
અણ્ણા હાજારેને સો સો સલામ, એક ચીનગારી ફૂંકી અને કમસે કમ લોકોમાં ભ્રષ્ટાચાર સામે ઉભા થવાની જાગૃતી તો આણી. પણ જે ઉન્માદ ક્રીકેટના વર્લ્ડ-કપ જીત્યાનો હતો તેવો ઉન્માદ દેખાડીને ટી.વી. કેમેરા સામે થોડુંક નાચીને ઘર ભેગા થઇ જવાથી આ વાતમાં નહી ચાલે. એક એક માણસે અ્ણ્ણા હજારે બનવું પડશે, કારણ કેભ્રષ્ટાચારી કીડો ઉધઇની જેમ એકે એક શહેરમાં એક એક ગલીએ ગલીએ દર કરીને બેઠો છે. મારા વિસ્તારમાં તો હું ઢગલા બંધ ભ્રષ્ટાચારી અને રાજકારણીઓના બેનરો લાગેલા જોઉં છું. ગણેશ મહોત્સવ હોય કે નવરાત્રી, ” ભક્તોને અભિનંદન “, જરખની જેમ ખંધુ હસતા હસતા હીરોની જેમ ફોટા પડાવી મોટી સાઇઝના બેનરો લગાવડાવે છે. કંઇ ન હોય તો વાઢ-દિવસ ( જન્મ-દિવસ )ના બહાને, કોઇ પણ બહાનું આ લોકો જતું નથી કરતા. રોજ એના એજ ખંધા અને ગંદા ભ્રષ્ટાચારી રાજકારણીઓના ફોટા જોઇને એક પ્રકારની ધ્રણા પેદા થયા કર છે. પણ લાચાર…….
આ પહેલા મેં એક વાર બ્લોગમાં ફિલ્મ ’ રંગ દે બસંતી ’ વિષે લખેલું, કે ન જોઇ હોય તો એક વાર જરુર જો જો, આ ફિલ્મ વિષે શ્રી જય વસાવડાના એક લેખમાં વાંચેલું - ફિલ્મના લેખક શ્રી કમલેશ પાંડેને પુછવામાં આવ્યુ કે આ ફિલ્મની વાર્તાના વિચારનું મૂળ ઉદભવ સ્થાન ક્યું ? ત્યારે તેમણે જે વાત કહી તે, તીરની જેમ હૃદયમાં ચુભે તેવી છે. તેમણે કહ્યું કે ’” અમે જ્યારે નાના હતાં ત્યારે એક વાર વડા પ્રધાન પંડીત જવાહર લાલ નહેરુનું જોરદાર ભાષણ સાંભળેલું કે ભ્રષ્ટાચારીઓને વીણી વીણીને ઇલેક્ટ્રીકના થાંભલે લટકાવી દેવામાં આવશે ! બાળ સહજ કુતુહલ હતું, રોજ નીશાળેથી ઘરે જતાં જતાં ઇલેક્ટ્રીકના થાંભલાઓ જોયા કરતાં, પંડીત જવાહરલાલ પછીની ચાર ચાર પેઢીઓ વિતી ગઈ, હજી સુધી એક પણ ભ્રષ્ટાચારીને થાંભલે લટકાવેલો જોયો નથી.
અણ્ણા હજારેજી અને આપણે બધાએ વિચારવાનું છે કે, હવે તો જેટલા ઇલેક્ટ્રીકના થાંભલા છે એટલા દેશમાં ભ્રષ્ટાચારીઓ છે, ગલીએ
ગલીએ અને શહેરે શહેરે, ગટરમાં કીડા ખદબદે તેમ આખા દેશમાં ખદબદી રહ્યા છે , રાજકારણીઓ,પોલિસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, રાજકારણીઓએ પોષીને વકરાવેલા ગામના લુખ્ખા ગુંડાઓ, લીસ્ટ ઘણું લાંબુ થાય તેમ છે. કદાચ ઇલેક્ટ્રીકના થાંભલા ઓછા પડશે.
અણ્ણા હજારે એક લડાયક મિજાજના સૈનીક છે, પંદર વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવી ચુકેલા છે. ૧૯૬૩ માં ભારત સરકારની યુવાનોને સેનામાં જોડાવાની હાકલ હતી અને અણ્ણાજી તેને પોતાની ફરજ સમજી અને સેનામાં જોડાઇ ગયાં. સિક્કીમ, આસામ, ભુતાન, મીઝોરામ, લડાખ આ બધીજ સરહદો પર તેમનું પોસ્ટીંગ થયેલું હતું. સરહદ પરનાં દુશ્મનો સામે લડવું સહેલું છે, સામો આવે તો ગોળી ધરબી દેવાય, આ તો દેશની અંદર રહેલા દુશ્મનો છે, એકલા અણ્ણા હજારેથી નહીં ચાલે, એકે એક નાગરીકે અણ્ણા હજારે બનવું પડશે. આપણે એ દિવસની રાહ જોઇએ કે ક્યારેક તો ઇલેક્ટ્રીકના થાંભલે એકાદ ભ્રષ્ટાચારીને લટકાવવામાં આવે ! ( જો માનવ અધિકાર પંચ આડું ન આવે તો )
બ્લોગ-૯૨

ભ્રષ્ટાચાર નાબૂદ કરવો એટલો સહેલો નથી એનું કારણ આપણને શોર્ટકટ પસંદ પડી ગયો છે. અમેરિકામાં લાંચ ઓછી કે નહિવત છે એનું કારણ કામ જલ્દી પતે છે. ભારતમાં કામ જલ્દી ન થાય એટલે લાંચ આપવી પડે છે. જો સરકાર પોતે જ વધુ પૈસા લઈને અમુક સમયમર્યાદામાં કામ કરે એવી વ્યવસ્થા કરે તો લોકો ઓફિસીયલી પૈસા આપશે, સરકારને ફાયદો થશે, કાર્યદક્ષતા વધશે…ભ્રષ્ટાચાર કાળા નાણાંને જન્મ આપે છે અને પછી એ ભોરિંગ બની આપણને સતત ડસતો રહે છે. જેમની લાયકાત નથી એવા લોકો પૈસાના જોરે સમાજને ચલાવે છે. એથી સરકારે એ વિશે વિચારવાની જરૂર છે .. રેલ્વે સ્ટેશન પર કુલી પૈસા લઈને સીટ અપાવે એના કરતાં સરકાર જ તત્કાલની સુવિધા કરી સીટ આપે તો લોકોને ગમે છે. એવું જ દરેક ક્ષેત્રમાં વિચારવાની તાતી જરૂર છે.