મારા એક મિત્ર હમણાં જ યુરોપની પેકેજ ટુર મારીને આવ્યા, એટલે મને થયું કે ચાલો તેમને મળી આવું. એકાદ કલાક ખપાવીશ તેમ વિચારી સારો એવો સમય કાઢીને તેમને મળવા ગયો.
” કેમ છો ? પ્રવિણ ભાઇ ! કેવી રહી યુરોપની ટૂર ?” ( મજાકમાં અમે તેમને પોપટ ભાઇ કહેતા ) એટલે તેમણે કહ્યું ” કેમ આજે મને પોપટ ભાઇ કહીને ન બોલાવ્યો ? ” મે કહ્યું ” હવે તમને પોપટ ભાઇ થોડા કહેવાય ? યુરોપની ટૂર કરીને આવ્યા છો ને ! એ બધુ જવાદો કેવી રહી ટૂર ?”
” સાહેબ બહુ મજા આવી વાત ન પૂછો ! યુરોપ એટલે યુરોપ ! ” અચ્છા મે કહ્યું ” સ્વિત્ઝર્લેન્ડ કેમ રહ્યું ? “ — ” હા બહુ મજા આવી પેલો જબ્બરજસ્ત વોટર-ફોલ “ - એટલે મે કહ્યું ” રાઇન ફોલ્સ “ - ” હા, હા બરાબર રાઇન ફોલ્સ, જબરજસ્ત ! ” –મે કહ્યું ” ઝુરિક નજીક આવેલા શાફ્હાઉસનમાં રાઇન ફોલ આવેલો છે. આ વોટર ફોલને યુરોપનો નાયગ્રા ફોલ કહેવામાં આવે છે. સ્વિત્ઝરલેન્ડની આ ખુબ સુંદર જગ્યા છે, આલ્પ્સ પર્વત માળામાંથી નીકળી આ રાઇન નદી આગળ જતાં જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડ થઈને નોર્થ સીને મળે છે “
પ્રવિણ ભાઇ પોપટની જેમ મારી સામે મોઢું વકાસીને જોઇ રહ્યાં. મને કહે - ” યાર તમે આ બધું ક્યારે ફરી આવ્યા, તે આટલી બધી વિગત વાર મહીતી આપો છો ! “ મે કહ્યું જાવાદો – પ્રવિણ ભાઇ, પેરિસમાં એફિલ ટાવર તો જોયો જ હશે ? “ - ” યાર કેવી વાત કરો છો, પેરિસ તેના માટે તો પ્રખ્યાત છે “ - મે કહ્યું- “ દિવસ કરતાં રાત્રે થતો લાઇટ-શો જોવા જેવો હોય છે. પ્રવાસીઓ નાં ટોળા આ શો શરુ થતાં પહેલાજ હજારોની સંખ્યામાં ગોઠવાઇ જાય છે. ૧૮૮૯ માં ફ્રાન્સમાં યોજાયેલા એક વર્લ્ડ ફેરના ઉદઘાટ્ન માટે બનાવવામાં આવેલો એફિલ ટાવર પછી પેરિસની આંતરરાષ્ટ્રીય આઇડેન્ટિટી બની ગયો. ટાવરના સર્જક ગુસ્તાવ એફિલે આ ટાવર બાંધવાનો પ્રસ્તાવ પહેલાં બાર્સિલોના શહેરમાં મૂક્યો હતો. “
પ્રવિણ ભાઇ ફાટી આંખે મને જોઇ રહ્યાં- મને કહ્યું ” યાર તમે મારું નામ પોપટ ભાઇ રાખ્યું છે તે બરાબર લાગે છે, તમે ક્યારે યુરોપ ફરીઆવ્યા અને આટલી બધી માહિતી ક્યાંથી મેળવી છે એતો કહો ?” મેં કહ્યું - ” પ્રવિણ ભાઇ હવે મારી હિંમત નથી ચાલતી તમને પુછવાની કે લુવરે મ્યુઝીયમમાં ૧૬ મી સદિથી મોનાલીસાનું પ્રખ્યાત પેઇન્ટીંગ રાખવામાં આવેલું છે તે તમે જોયું ?” - પ્રવિણ ભાઇ હવે તો એક દમ અવાચક થઇ ગયા. મે કહ્યું ” ઓ ભાઇ…..આ બાજુ જુઓ જરા.. બની ગયાને પોપટ ? સાચું કહું તો યુરોપની જાણકારી માટે હું પણ તમારી જેવો જ પોપટ છું, કારણ કે હું ક્યારેય યુરોપ ગયો નથી કે નથી જવા માટે આવતા બે વર્ષમાં કોઇ પ્લાન “ - તો, તો પછી આ બધું ગગડાવે જતાં હતાં એ શું ? “
” હા એ બધું એકસો એક ટકા સાચું , મારા મિત્ર થાનકીની દીકરી પ્રતીક્ષા છેલ્લા ત્રણેક વર્ષથી જર્મનીમાં છે, કારણ કે તેના મિસ્ટર કુમારને ’ઇન્ફોસીસ’ તરફથી ત્યાં પ્રોજેક્ટ માટે મોકલવામાં આવેલ છે. જ્યારે જ્યારે રજાઓની અનુકુળતા મળે છે ત્યારે તેઓ યુરોપનો પ્રવાસ ખેડે છે. પ્રતીક્ષાએ ખુબ જ હોમવર્ક કરી અને ઇન્ટરનેટ મારફતે માહિતીઓ એકઠી કરી પ્રવાસ પ્લાન કરેલા છે અને કલકત્તાથી પ્રગટ થતાં “હલચલ ” જુથના પાક્ષીક ’” સાંવરી” માં યુરોપનાં પ્રવાસ વર્ણનની લેખમાળા ચાલુ કરી હતી જેનું સંકલન ” યુરોપમાં હરતાં ફરતાં “ પુસ્તક સ્વરુપે આજે મારી સામે છે.
બીજું એ કે, મેં જે યુરોપ વિષે ઉપર ગગડાવે રાખ્યું એ તો ૨૪૦ પાનાનાં પુસ્તકમાંથી ખાલી ગોખેલી બે ત્રણ લાઇનો જ છે. વિચાર કરી લો, ૨૪૦ પાનામાં આ પ્રવાસ વર્ણનમાં શું શું માહિતીઓ નહી હોય.
માફ કરજો ઉપર લખેલી પ્રવિણ ભાઇની વાર્તા ઉપજાવી કાઢેલી છે, કારણ કે આ પુસ્તકની ભૂમિકા બાંધવા આ સિવાય બીજો કોઇ સારો ઉપાય સુઝ્યો નહીં. યુરોપ ન જવું હોય અને ઘરે બેઠા પ્રવાસની મજા માણવી હોય તો આ પુસ્તક વાંચી જજો અને જવાના હોય તો તો જરુર વાંચજો, જેથી તમે પેકેજ ટૂરના ઓપરેટરોની સહાય વગર તમારી રીતે જ પ્રવાસ ગોઠવવાને સક્ષમ બની જશો અને પેકેજ ટૂરના ગણ્યા ગાંઠ્યા લીસ્ટને ચાતરીને યુરોપનો પ્રવાસ આનંદ દાયક, અર્થ સભર અને માહિતીપૂર્ણ બનાવી શકશો, આ મારી ખાત્રી છે.
એક વાર ચંદ્રીકા ભાભીએ વાત કરી હતી. જ્યારે સ્વિટી ( પ્રતીક્ષા ) ત્રણેક વર્ષની હતી. અમદાવાદથી પોરબંદર બસમાં જતાં હતાં અને બસને નાનકડો અકસ્માત નડ્યો હતો. ઉપરની રેક પરથી સામાન નીચે પડી ગયો હતો, નસીબ જોગે કોઇને વાગ્યું ન હતું. ત્યારે બાળ સહજ કુતુહલથી સ્વિટીએ ( પ્રતીક્ષા ) પૂછ્યું , ” મમ્મ્મી શું થયું ? ” એ્ટલે મેં કહ્યું સ્વિટી આને એક્સીડેન્ટ થયો કહેવાય .” સાત- આઠ મહીના પછી ફરી પોરબંદર જવાનું થયું ત્યારે સ્વિટી વારે ઘડીએ પૂછ પૂછ કરતી હતી, ” મમ્મી એક્સીડન્ટ કેમ નથી થતો ? “
આ હતી તેની પ્રવાસની જીજ્ઞાસા… પ્રવાસ તેનો નાનપણથી જ હોબી છે એવું લાગે છે. ફિલ્મ “તીસરી કસમ ” ના પેલા ગીતની જેમ -’ ઉડ ઉડ બૈઠી હલવૈયા દુકનવા.. હલવા કે સબ રસ લે લીયો રે પીંજરે વાલી મુનીયાં… “ . મે તો પુસ્તક વાંચ્યું છે, જે જે જગ્યાએ તેણે પ્રવાસ કર્યો છે તે તે જગ્યા વિષેની સાહિત્યીક, સામાજીક, ઐતીહાસીક, કુદરતી સૌદર્ય હોય કે પછી કલા, ત્યાનાં લોકોનાં મીજાજ હોય કે આર્કીટેક્ચરલ વિષય, માહિતી મેળવવામાં અને આપવામાં કોઇ કસર નથી છોડી અને તે બધી માહિતી રસપ્રદ રીતે પુસ્તકમાં રજુ કરી છે.
થોડુક કુમાર વિષે (પ્રતીક્ષાના હસબન્ડ ). પુસ્તક વાંચતાં એવું લાગ્યું જાણે આ પુસ્તક લખવાના આખાય પ્રયાસમાં કુમાર મિ. ઈન્ડીયાની જેમ અદ્રશ્ય રહીને પ્રતીક્ષા માટે બધું ઇન્ફ્રાસ્ટ્રકચર જાણે તૈયાર કરીને અદ્રશ્ય હાજરી આપતા રહે છે. પ્રતીક્ષાને ભૂખ લાગે ત્યારે મિ. ઇન્ડીયાની ઢબે જ અચાનક દ્રશ્યમાન થાય છે. પછી સારી હોટ-ચોકલેટ, સ્પેગિટી કે પછી સીન્ટ્રાની ચીઝ કેક ક્યાં મળશે તેની માહિતી તૈયાર જ રાખે છે. થોડાક સારા ફોટો-સ્નેપ લે છે અને વળી પાછા અદ્રશ્ય. (આ પુસ્તક પ્રતીક્ષાએ તેમને જ અર્પણ કરેલ છે )
જર્મનીની “U” બહાન “S” બહાન પ્રકારની ટ્રામ વ્યવસ્થા, અંગ્રેજી ન બોલવાના દુરાગ્રહી જર્મનો, લીસ્બનની ક્રિસમસ તૈયારીઓ, અંગ્રેજી ન સમજતા પોર્ટુગીઝ ટેક્ષી ડ્રાઇવરો, પોર્ટુગલનાં જુદા જુદા શહેરોમાંથી દેખાતા એટલાન્ટીક મહાસાગારના જુદા જુદા સ્વરુપો, પોર્ટુગલનું બેલેમ ’એજ ઓફ ડીસ્કવરીનું “ પ્રતિક, જ્યાંથી વાસ્કો-દ-ગામા ભારતની શોધમાં નીકળ્યો હતો. યુરોનીમસ મોનાસ્ટ્રી જેના પ્રવેશ દ્વાર પર વાસ્કો-દ-ગામાની કબર છે, લીસ્બનની ૨૭૦ ફુટ ઉંચા પેડેસ્ટલ પર ૯૦ ફુટ ઉંચી ક્રાઇસ્ટ્ની પ્રતિમા, ભારતની યાદ અપાવે તેવી રોમની ટ્રાફીક અરાજકતા, રોમનું કોલેસીયમ જ્યાં એક જમાનામાં ’ગ્લેડીયેટરો’ ના મુકાબલા અને રોમન પ્રજાના મનોરંજન માટે જીવ સટોસટનાં ખેલોનું આયોજન થતું, વેટીકનનો સેન્ટ-પીટર્સ બાસીલીકાનો માઇકલ એન્જેલોએ બનાવેલો ૧૨૦ મીટરનો ડોમ, ૩.૨ કીલો મીટર વ્યાસ ધરાવતો દુનિયાનો સૌથી નાનો દેશ વેટીકન, ૧૫૦૮ થી ૧૫૨૨ વચ્ચે બનાવેલા માઇકલ એન્જેલોનાં અદભૂત ચિત્રો, ફ્લોરેન્સ નાઇંટીંગેલનું ફ્લોરેન્સ, મધ્ય યુગના ઇટાલિયન ભાષાનાં પિતામહ તરીકે ઓળખાતાં દાન્તેની કબર, ગેલેલિયોની કબર, કેનાલો અને ગોન્ડોલાનું વેનિસ, રિયાલ્ટો બ્રીજ, શેક્સપિયરની યાદો ” મર્ચન્ટ ઓફ વેનિસ “, હાઇડલનો ફિલોસોફર રોડ, ગ્રીક ટાપુઓ, ગ્રીસ, એરીસ્ટોટાલની થીયરીઓ, ત્રણ દેશો સાથે જોડાયેલું ’લેક કોન્સ્ટાન્સ’ મ્યુનીકનાં કોન્સટ્રેશન કેમ્પો…..અદભૂત.. અદભૂત….
ચંદ્રકાન્ત બક્ષીની “અમેરીકા અમીરીકા” વાંચ્યા પછી આટલું સરસ માહિતી સભર પ્રવાસ વર્ણનનું પુસ્તક ઘણા સમયે વાંચ્યું. અદભૂત…
બ્લોગ-૯૩
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ