ઉઘરાવે છે. ગણપતીનો ફાળો તો અલગ જ” આગંતુક કટાક્ષમાં બોલ્યો – “વાહ વાહ સરસ… ગણપતી બાપ્પા મોરીયા…”
આજે ગણપતી બાપાનું વિસર્જન છે. ભીડ એકઠી થતી જાય છે. રસ્તા પર ખીચો ખીચ ભીડ છે, બે ત્રણ આધેડ ઉમરની બાઇઓ એક બંધ દુકાનના ઓટલે ચડી આ બધો નજારો જોઇ રહી છે. ભીડમાં જવાની તેમની હિંમત નથી. તેઓ અંદરો અંદર ધીરે અવાજે વાતો કરી રહી છે. ” આ વખતે તો બાપ.. શાંતિ છે ! ગઇ વખતે ખબર છે ને ! સામેના મહેલ્લાના ગણપતી પહેલા નીકળે કે આ મહેલ્લાના તે બાબત ઝઘડો થયો હતો ! ચાકુ, છરી ઉડેલા ! પોલિસ આવી ત્યારે મામલો થાળે પડ્યો હતો ! ” બીજી બાઇએ ટહુકો પૂર્યો- ” અમારી ગલીના ગનુ કાળ્યાને લમણે નિશાન નથી ? હા..ઇ..બોલો તે દિવસનું જ છે, સામેની ગલીનો બંડ્યો નથી તેને ચાકુના ઘા ઝીંકેલા, પાચ મહીના જેલમાં હતો ! જુઓ જુઓ એ સામે જ ઉભો છે, નામ લીધુ ને શયતાન હાજર, છે ને નફકરો ! “
એક બાઇ બોલી ” જુઓ જુઓ આ બે ત્રણ છોકરીઓ ફિલ્મી સ્ટાઇલના કપડા પહેરી આમથી તેમ આંટાજ માર્યા કરે છે ! સામે ગલીના નાકે રોમિઓ જેવા લફંગાઓ નથી ઉભા ? તેમને ચાઇ કરીને ઉશ્કેરી રહી છે ! ” – બીજી બાઇ બોલી ” બાપ રે.. આજ કાલની છોકરીઓ છોકરાઓને સામેથી છેડતી કરે એવી હોય છે, ઇ બધીયું કાંઇ આપણી જેમ ભક્તિ ભાવથી થોડી આવીયું છે ? “
ત્રીજી બાઇ બોલી- ” સામે ઉભેલા એ બધા છોકરાઓ દારુ પીને આવેલા છે, હંમણા વિસર્જન નીકળશે એટલે તેઓ ગુલાલ ઉડાડશે, નાચશે, છોકરીઓની છેડતી કરશે, આગળ પેલો સફેદ સફેદ કપડામાં દાઢી વાળો કપાળમાં ટીલું તાણેલો નથી દેખાતો ! તે આ બધા છોકરાઓની ગેંગનો લીડર છે ! “ – એક બાઇ બોલી દેવા રે દેવા…. ધરમતો સાવ ખાડે જ ગયો છે, દારુ, નાચવું મારામારી… છી..છી. “
બે ત્રણ બુધ્ધીજીવીઓ પણ આ બધો તમાસો જોતા હતા, એક પીઢ માણસ બોલ્યો ” તમને આ આખી પ્રક્રિયામાં ધર્મ જેવું કંઇ દેખાય છે ? તમને એક વાત કહું ? ધર્મ જ્યારે વ્યક્તિ સુધી હોય છે ને ! તેને આધ્યામિકતા કહેવાય, જ્યારે પરિવારમાં ધર્મ હોય છે ત્યારે તે
સંસ્કારનું અને પ્રેમનું સિંચન કરે છે અને જ્યારે ધર્મ ગલીઓ અને રસ્તા ઉપર આવે છે ને ? ત્યારે આવા લફંગાઓ અને લુચ્ચા લોકોના હાથમાં જઇ પડે છે, તેઓ બધા સુત્રો પોતાને હાથ કરી લે છે. મારા તમારા જેવાનું કઇં ઉપજવાનું નથી ! ગમ્મે તેટલો બળાપો કરશો તોય કંઇ ચાલવાનું નથી, ચાલો હજી વિસર્જન નીકળતા નીકળતા એક બે કલાક નિકળી જશે. તોડફોડ્યા પક્ષના નેતા જ્યાં સુધી નહીં પધારે ત્યાં સુધી ગણપતી બાપા નહીં નીકળી શકે ! “ ચલો ત્યારે .. મોડુ થાય છે, હવે પુડચ્યા વર્ષી …ગણપતી બાપા.. મોર્યા…
બ્લોગ-૮૯
કડવી … પણ વાસ્તવિકતા.