Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2008

ઘડપણ આમતો બહું અણગમતુ  લાગતું હોય છે. કોને ગમે ? યુવાનીમાં ખુબ સિધ્ધીઓ મેળવી હોય, દુનિયા સાથે સંબધો વધારીને નામ કામ અને શાન મેળવ્યા હોય, તો પછી રોજની આપાધાપી પણ ખુબ જ કરી હોય ! ઘણુ મેળવ્યું છે તેમ લાગે. નિવૃત જીવન ક્યારેક સમસ્યા પણ લાગે ! મને તો ઘણી વાર એમ થાય છે કે મેળવ્યાની સામે જિંદગીની ઘણી માણવા sky-2જેવી પળો ગુમાવી છે. કોઇ શાંત અને સાફસુથરા દરિયા કિનારે ઉભા રહો ! નીલા રંગનું હીરાના નંગ જેવું દરિયાનું પાણી, મોજાનો લયબધ્ધ ઘુઘવાટ, એકાદ દરિયાઇ પંખીનું ચહકાટ સાથે માથા ઉપરથી ઉડવું, શહેરથી દૂર ક્યાંક ઘોર અંધારી રાત્રિનું ઘટાટોપ આકાશ, કરોડો તારલાઓનો ઝગમગાટ, દુધ જેવી આકાશગંગા, એમ લાગે કે શહેરના આકાશમાં ક્યારેય જોવા જ નથી મળ્યું ! હરીયાળા ખેતરો, પવનની શિતળ લહેરખીઓનો સ્પર્શ, ખળખળ વહેતા ઝરણાઓ,  જિંદગીમાં ઘણું બધું ખોયુ હોય એવું લાગ્યા કરે ! નિવૃતી પણ આશિર્વાદ રુપ નીવડે, જો ક્ષણોને માણવાની કળા જીવનમાં મળી હોય તો ! આવી નજર તો કોઇ કવિ જ આપી શકે. સુક્ષ્મથી વિરાટને જોડવાની આ કલ્પનાતો જુઓ ! શ્રી સુરેશ દલાલની આ કાવ્ય પંક્તિઓ નિજાનંદમાં ડૂબાડી દે તેવી છે.sky-1

ઘાંસમાં પતંગીયું પોઢ્યું હતું,

એણે આખા આકાશને ઓઢ્યું હતું !

જળમાં દીવો તરતો હતો,

જાણે તારાની સાથે ફરતો હતો !

આખા આકાશનો ફોટો લઇ,

દરિયો ડૂબી ગયો પરપોટો થઇ !

 

ભગવતી કુમાર પાઠકની ઘડપણ ઉપર બે કવિતાઓ

વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?

રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !

 ચોકઠું ચડાવી શીંગ ખાશો, પણ રાજ, તમે આખાં તે વેણ કેમ બોલશો ?

 થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ, વેણીને કેમ કરી ખોલશો ?

દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયોને, કોઇ મુગ્ધા બોલાવે કહી ’કાકો’ !…….વાળને.

તડકામાં ઢોલાજી, બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !

સાંભળવા ઇચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું,

મિચકારો મારો  તો પાણી ઝરે ને,  રાજ, પડછાયો સાવ પડે વાંકો.   ….. વાળને.

 તસતસતા પેન્ટ દઇ વાસણ ખરીદો અને, ધોતીયું કે લુંગી લો ચડાવી,

સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી,

ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.  ………વાળને.

 

 

અંદરજી રોજ રોજ શમણે આવીને, એવા આપે છે અણગમતા જાસા !

ચરણો કહેતાં કે પગ રાંટા પડે ને,  થયા ગરદનના મણકાઓ ત્રાંસા !

 

સરહદ લોપાણી છે મસ્તક-કપાળની, ને વાળના છે એક બેક ગુછ્છા !

મોઢામાં બેક રહ્યાં બાકી મહેમાન, વળે ભોજનના અંદરથી કૂચ્ચા !

 

રાતભર દોમદોમ ઊંઘ્યા હો તોય, તમે ખુરશીમાં ખાતા બગાસા .

જીવતરનો ખેલ કેમ ખાલી ગયો છે, એનો અંદરજી પાડે છે ફોડ,

ઢાળી ચોપાટ તમે વહેલેરી વા’લમા, રહ્યાં છો તો યે નતોડ,

ગળપણ વિના ય ભલા ગળચટ્ટા લાગતા, મનના પકાવો પતાસા.

અંદરજી રોજ આપે….. અણગમતા જાસા…

 

જીવન માણવાની કળા શિખવી કે રોજ રોજ ઘડપણના જાસા સાંભળીને ક્ષણો ખોવી એ નક્કી કરવાનું રહે !!!!!!!!!!!!!!!

Read Full Post »

manav-sankal1

મુંબઇ ઉપર આતંકવાદી હુમલો થયો તેના વિરૂધ્ધમાં એકતા બતાવવા અને આતંકવાદીઓને જાણ થાય કે તમારી કોઇપણ મેલી મુરાદોને અમે સફળ થવા નહીં દઇએ તે માટે વિરાટ માનવ મેદનીએ મળીને એકતાના પ્રતિક રુપે વિરાટ માનવ સાંકળ રચી અને દેશભક્તીની અતૂટ ભાવના વ્યક્ત કરી. ફિલ્મ જગતની જાણીતી વ્યક્તીઓ તેમજ અન્ય આગળ પડતી વ્યક્તિઓએ આતંકવાદ સામે એક્જૂટ થઇને લડવાના સપથ લીધા. જોવાની ખુબી તો એ છે કે, આતંકના આ આખાય તાંડવમાં ભાગલાવાદી, ભાષાવાદી, પ્રાંતવાદી અને કાયમ મોકાનો લાભ લઇ અને વેરઝેર અને નફરત ફેલાવવા સિવાય બીજું કંઇ જેમને સુઝતું જ નથી તેવા નેતાઓ કાચબાની જેમ કાયા સંકોરીને ક્યાં ગરક થઈ ગયા, ખબર ન પડી ! તે દિવસે માનવ સાંકળ બનીને ઉભેલો એક એક વ્યક્તિ ભારતીય હતો. ન ગુજરાતી, ન બિહારી, ન ઉત્તર પ્રદેશ કે ન મહારાષ્ટ્રનો ! મારામાં રહેલી દેશદાઝને લીધે ગદ્ગદ થઇને ગર્વથી છાતી ફુલાવીને આ દ્રશ્ય મેં જોયા કર્યું, પણ સાથે સાથે ચિંતા પણ થઇ. દેશમાં સાપની જેમ ઝેર ઓકતા, કાયમ એકતાને તોડતા, ભાષાવાદી, પ્રાંતવાદી નેતાઓ આ સાંકળ જરુર તોડશે. મોકો મળતા જ ગમ્મે ત્યારે આ ઝેરીલા સાંપો દરમાંથી બહાર આવશે.આતંકવાદીઓનું અડધુ કામ તો આવા નેતાઓ જ કરે છે. આતંકવાદીઓ કે દેશના દુશ્મનો અને આવા ભાગલાવાદી નેતાઓના કૂળ એક જ છે. તેમને જો ઉચકીને ફરશો તો આ માનવ સાંકળ તૂટતા વાર નહી લાગે

manav-sankal-2

ટી.વી. ઉપર રામદેવ મહરાજનો કોઇ ઇન્ટરવ્યુ લઇ રહ્યું હતું, તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે તો યોગ ગુરૂ છો, દેશની સમસ્યાઓ  ઉપર શામાટે ટીપ્પણીઓ આપો છો ? તેમનો જવાબ હતો આ દેશ મારો દેશ છે ! એકલા નેતાઓનો નથી, દેશદ્રોહને લગતી કોઇ પણ બાબત હોય, દરેક દેશભક્તે બોલવું જોઇએ, જે તમાશો સમજીને ચુપ રહે તે પણ દેશદ્રોહી જ છે.

manav-sankal-1

૧૨-ડિસેમ્બરના દૈનીકમાં એક અંગ્રેજી મેગેઝીનને પાકીસ્તાનની કટ્ટરવાદી સંસ્થા જમાત-ઉદ-દાવાના વડા પ્રોફેસર હાફીઝ મોહમ્મદ સઇદેનો આપેલો ઇન્ટરવ્યુ વાંચ્યો, ૧૯૯૧ માં આજ માણસે લશ્કર-એ-તોઇબાની સ્થાપના કરી હતી. ત્યારે આ માણસે કહેલું  ” હું હિન્દુસ્તાનના ટુકડે ટુકાડા કરવાનો સંકલ્પ જાહેર કરું છું, અને જ્યાં સુધી પાકિસ્તાનમાં ભળી ન જાય ત્યાં સુધી જંપીને નહી બેસુ  ”

 મને કહેવાનું મન થાય છે કે ભાઇ, અમારા નેતાઓ જ તારું  આ કામ પુરુ કરી આપશે ! અમારા નેતાઓ ચીક્કી પર ચાસ પાડે તેમ દેશની માનસીકતા ઉપર ચાસ પાડવાનું કામ ચાલુ જ રાખે છે. પછી ચિક્કીના ટુકડા કરવા કેટલા આસાન બની જાય છે ? અમે અમારા જ દેશમાં પરપ્રાંતિ, પરભાષી છીએ , મનુવાદી છીએ, એકતાને તોડવાના બીજા કેટ કેટલા  દાખલા જોઇએ છે, હાફીઝ મોહમ્મદ સઇદ ભાઇ ?  અમે તો શહીદોના ફોટા લગાડતા પહેલા પણ આ વાતનો વિચાર કરીએ છીએ કે તે ક્યા પ્રાંતનો છે !

manav-sankal-3

આપણા દેશને આવા નેતાઓનો ખતરો આતંકવાદીઓથી જરાય ઓછો નથી !  આ નેતાઓથી બચવા ભાવના, ભાવુકતા, ગર્વ , અતિ ગર્વ આ બધાનું મનોવિજ્ઞાન  સમજી લઇએ.

એક દરિયો સાવ ખાલી , જાળ એમાં નાખશે તો ?

આ નગર છે સાવ ઘેલું , એ હકીકત જાણશે તો ?

કઇ ગલીમાં પેસશે તે, લાગણી વેંચાવશે  તો  ?

માંદગી તો માંદગી છે, મોત સામે નાચશે તો ?

આ લુચ્ચા અને નફ્ફટ નેતાઓ આપણી કઇ કમજોરીનો લાભ લે છે ? ભાવના અને ભાવુકતાનું મનોવિજ્ઞાન,બૌધ્ધીકતા અને ભાવુકતાના સમીકરણો, આ બધુ આપણે નથી સમજતા ! બહુ પાતળી ભેદ રેખાઓ છે,જે આપણે ક્યારે ઓળંગી જઇએ છીએ આપણને ખબર નથી પડતી, પણ આ નફ્ફટ નેતાઓ આ મનોવિજ્ઞાનનું સમીકરણ બરાબર જાણે છે. ભાવના ઘણી ઉંચી બાબત છે, ભાવુકતા પેટ્રોલ જેવી છે, પેટ્રોલ ગતિ તો આપે જ છે, પણ જો કોઇ સળગતી કાંડી નાખી દે તો ભડકો થતા વાર ન લાગે ! અંત:કરણ એટલે ભાવુકતાનું કારખાનું, આ અંત:કરણ By Default મળેલું હોય છે. By Default નો શબ્દસ: અર્થ થાય  Because of lack of an alternative. યોગ સંયોગ જે આપણા હાથમા નથી. મારો જન્મ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશ કે બિહારમાં થાય તે મારા હાથમાં નથી, હું કઇ ભાષા બોલનારા વચ્ચે જન્મ્યો તે મારા હાથમાં નથી, હું કઇ જાતીમાં પેદા થયો તે પણ મારા હાથમાં નથી, અંત:કરણ અને ભાવુક્તા આ બાબતો સાથે જ જોડાયેલી છે. કોઇ પણ જાતી, પ્રદેશ કે ભાષાનો ગર્વ લેવો સારી વાત છે, પણ અતિ-ગર્વ લેવો વિનાશક છે. સ્વાભિમાન હોવું સારું છે પણ અભિમાન વિનાશક નીવડી શકે ! અને પછી ઘમંડ પછી અલગવાદીતા, નફરત આ બધું લાઇન લગાવીને ઉભું જ હોય છે. આ ભાવના અને ભાવુકતા, સ્વાભિમાન અને અભિમાન, ગર્વ અને અતિ-ગર્વની પાતળી ભેદરેખાઓ બૌધ્ધિકતાથી સમજીને પોતાનો નિર્ણય પોતે લેતા શીખવું પડશે. ભાવના સાથે બુધ્ધિમત્તાની દોસ્તી કરાવવી પડશે ! નહીં તો તમારી ભાવનાનું અપહરણ કરવા આ બાજ અને સાંપ જેવા નેતાઓ ટાંપિને બેઠા જ છે. માનવ સાંકળ ફક્ત ભારતીય બનીને જ મજબુત રીતે પકડીશું તેવી પ્રતિજ્ઞા લઇએ  .

હું અરિસા વ્હેંચવા તો નીકળ્યો,  પત્થરો આડા ફરે તો શું કરું ?

બે ય હાથે મેં સમેટ્યું સુખને, આખરે કંઇ ના બચે તો શું કરું ?

Read Full Post »

આગળના બ્લોગમાં ચોરવાડના શ્રી ભગવતી કુમાર પાઠકનો પરિચય અને તેમની ચોરવાડ પર લખેલી એક કવિતા મુકેલી , દ્વારકામાં તેઓ શારદા પીઠ કોલેજમાં પ્રોફેસર અને છેલ્લે પ્રિન્સીપાલ હતા. અત્યારે નિવૃત છે અને ચોરવાડમાં જ છે.  આ કવિ જીવ  દ્વારીકાને આપણી સમક્ષ મુકે નહિં એવું કેમ બને ! દ્વારીકા તો અમસ્તીએ આપણામાં વસેલી છે, આપણે શું ! આખ્ખા ભારતના હ્રદયમાં વસેલી છે. કૃષ્ણ પણ જાણે યુધ્ધોથી પરવારીને ગીતાનો મહા ઉપદેશ આપીને જાણે કેમ નિવૃત જીવન ગાળવા માટે ગુજરાતની દ્વારીકા પસંદ કરી હોય એવું નથી લાગતું ? કે પછી સુદામાની મિત્રતા યાદ આવી ગઇ હોય ! આપણે પણ આપણા મિત્રોને નથી કહેતા ? કે, બસ રિટાયરમેન્ટ પછી દેશમાં બધા મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે આવી જવું છે ?

dwarka-1દ્વારીકા, સુદામાના મિત્રની દ્વારીકા, સોનાની દ્વારીકા, મીરાની દ્વારીકા કે પછી ભાનભૂલીને છાકટા થયેલા યાદવોની દ્વારીકા, પાણીમાં ગરક થયેલી  દ્વારીકા, પુરાતત્વ ખાતાનાં ડુબકી મારોની દ્વારીકા કે પછી કૃષ્ણના વિષાદની દ્વારીકા, દ્વારીકામાં આવીને કૃષ્ણને રાધા ,ગોકુળ અને ગોપીઓ યાદ આવતી. આપણા ભગવતી કુમારે દ્વારકા માણી છે, દ્વારકાને જીવ્યા છે, દ્વારીકાને પોતીકી સમજીને મનના ભાવો કાવ્યમાં ઉતાર્યા છે. હાલની દ્વારકાના હાલ જોઇ આપણા ભગવતી કુમાર પાઠકને મનમાં ઘણો ખેદ છે અને થોડો ઉચાટ પણ.

 

 

દ્વારકા, વારતા, 

 જીર્ણની વારતા, નવ્યની વારતા.dwarka-2

તાંદુલી ચીંથરા, શ્વાસની હૂંડીઓ,

સાંકડી, શ્વાસતી, હાંફતી, શાપતી ;

એકદંડા અડોઅડ મકાનોવતી,

ચૂમતી ને ચૂમાતી રહે ;

ચિત્ર પ્રત્યેકમાં ધ્વજ સમી ફર્ફરે ;

ભદ્ર છે, નીચ છે, ઉર્ધ્વમૂલી,

યાદવી શાપના ફળ હજી ભોગવે.

 

ગર્ભના ગૃહ વિષે ના કશું નીપજે,

સાંબના મૂસળો દ્રષ્ટીમાં થર્થરે.

પથ્થરો પથ્થરો, ચકનારાયણો ;

દ્રષ્ટીમાં, ચિત્તમાં,

રેતીના કણ અને કસ્તરો.

દ્વારકાનાથની છાતીમાં આજ પણ

રોજ ને રોજ મીરાં સમાતી.

શામળો ખીચડી અન્નક્ષેત્રે જમે

ને, અહીં નરસિંહો, નાનકો-

રાજરાણી મીંરા રોજ આવે ;

સાવ ખુલ્લા નિતંબો, દેહ જર્જરી,

કોણ ઢાંકે અને કોણ સેવે ?

વેદના, વેદના, છાતીમાં શ્વાસમાં,

આંખમાં, હાડમાં, ઓરતા કોઇના આવવાના.

ને, અમે મૂસળો,

અબ્ધિ કાંઠે ધસી બેસીએ ;

યાદવી અન્યની રાહ જોતાં.

દ્વારકા ભૂતકાલી સ્મૃતિની છૂરી,

છાતીમાં ખાઇને,

આખરી મોક્ષની રાહ જોતી.

 ———-૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦————–

 

 

 

Read Full Post »

કવિ શ્રી ભગવતી કુમાર પાઠક ચોરવાડના.

મને ચોરવાડનું થોડું વળગણ હોય તેના થોડાક કારણો છે, એક તો હું છેલ્લા ૩૮ વર્ષથી dhirubhaiધીરુભાઇ અંબાણીની કંપની રિલાયન્સમાં સર્વિસ કરી રહ્યો છું, જ્યારે અમદાવાદ નરોડા પ્લાન્ટથી તેમની કાર્કીદીની શરુઆત થઇ,  “VIMAL” ના નામે સાડીઓ, પછી શુટીંગ, શર્ટીંગ અને ધીરે ધીરે બિઝ્નેસનું આખું એમ્પાયર ઉભું થયું, તે આખા ઇતિહાસનો હું સાક્ષી છું. ૧૯૮૨ માં પાતાળગંગામાં “POLYESTER” યુનિટમાં મારી ટ્રાન્સફર થઇ,આ પ્લાન્ટની મુલાકાતે શ્રી ધીરુભાઇ જ્યારે આવતા ત્યારે નમસ્તે કરવાનો મોકો મળતો, એક બે વાર તો તેમણે સામેથી હાથ લંબાવીને હસ્તધુનન કર્યું હતું, આ વાતનો મારા જેવા નાના માણસને ગર્વ થાય જ, એ સ્વાભાવિક છે. પ્લાન્ટ સ્ટાર્ટ-અપ વખતે શ્રી મુકેશભાઇ અંબાણી ૧૫ દિવસ અને રાત્રિ અમારી સાથે જ હતા, જેથી અમારો કામ કરવાનો ઉત્સાહ જળવાઇ રહે. એ વખતે તો મને નામથી ઓળખતા, હવે ખબર નહિં !

બિજું આપણા આ કવિ શ્રી ભગવતી કુમાર પાઠક, પોતે ચોરવાડના , શિક્ષણ ચોરવાડ, જુનાગઢ અને પોરબંદરમાં લીધું પછી દ્વારકા શારદા વિદ્યાપીઠ કોલેજમાં પ્રોફેસર અને છેલ્લે પ્રિન્સીપલ તરીકે સેવા બજાવી, હાલ નિવૃત્ત જીવન ચોરવાડમાં જ વિતાવી રહ્યાં છે. મારા મિત્ર દુર્ગેશ પાઠકને કુટુંબમાં ભાઇ થાય, દુર્ગેશે એક વાર વાત કરેલી કે ભગવતીભાઇ સારા કવિ પણ છે.એક વાર તેમનો કાવ્ય સંગ્રહ પણ દુર્ગેશે આપ્યો. ઘણી કવિતાઓ મને ગમી, બીજું એ પણ જાણવા મળ્યું કે જુનાગઢ બહાઉદિન કોલેજના શિક્ષણ કાળ દરમિયાન “મંગળવારિયું ” નામે એક સાહિત્ય વર્તુળ ચાલતું, ભગવતી ભાઇ અને આપણા ઘણા પ્રસિધ્ધ કવિઓ રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરીયા, શ્યામ સાધુ વિગેરે પણ આ સાહિત્ય વર્તુળના સંપર્કમાં હતા. ભગવતી કુમારે ચોરવાડ ગામ અને દ્વારકા ઉપર પણ કવિતાઓ લખેલ છે.

ચોરવાડ

તું નથી મકાનો,  નથી માણસો,

નથી મહોલ્લા, ગલી નથી તું,

વાવ, કૂવા ને રસ્તા, મહોલ્લા, દુકાન, વૃક્ષો,

 તું નથી સરવાળો મંદિરોનો.

ચોરવાડ તું,

રડતી આંખો, હસતા હોઠો,

નાગનાથની ઝાલરનો રણકાર,

અને તું રુદ્રી, ચંડી, વેદઘોષ ને ચીસો,

ગોકળ આઠમ, અલા રખાની નોબત દાંડી,

મોળા વ્રતના સૂના નાગલા,

અણોસરો ને એકલવાયો હોળી ખાડો તું

દોસ્ત

અમારી જમણી આંખે ગામ,

ગામની સીમ, સીમની વાડીઓમાં સંતાયેલું,

ખોઇ દીધેલું,

કચરા નીચે દબી ગયેલા હીરા જેવું બચપણ.

દોસ્ત

અમારી ડાબી આંખે કેટકેટલું,

શ્યામ વરણી, નેહ નિતરતી,

ભીની ભીની, વ્હાલ ભરેલા ધબ્બા દેતી માં,

અને,  બે આંખ ઢળેલી,

બોલું બોલું થતાં કુંવારા હોઠ,

એ જ આંખમાં થપ્પો પાટી,

લાંબી લાંબી શીખા સરીખી,

પરંપરાઓ કૂળની,

ચોરવાડના કૂવા મારી આંખોથી છલકાય,

ચોરવાડના રસ્તા મારી ધમની-શીરા,

ચોરવાડનો દરિયો મારી રગ રગ વિષે,

ચોરવાડની ચૂંદડીઓનું ફરફરવું તે શ્વાસ,

આંખના રંગ વિષે જે છલકે છે તે ચોરવાડનો કેફ,

ચોરવાડ

હું નાળ નથી છેદાણી એવા બાળક જેવો,

કોશેટાના અંધકારમાં ગળચા ખાતો રેશમ કીડો,

પોતાના સર્જેલા જાળે અટવાયેલો ઊર્ણનાભ હું,

કેમ તને હું પામું ?  રે કેમ તને હું પામું !

આતો અછાંદસ રચના છે અને ચોરવાડ પ્રત્યેનો પોતાનો અગાધ પ્રેમ એક એક કડીમાં છલકે છે, આ સિવાય તેમની ઘણી સારી અને ઉત્તમ રચનાઓ હવે પછીના બ્લોગમાં મૂકીશ.

Read Full Post »

vp-singh1

આપણા ભૂતપુર્વ વડાપ્રધાન વી.પી.સિંગ છેલ્લા સત્તર વર્ષથી કેન્સરની બિમારી સાથે ઝઝુમતા હતા. ૨૭ નવેમ્બરે  ૭૭ મે વર્ષે તેમનું નિધન થયું. મુંબઇના આતંકવાદિ હુમલાની અફરાતફરીમાં છાપાઓ કે મીડીઆએ ખાસ નોંધ ન લીધી. બે ત્રણ કારણો બીજા પણ એવા છે, જેને લઇને આપણા ઘણા વડાપ્રધાનોના નામ સાવ વિસરાઇ ગયા છે. તે પહેલા એક વાત કહેવી છે. તેઓ વડાપ્રધાન તરીકે કેટલા સફળ રહ્યાં ? તેની ચર્ચા નથી કરતો, પણ મને તેમનો ચહેરો પ્રભાવશાળી લાગતો. એક વાર તેમની લખેલી કવિતા વાંચવા મળેલી, મેં લખી રાખી હતી.

 भगवान हर जगह है। इसलीये,

जबभी जी में आता है,

उसे मुठ्ठीमें कर लेता हुं।

तुमभी कर सकते हो।

दोनो के भगवानमें कौन महान,

निर्भर करता है,

किसकी मुठ्ठी बलवान है।

એ વખતે વડાપ્રધાનો ઘડી ઘડી બદલાતા, વી.પી. સિંગ ફક્ત ૧૧ મહિના જ વડાપ્રધાન રહ્યાં. એક રમુજ વહેતી થઇ હતી કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભારતના વડાપ્રધાન કોણ છે ? આ પ્રશ્નનો જવાબ સાચો લખ્યો હોય તો પણ ખોટો પડતો ! કારણકે જ્યારે શિક્ષક પ્રશ્ન પત્ર તપાસવા લેતા ત્યારે ભારતના વડાપ્રધાન બદલાઇ ગયા હોય એવું બનતું.

મેરા ભારત મહાનમાં : ૬૧ વર્ષમાં ૧૭ વાર વડાપ્રધાન બદલાયા.

        કાર્યકાળ
પંડીત જવાહર લાલ નહેરુ ૧૫-ઓગષ્ટ-૧૯૪૭ ૨૭-મે-૧૯૬૪ ૧૭ વર્ષ
ગુલઝારી લાલ નંદા ૨૭-મે-૧૯૬૪ ૯-જુન-૧૯૬૪ ૧૩ દિવસ
લાલ બહાદુર શાસ્ત્રી ૯-જુન-૧૯૬૪ ૧૧-જન્યુઆરી-૧૯૬૬ ૧ વર્ષ, ૬ મહિના
ગુલઝારી લાલ નંદા ૧૧-જન્યુઆરી-૧૯૬૬ ૨૪-જાન્યુઆરી-૧૯૬૬ ૧૩ દિવસ
ઇન્દિરા ગાંધી ૨૪-જાન્યુઆરી-૧૯૬૬ ૨૪-માર્ચ-૧૯૭૭ ૧૧ વર્ષ, ૩ મહિના
મોરારજી દેસાઇ ૨૪-માર્ચ-૧૯૭૭ ૨૮-જુલાઇ-૧૯૭૯ ૨ વર્ષ, ૩ મહિના
ચૌધરી ચરણસિંગ ૨૮-જુલાઇ-૧૯૭૯ ૧૪-જાન્યુઆરી-૧૯૮૦ ૬ મહિના
ઇન્દિરા ગાંધી ૧૪-જાન્યુઆરી-૧૯૮૦ ૩૧-ઓગષ્ટ-૧૯૮૪ ૪ વર્ષ, ૭ મહિના
રાજીવ ગાંધી ૩૧-ઓગષ્ટ-૧૯૮૪ ૨-ડીસેંબર-૧૯૮૯ ૫ વર્ષ, ૩ મહિના
૧૦ વી.પી.સિંગ ૨-ડીસેંબર-૧૯૮૯ ૧૦-નવેંબર-૧૯૯૦ ૧૧ મહિના
૧૧ ચંદ્ર શેખર ૧૦-નવેંબર-૧૯૯૦ ૨૧-જુન-૧૯૯૧ ૭ મહિના
૧૨ નરસીંહ રાવ ૨૧-જુન-૧૯૯૧ ૧૬-મે-૧૯૯૬ ૫ વર્ષ
૧૩ અટલ બિહારી બાજપાઇ ૧૬-મે-૧૯૯૬ ૧-જુન-૧૯૯૬ ૧૬ દિવસ
૧૪ દેવેગૌડા ૧-જુન-૧૯૯૬ ૨૧-એપ્રીલ-૧૯૯૭ ૧૧ મહિના
૧૫ ઇન્દ્ર કુમાર ગુજરાલ ૨૧-એપ્રીલ-૧૯૯૭ ૧૯-માર્ચ-૧૯૯૮ ૧૧ મહિના
૧૬ અટલ બિહારી બાજપાઇ ૧૯-માર્ચ-૧૯૯૮ ૨૨-મે-૨૦૦૪ ૬ વર્ષ, બે મહિના
૧૭ મનમોહનસીંગ ૨૨-મે-૨૦૦૪ —– —–

Read Full Post »