Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2016

Nazirઆધ્યાત્મીક છાંટ વાળી અને ફિલસુફીથી ભરેલી “નાઝિર”ની ગઝલો, રામાયણ કથાકાર શ્રી મોરારી બાપુ પ્રસંગોપાત સંગીત સાથે કથામાં ઘણી વખત ગાય છે. મેં પોતે બેત્રણ વાર સાંભળી છે. શ્રી મોરારી બાપુ લાડથી બોલતા ” અમારો ભાવનગરનો નાઝિર….” અને સંગીત સાથે તેમના સુરીલા અવાજમાં ગઝલ શરૂ થતી….

ખુશી દેજે જમાનાને, મને હરદમ રૂદન દેજે ;

અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

“નાઝિર” મૂળ નામ નૂર મહંમદ, તેમના મોટા ભાઇ “બેબસ” ભાવનગરમાં ઇન્ડીયન અભુ બેન્ડના માસ્ટર તરીખે કામ કરતા.ભાવનગરના આંબા ચોકમાં ઇન્ડીયન અભુ બેન્ડની મેડીએ “ગઝલ સભા” ભરાતી. ભાવનગરનાં ત્યારનાં ગઝલકારો સ્વ.ખલીલ, સ્વ.રફતાર, આશીફ, નીશાત, બેફામ વિ.ની મહેફિલ જામતી અને નૂર મહંમદને ગઝલમાં રસ પડવા લાગ્યો. ધીરે ધીરે ગઝલની સમજ પણ વધવા લાગી. સુપ્ત પ્રતિભા જાગી અને નૂરમહમદમાંથી આપણને “નાઝિર” મળ્યા.

મોટા ભાઇ “બેબસ”ના અવસાન પછી ૧૯૫૬ માં નાઝિર જીલ્લા લોકલ બોર્ડની નોકરીમાં જોડાઇ ગયા. બોટાદમાં મારા સ્વ. મામા જગદીશ ચંદ્ર જોષી, તેમના પરિચયમાં ક્યારે આવ્યા તે મને ખબર નથી પણ મારા મામા બોટાદ મ્યુનિસીપાલટીમાં જકાત ખાતામાં કામ કરતા અને બોટાદના સામાજીક કાર્યકર્તાઓની ટોળીમાં આગળ પડતા હતાં. મને કાવ્ય અને સાહિત્યનો શોખ હતો તે જાણી, તેમણે મને “નાઝીર “ની ગઝલો ખુદ ટાઇપ કરીને એક બુક બનાવીને આપેલી, જે મેં હમણા સુધી જીવની જેમ સાચવીને રાખેલી, ૪૦ વર્ષ પછી પુસ્તક અને કાગળની આવરદા પુરી થાય તેમ તે બુકના કાગળો સડીગયા, મે બધી ગઝલો મારી નોટબુકમાં લખી લીધી. મારા મામા શ્રી જગદીશ ભાઇ જોષીના સ્વર્ગવાસ પછી તેમની ઉત્તર-ક્રીયા નિમિત્તે બોટાદ જવાનું થયું ત્યારે મામાના દિકરા અશ્વીને મને એક નોટ બુક આપી અને મને કહ્યું ” દિનુભાઇ મામાની યાદગીરી રુપે આ નોટ-બુક લઇ જાવ” .  ” નાઝીરે ” ખુદ પોતાના હસ્તાક્ષરમાં ગઝલો લખીને મામાને ભેટ તરીકે આપી હતી.scan0002scan0001

Wow–   હું તો નાઝીર સાહેબના સુંદર અક્ષરો અને સાથે સાથે ગઝલની પંક્તિઓની બાજુમાં સુંદર ચિત્રાંકન જોઇને દંગ રહી ગયો. મને લાગ્યું કે આ “નાઝીર” સાહેબની અણમોલ ભેટ ફક્ત મારા સુધી ન રહેવા દેતાં મારા બ્લોગ મિત્રો સુધી પહોંચાડું. એટલે સ્કેન કરવા જેવો ભાગ સ્કેન કરીને બ્લોગમાં મુકેલ છે. આ સુંદર અક્ષરો અને નાના નાના ચિત્રો ” નાઝીર ” સાહેબના પોતાના લખેલા અને ચિત્રો દોરેલા છે. અદભૂત લાગે તો વખાણજો જરૂર..

 

scan0004

 

 

 

 

બ્લોગ-૧૨૭

Read Full Post »

bakshiમારા પિતાશ્રિ ના સાચવેલા ન્યુઝ પેપરના કટીંગ્સ ક્યારેક નજર ફેરવું તો કમાલના નીકળે  છે. ૧૯૮૪ ,  ૨૩ -નવેમ્બરનું  મુંબઇ સમાચારનું કટીંગ હશે તેવું લાગે છે. કારણ કે હેડીંગમાં લખેલ છે ” સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરતા બક્ષી ”  

અમારા પ્રતિનિધિ દ્વારા, મુંબઇ , તા.૨૩ એટલુ જ લખેલ છે. ( કટીંગની પાછળ એક સરકારી જાહેરાતની તારીખ હતી ૧૨-૧૧-૧૯૮૪, આ ઉપારથી એમ લાગે છે કે નવેમ્બર મહીનો હશે. )

હવે મૂળ વાત પાર આવું. આ સમાચાર સાથે બક્ષી સાહેબે પોતે આપેલું નિવેદન છે. મને લાગે છે કે આપણા જેવા તેમના ચાહક વર્ગ માટે ઘણું મહત્વનું થઇ પડશે.

સમાચાર હતા કે પ્રસિધ્ધ સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ પોતાના પુસ્તક  ” મહાજાતિ ગુજરાતી “ને ગુજરાતી સાહિત્ય અકાદમીએ જાહેર કરેલા પ્રથમ પુરસ્કારને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

તેમણે નિવેદન આપી ઉપરોક્ત નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી હું લખું છું. મારી કક્ષાએ પહોંચેલાને પહેલા નંબરના સરકારી સર્ટીફિકેટની બિલકુલ જરૂર હોતી નથી.  કોઇક યુવાન કે દલિત કવી કે લેખીકાને આ પુરસ્કાર અપાયો હોત તો તેમને માટે બે હજાર રૂપિયાનો આ પુરસ્કાર પ્રોત્સાહિત સાબિત થાત.

સાહિત્ય અકાદમીએ પાંત્રીસ ચાલીસ વર્ષ ઉપરના અને જેમના આઠ-દશ પુસ્તકો પ્રગટ થઇ ચુક્યા હોય, ટુંકમાં જે સ્થાપિત અને પ્રતિષ્ઠિત થઇ ગયા છે, એ લેખકોને ઇનામોમાંથી હંમેશને માટે બાદ કરી નાખવા જોઇએ એવું સુચન કરતા બક્ષીએ ઉમેર્યું હતું કે કેટલાક અ-મિત્રો ( રીપીટ- અ-મિત્રો ) દલિલ કરશે કે ઇનામ જોઇતું ન હતું તો પછી પુસ્તક ઇનામ માટે કેમ મોકલ્યું ? મારો જવાબ છે.

એટલા માટે કે આ આખી પ્રથાની અસંગતિઓ વિષે બૌધ્ધિકો વિચાર કરતા થાય, એટલા માટે કે આ પ્રકારની ઇનામ વ્યવસ્થાનો અનાદર થઇ શકે, એટલા માટે કે લોકોને સમજ પડે કે ગુજરાતી ભાષાને આખું જીવન સમર્પિત કરી ચુકેલા લેખકોને પણ નામ વગરના અને ચહેરા વગરના સરકારી પરીક્ષકોની સામે અરજી કરવી પડે છે. એટલા માટે કે જગતની કોઇ જ પ્રતિષ્ઠિત આદર કે પુરસ્કાર યોજનામાં લેખકને આ રીતે મોહ્તાજ કરીને ઊભો રાખવામાં આવતો નથી, જેવી રીતે ગુજરાતી લેખકને અરજદાર બનવું પડે છે.

સરકારી પ્રમાણપત્રો કે પુરસ્કારો વિના પણ ગોવર્ધનરામ, નર્મદ, મુન્શી કે મેઘાણી, કરોડો વાચકોની ચાહના મેળવી શક્યા છે. લેખકને સરકારને સહી કરેલું પત્રક મોકલવું પડે તે આખી વાત ઉલટી થઇ જાય એવી ગંદી છે. આને વહેલામા વહેલી તકે આખી ગુજરાતી પ્રજાની આવી માનહાનિ અને લાખ્ખો વાચકોની ચાહના પ્રાપ્ત કરેલા લેખકનો અપમાન બોધ થતો બંધ કરાવવો જોઇએ.

૧૯૬૭ માં મારી નવલકથા ’ પેરેલિસિસ ’ ને ગુજરાત સરકારે થર્ડ ક્લાસથી પણ નીચી ગણી હતી. ( ત્રીજા ઇનામનું અડધિયું આપેલું ) અને મેં એ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો. ગુસ્સે ભરાયેલા સામંતશાહી સરકારી અધિકારીઓએ આ અસ્વીકારની સજા રૂપે મારી ફક્ત પાંચ પાનાની ’ કુત્તી ’ વાર્તા માટે ક્રિમીનલ કેશ કર્યો હતો. જે ચાર વર્ષ ચાલ્યો હતો, એમાં હું લગભગ તબાહ થઇ ગયો હતો.

ગુજરાત સરકારે થર્ડ ક્લાસ કૃતિ ગણેલી પેરેલિસિસ અત્યારે પાંચ વિશ્વવિદ્યાલયોના એમ.એ. ના અભ્યાસક્રમમાં છે. ગુજરાતી પ્રજા જેને ઉત્તમ સાહિત્ય ગણે છે તેને સરકાર થર્ડ ક્લાસ કૃતિ ગણે છે.

મારી નવલકથા ’ ઝિંદાની ’ ને ગુજરાત સરકારે ૫૦૦ રૂપિયાનું ઇનામ આપેલું, અને મારા ઘનિષ્ઠ મિત્ર મહમદ માકડે ખાસ સલાહ આપી એટલે સ્વીકાર્યું. અને હવે ” મહાજાતિ ગુજરાતી ” ને પ્રથમ ઇનામ આપવામાં આવે છે. અમારી આ એવી ઉંમર છે. જ્યારે અમારા જીવનભરના  સર્જન અથવા પૂરા કૃતિત્વને ગુજરાતે પુરસ્કૃત કરવું જોઇએ.

ઉપરની બધી જ લાઇનો શ્રી બક્ષીજીના ખુદના શબ્દોમાં છે. ચંદ્રકાંત બક્ષી વિષે કહિ શકાય ” ન ભૂતો ન ભવિષ્યતિ ”

આ માણસનું પોતાનું  એક આગવું દર્શનશાસ્ત્ર હતું . પ્રસાદમાં કોઇ કેળું આપે તો છાલ સાથે ન ખવાય. પોતાના તર્કમાં જે વિચાર બંધબેસતો ન આવે, તે વાતને આ માણસ કેળાની છાલની જેમ ફેંકી દેતો, એ  પણ  દૃઢ આત્મવિશ્વાસ સાથે.

તા.૨-૫-૧૯૮૩, બુધવારે ,  બક્ષીજીને હું અને મારો મિત્ર  (હરસુખ થાનકી) તેમના ઘરે મળવા ગયા હતા. ત્યારે તેઓ લગભગ જુહુ રોડ પર આવેલી ’સાધના કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ’ના પ્રિન્સીપાલ હતા. હું મનોમન તૈયારી કરવા લાગ્યો કે તેમની સાથે શું વાત કરશું ? થોડા દિવસો પહેલા જ તેમનાં એક લેખમાં વાંચેલું  કે “ ઔદિચ્ય બ્રાહ્મણો હંમેશા મારા  દુશ્મનો રહ્યા છે, જૈનોએ દગો દિધો છે અને મુસલમાન દોસ્તોએ ખભો મિલાવી સાથ આપ્યો છે.’

રૂબરૂ મળવાની ક્ષણ આવીગઇ. ઘરની બેલ વગાડી. બક્ષીસાહેબે પોતે જ દરવાજો ખોલ્યો. ખોલતાની સાથે જ ’આવો આવો, કેમ છો ? ’ જાણે પરિચીત લોકોને આવકારો આપતા હોય. થાનકીએ કહ્યું, “ હું હરસુખ થાનકી , ’રંગતરંગ’ અને ’ચાંદની’નો સહતંત્રી છું અને લખું પણ છું.’ બક્ષીજી બોલ્યા, “ હા.. હા  નામ સાંભળ્યુ છે !” થાનકી  એકદમ હસી પડ્યો. આવા મોટા ગજાનો માનવી એમ કહે કે હા ,મે નામ સાંભળ્યુ છે, વાહ .. વાહ ફીદા છીએ આ માણસ ઉપર! હવે પરિચય આપવાનો મારો વારો હતો. અચાનક જ બોલાઇ ગયું, ’ હું  દિનકર ભટ્ટ, ઔદિચ્ય બ્રાહ્મણ, જે કાયમ તમારા દુશ્મનો રહ્યાં છે!’ બક્ષીસાહેબે મારો હાથ પકડીને ખેંચી લીધો, મારી પીઠ પર ધબ્બો મારીને કહ્યું, “તમે પહેલા ઔદિચ્ય બ્રાહ્મણ છો જે મિત્ર લાગો છો.” અને વાતાવરણ ખડખડાટ હાસ્યથી છવાઇ ગયું.

બ્લોગ-૧૨૬

Read Full Post »