અમારુ ગટુડુ એટલે મારો પૌત્ર આર્યન, હુલામણા નામે ગટુડુ કહીએ છીએ. નીવૃત્તી પછીની પ્રવૃત્તીના લિસ્ટમાં પૌત્ર સાથે સમય ગાળવાનું સામેલ હતું જ, પણ બ્લોગ લખવાની પ્રવૃત્તી ધીમી પડશે એવો ખ્યાલ ન હતો. હું આંકડા શાસ્ત્રની જંજાળમાં માનતો નથી, આર્યનનો જન્મ ૯-૯-૨૦૦૯, ટ્રિપલ ૯૯૯ છે, અત્યારે લગભગ સવા વર્ષનો છે, પણ ક્યારેક તેની ઉંમર કરતા વધારે પડતી અસામાન્ય હરકતો જોઉં છું ત્યારે આશ્ચર્ય થાય છે. પાપા પગલી પાડતો ઘરમા દોડે છે, વધારે સ્પીડ પકડે એટલે લડખડાય, પડે, પાછો ઉભો થાય. તેને રમવા માટે ઢગલો રમકડાં છે, પણ એકેય રમકડાને ભાવ નથી મળતો.ભાઇસાબને ટી.વી. નું રીમોટ, મોબાઇલ, પંખા અને લાઇટો ચાલુ કરવાની સ્વીચો, આ બધી જગ્યાએ હાથ મારવામાં જ રસ હોય છે, બહુ સાવચેત રહેવું પડે છે. ટેબલ ખુરશી પર જેવો લેપટોપ લઇને બેસું અને જો એણે જોઇ લીધું તો પત્યું, જોરથી ત્રાડ પાડતો હોય તેમ “એ..દાદા…” બુમ પાડી ને દોડતો આવે, ત્રાસવાદીની ઢબે ધરાહાર મારા ખોળામાં આવીને બેસી જાય, છુટકો જ નહીં, હજી દાદા, મામા જેવા શબ્દો બોલે છે, એક હાથે હું તેના બે હાથ જકડીને પકડી રાખું ત્યારે મેળ પડે નહીં તો કી-પેડ પર હાથ મારે અને એકાદ બટન ઉખાડીને મારા હાથમાં આપી દે. રીમોટ એ.સી.નું છે કે ટી.વી.નું તે બરાબર ઓળખે છે. ક્યું બટન દબાવવું એ ખબર નથી પડતી એટલે ગમે તે બટન દાંત કચકચાવીને દબાવે રાખે, કંઇ મેળ ન પડે એટલે ’ દાદા..દાદા” કરતો મને પકડાવે, એટલે મારી પાસે તે ચીજ ચાલુ કરાવે છુટકો કરે.
મારો પૌત્ર છે એટલે વખાણ કરવા નથી બેઠો પણ મારા દિકરા અને દિકરીના બાળપણ યાદ કરીને તે લોકોને કહું છું કે તમે આટલા સ્માર્ટ નહોતા ! એટલે મારો દિકરો પોતાનો બચાવ કરતા કહે છે ” પપ્પા નવી પેઢી સ્માર્ટ હોય જ ને ! અમે ટી.વી જોવા જેટલા સમજણા થયા ત્યાં સુધી રીમોટ જેવી ચીજ કે મોબાઇલ ક્યાં હતાં ? તમારી જ વાત કરો ને તમે કેટલા સ્માર્ટ હતા ? ” મારે હસતા હસતા ખોટો જવાબ આપવો પડે છે ” હવે કોને પુછીને તને પ્રુફ આપું ? અમે તો રમકડાં પુંઠાના કાતરથી કાપીને હાથે બનાવતા “ મને યાદ છે હું નવેક વર્ષનો હતો ત્યારે મેળા માંથી લીધેલો પ્લાસ્ટીકનો એક હાથી છેક હમણા સુધી મારા લીંબડીના ઘરમાંથી મળી આવ્યો હતો, ત્યારે ખબર નહી રમકડાની ઘણી જ કીંમત હતી, અત્યારે અમારા આર્યન માટે રમકડું લાવીએ છીએ તે એક બે દિવસમાં જ તેના માટે જુનું થઇ જાય છે.
એક વાત જરુર છે,આજના બાળકોની આંખોમાં વિસ્મયનું ખુબજ વિશાળ જગત ખુલી ગયું છે, જગતને જાણવાની ભારોભા્ર
ઉત્સકતા દેખાય છે. ક્યારેક લાગે છે કે અમારા બાળપણમાં અમે થોડાક ભોટ જેવા હતાં, અત્યારે ભલે જગત સાથે કદમ મિલાવીને ચાલીએ છીએ પણ લાગે છે કે પરાણે દોડવાનો શ્રમ પુર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ. ક્યારેક હું જુવાનીયાઓને બે હાથે મોબાઇલના કી બોર્ડ પર ઝડપથી એસ.એમ.એસ છાપતા જોઉં છું ત્યારે થોડાક પાછળ પડી જવાનો અહેસાસ થાય છે. નવી પેઢીને વિજ્ઞાને વિશાળ વિસ્મય જગત ખોલી દીધું છે. અમારા બાળપણમાં કુદરતના ખોળે ખેલવાનો ભરપુર લ્હાવો હતો. સમય અને ભણતર વિષે કોઇ ટેન્સન ન હતાં. મને યાદ છે અમે કલાકો સુધી શેરીમાં ક્રીકેટ રમી શકતાં, ક્રીકેટ રમતા રમતા એકાદ જણને કુદરતી હાજત લાગે એટલે ક્રીકેટના પાટિયા ઉખડી જતાં, અમારે સ્ટંપની જરુર નોતી પડતી, પછી બધા એક સાથે પાણીના ડબલા ભરીને નદી તરફ પ્રયાણ કરતાં. અને એય મજાના રમતા ગેલગપ્પા મારતા નદીની પેલે પાર વાડીઓમાં ફરતા ફરતા એક બે કલાકે ઘરે પાછા આવતાં. કોઇ ટેન્સન નહીં. મને યાદ છે મારા ક્લાસમાં ૮૦ કે ૯૦ ટકા લાવવા વાળા હોંશીયાર વિદ્યાર્થીઓ બે કે ત્રણ જ હતાં. પડોશી મિત્રની બા પણ પુછે તો એટલું જ પુછે ” દિનુ, પાસ થઇ ગયો ?, બસ બસ ભગવાનની દયા છે છોકરાઓ ભણે છે એટલે ઘણું ” કોઇ દિવસ કેટલા ટકા આવ્યા એવું પુછ્યું હોય તેવું યાદ નથી.
ખેર નવી પેઢીને ઘણી તડકી છાંયડી જોવાની છે. શીક્ષણમાં વધારેમાં વધારે ટકા લાવવા માટે ઝઝુમવાનું છે. આગળનું બાળપણ કેટલાય ટેન્સન સાથે વિતાવવાનું છે, કેરીયર બનાવવાની હોડમાં ઝંપલાવવાનું છે. આપણે તેમને વારસામાં સડીગયેલ અને ગદ્દાર નેતાઓ ભ્રષ્ટાચારી માણસો, દેશ દાઝ વગરની જનતા આ બધું આપીને જવાના છીએ. પ્રગતી જરુર છે પણ એ તો દોડતી ભીડમાં વગર મહેનતે જેમ દોડી જવાય તેવી છે. દુનિયાની પ્રગતી સાથે આપો આપ વગર મહેનતે મળતી રહે છે. બાકી તો ૧૯૮૨ માં અમેરીકા ટ્રેઇનીંગમાં ગયેલા ત્યારે તે વખતે મોલ અને વિશાળ ડીપાર્ટમેન્ટલ સ્ટોરો જોયા હતામ જે અહીંયા આવતા સહેજેય દશથી પંદર વર્ષ લાગી ગયા. ડ્રાઇવ-ઇન એ.ટી.એમ બુથ જોયેલા, કારમાં બેઠાં બેઠા જ ઓપરેટ કરી શકો, ભારતમાં મેં હજી ક્યાંય જોયું નથી. કહેવાનો મતલબ આપણી પ્રગતી ગોકળ ગાય જેવી છે.
ખેર આપણે ફક્ત નવી પેઢીને જિંદગીમાં ઝઝુમવાની સાચી સમજ અને શક્તિ મળે અને દેશની જનતાનું માનસ રાષ્ટ્રના ઉત્કર્ષમાટે વળે અને નવી પેઢી ક્ષેમકુશળ જિંદગીમાં પગલામ માંડી શકે એવી શુભેચ્છાઓ આપી શકીએ.
બ્લોગ-૯૦
Now I realize why the blogging was slow. Enjoy your time with grandchild and put down such observations whenever you have time.
હવે તો તમારો ગટુડોય બ્લોગ લખવા તૈયાર થઈ ગયો હશે …