Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2009

ROAD-1( હિન્દી સાહિત્યમાં કમલેશ્વરજીની વાસ્તવવાદી વાર્તાઓ હંમેશા ગમી છે. સમાજની વાસ્તવિકતામાં સર્જનની કડી મળી જાય છે.આ નાની વાર્તા પાછળની ભુમિકા કંઇક આવી છે. કંપની બસ પનવેલથી પુના રોડના હાઇવે પર થઇ અને ફેકટરીએ જાય છે. હાઇવે પર આર્ટીફીસીયલ ફૂલોના ડેકોરેશન વાળા, હેલમેટ વાળા, નેતરની ખુરશી અને મુંઢા વેચવા વાળા, સારા સારા કાચના ઝુંમરો  તેમ જ સારી ક્વોલીટીના સોફા-સેટ અને બેડ વેચવા વાળા રોડના કિનારે ફેમિલી સાથે ઝુંપડું બાંધીને રહેતા હોય છે. સોફા સેટ અને બેડ વેચવા વાળાનું ફેમિલી જોઇને આ નાની વાર્તા અને એક રચનાનું સર્જન થયું. )

 હું ,છુ ત્યાં ઘર તારું નથી,

તારુ ઘર, એ મારું નથી.

તું સજાવી દે મને ઘર,

નસીબ એવું સારું નથી.

આ જ રસ્તો, આ વ્યવસ્થા,

કોઇ ઘરને તાળું નથી.

એક પડછાયો મળે ના,

ક્યાંયથી અજવાળું નથી.

આ નગરનો રાજપથ છે,

રાંકનું સરનામું નથી.       -સ્વરચિત

 દાતણ કરતા કરતા પોપટે બુમ પાડી,

“ એ ..રુપલી,  ટકલીને સોફા પરથી ઉઠાડ, સવાર પડી ગઇ, રોડ પર નીકળતા વાહનો માં તારો બાપ  કોઇક ગરાગ પણ હોય, ગીરાગ સોફા પર આપડૂં છોકરુ સુતેલું જુએ ઇ સારુ નઇ, એનું મન ઉઠી જાય , વસ્તુ લેવાનો વિચાર માંડી વાળે, ખબર પડે છે ? “

રુપલી તેની પત્નીનું નામ હતું અને ટકલી તેની ત્રણ વર્ષની છોકરીનું નામ. માથા પર ભરપૂર અને લાંબા વાળ હોવા છતાં નાનપણમાં વાળ ઉતરાવ્યા ત્યારથી તેનું નામ  ’ટકલી ’ ચાલું રહ્યુ .

“ચૂલા પર ચા મેલી છે, ઉભો રે , રાડું પાડમાં, સવારે સવારે મારો બાપ કોઇ સોફા લેવા ન આવે” રુપલીએ છણકો કરીને જવાબ આપ્યો. રોડ પાસે આવેલા એક ઝાડ નીચે સાંઠીકડા ભેગા કરી સળગાવ્યા હતા ત્રણ પથ્થર ગોઠવેલા ચૂલા ઉપર ચા બનતી હતી. બાજુમાં પાંચ છ તૂટેલા વાંસ ઉપર ફાટેલી તાડ પત્રી નાખી અને છાંયડે સુવા બેસવા પુરતી ખપ લાગે તેવી ઝુંપડી હતી.

“ ચા પીને બીડી પીવા બેસી નો જતો, સામેની કોલોનીમાંથી એક ડોલ પાણી ભરીને લાવી છું. અડધી ડોલમાં ખંખોળિયું ખાઇ લે અને જલદી ગરાગ જોવા લાગ” રુપલી કપડાના ટુકડાથી ચા ગાળતા ગાળતા બોલી. પછી જલદીથી રોડની સાઇડ પર ગોઠવેલા બે ત્રણ સોફાસેટ તરફ ગઇ અને ટકલીને ઝકઝોરી હલાવી નાખી “ ઉઠ, એ ટકલી ઉઠ, હમાણા તારો બાપ કોઇ ગીરાગ આવશે, ઉઠ…”  ટકલી આંખો ચોળતી ચોળતી ઝુંપડીમાં જઇને ગાભા જેવા ગોદડાનો ઢગલો હતો તેના પર ઉંધી પડી ને સુઇ ગઇ.

થોડી જ વારમાં એક  મારુતી ૮૦૦  કાર આવીને ઉભી રહી. આજુ બાજુના ગામડા વાળા અને મિડીયમ ક્લાસના ફ્લેટોમાં રહેતા લોકો માટે સારા અને સસ્તા ફર્નીચર  માટે આ બહું અનુકુળ જગ્યા હતી. પોપટ અડધી ડોલ શરીર પર ઢોળી ઝટ ઝટ લેંઘો અને બનીયન પહેરીને  ગ્રાહક પાસે આવી ગયો.

“ આવો સાહેબ, જુઓ આ સોફા સેટ શો-રુમમાં લેવા જશો તો આઠ હજાર જેવું પડશે, પડેને સાયબ ! તેનુ દુકાનનું ભાડું. માણસોના પગાર, ટેક્ષ બેક્ષ લાગેને સાહેબ ! આમારે આવી કોઇ પંચાત નહીં. જુઓ આ અમારુ ઝુંપડુ, ભાડુ નહી ટેક્ષ નહીં, સરકાર નહીં, કોઇ કોઇ વાર ટ્રાફિક પોલીસ વાળા હેરાન કરીને ચા પાણીના પાંચ દશ રુપિયા લઇ જાય, અમે ત્રણ હજારમાં લાવી, બે ત્રણ સેટ લાવી સો બસો કમાઇ લઇ, વળી પાછા બેત્રણ સેટ લઇ આવી, સાહે બ અસ્સલ ઉદેપુરનો માલ, ઇ પાક્કુ. “

ગ્રાહક બોલ્યો “અમારે બાર બાય બારનો એક ડ્રોઇંગ રુમ છે અને દશ બાય દશનો એક બેડ રુમ છે “

વાંધો નહીં સાયબ “ એય રુપલી આંય આવ, પેલી કુતરા હાંકવાની લાકડી અને દશ ફુટીયા દોરી લાવતો “

રુપલી નાની લાકડી અને દશ ફુટ લાંબી દોરી લઇને આવી, પોપટે દશ ફુટનું માપ લઇને એક સ્પેશિયલ દોરી તૈયાર કરી હતી. કોઇ ગ્રાહક જેવું પોતાના રુમનું કે ફ્લેટનું માપ બોલે કે તરત જ તે ગ્રાહકને પટાવવા માટેનો આ નુશ્ખો અજમાવતો.

દશ ફુટની દોરીનો એક છેડો રુપલીને પકડાવતો અને બીજો છેડો પોતે લઇને દશ ફુટનું માપ લઇ અને કુતરા હાંકવાની લાકડીથી લીટો તાણતો “ શેઠજી આ દશ ફુટ, બરા બર !” બે પગલા પોતે ભરીને બોલતો સાહેબ “ બાર ફુટ, બરાબર ! “  એમ કહેતો કહેતો બાર બાય બારનું જમીન પર ચોકઠું બનાવી નાખતો “ સાહેબ જુઓ આ તમારો ડ્રોંઇગ રુમ બરાબાર ! બારણું કઇ સાઇડમાં છે ? “ એટલે ગ્રાહક ઇશારો કરીને બતાવતો “ પેલી બાજું “ એટલે બે એક ફુટની દોરેલી લાઇન પગ વડે ભુંસી નાખી “ લો સાબ આ બારણું “. પછી રુપલીની મદદથી સોફા-સેટ આખો જાણે ડ્રોઇંગ રુમમાં ગોઠવતો હોય તેમ ગોઠવીને બતાવતો,  “ લો શેઠજી , જોઇલો, હજી પણ તમારા ડ્રોઇંગ રુમમાં  કેટલી બધી જગ્યા બચી છે ? “

 

ગ્રાહક પટી જતા અને સોફા-સેટ લઇ જતા ત્યારે રુપલીની સામું કપાળ પર આંગળી ટેકવીને રુપલી સામે હોંશીયારી બતાવતો “  જોયું ! ભગવાને આપણને રહેવા ફલેટ કે બંગલો નથી આપ્યો પણ તેમને પટાવી શકે તેવું દિમાગ તો આપ્યું છે ને ? “ રુપલી પણ હરખાઇ જતી એક તાલી દઇ દેતી.

રુપલી પણ પોતાના તરફથી કંઇક ઉમેરવું જોઇએ તેમ  “ આપણી ટકલી કેટલી નસીબ વાળી છે સૌ પેલા સોફા પર આપણી ટકલી સુએ છે, આ શેઠીયા લોકોના છોકરાઓને તો પછી નસીબમાં આવે છે.

પોપટનેય હવે હામાં હા પુરાવવા સીવાય છુટકો ન હતો.

ફરી એક કાર ધીરી પડે છે, પોપટ ગ્રાહકને પટાવવા પાછો સજાગ થઇજાય છે.

બ્લોગ- ૬૮

Read Full Post »