Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2009

A Millionaire Beggar girl ( કરોડ-પતિ કૌન ? )

કરોડ-પતિ બનવું છે ? કોણ ના પાડે ? બધાએ જ બનવું છે. મહેનત કરવાને બદલે જો કોઇ જેક-પોટ લાગી જાય તો વધારે ઠીક ! મહેનતથી કે કોઇ વ્યાપારી સાહસથી કદાચ ન પણ બનાય, કોઇ ગેરંટી નહીં.

આજના દિવસોમાં  Slum dog Millionaire લોક જીભે ચડી ગયું છે. જેને મળો તે આ વાત તો કાઢે જ. સાત આઠ ઓસ્કાર અવોર્ડ લઇ ગયું એટલે એમ થયું કે હવે તો જોવું જ પડશે. પણ મારે આ સંદર્ભ લઇને એક બીજી જ વાત કરવી છે. કરોડ-પતિ બન્યા પછી પણ કોઇ ધરપત આવે ખરી ? કરોડ પતિ બન્યા પછી મન ઉદાર થયું હોય, આપણાથી નીચલે સ્તરે (આર્થિક રીતે )જે લોકો સંઘર્ષ કરી રહ્યાં હોય તેમને માટે થોડીક કુંણી લાગણી થઇ હોય એવું બને ખરું ? મને આવું ભાગ્યે જ જોવા મળ્યું છે. કુણી લાગણી નો મતલબ દયા નહીં,  આર્થિક રીતે આપણાથી નીચલા સ્તરે હોય તેમના પ્રયાસમાં તેમને ઉપર લાવવા સાથ આપવો. ફરી કોઇ ગલત ફહેમી નહીં કરતા ! આર્થિક મદદ કરવી જોઇએ તેવું નથી માનતો કે નથી કહેતો. હું હજી સ્પષ્ટતા કરી રહ્યો છુ, અને કહું છું કે તેમને ઉપર ઉઠવાનો મોકો આપવો જોઇએ. હું કરોડ-પતિ તો નથી જ કારણ કે સર્વિસ કરું છું. પણ મે ઘણા કરોડ-પતિઓના માનસિક વલણનું અવલોકન કર્યું છે. મુંબઇ પુના હાઇવે પર ફળો વેંચવા બેઠેલી ગરીબ ગામડાની બાઇઓ સાથે ફક્ત બે ત્રણ રૂપિયા માટે જે રીતે તેઓને ભાવતાલ કરતા અને કસતા  મેં જોયા છે, તે જોઇને મને થયા કરે કે આ લોકો કરોડ પતિ જરૂર છે પણ બીજા કોઇ આર્થિક રીતે આગળ આવે તેવી જાણે તેમની ઇચ્છા જ નથી  તેમ લાગ્યા કરે. કોઇ પાંચ છ હજારનો નોકરીયાત આવું કરે તો વ્યાજબી છે.

bg1

ઘણા સમય પહેલા દૈનિકમાં એક સત્ય ઘટનાનો કિસ્સો વાંચેલો તે યાદ આવી ગયો. મુંબઇના લોકલ ટ્રેઇનના સ્ટેશને ટીકીટ લેવા માટે લાંબી લાઇનો લાગેલી હોય છે. આવા જ એક સ્ટેશને ટીકીટની લાઇન હતી, એક નાની ભીખારી છોકરી લાઇનમાં ઉભેલા માણસો પાસે ભીખ માગતી માગતી આગળ વધતી હતી, તેવામાં અચાનક તેની નજર ટીકીટ બારી પાસે જે માણસ ટીકીટ લઇ રહ્યો હતો અને પાકીટ કાઢતા તેના પાંચ રુપિયા પડી ગયા તેના ઉપર પડી. તે દોડી અને પાંચ રુપિયા ઉઠાવી, તેણે તે માણસને આપવા માટે, હાથથી હળવી ટપલી મારીને તેનું ધ્યાન પોતાની તરફ દોરવા પ્રયત્ન કર્યો. પેલા માણસને એમ કે આ ભીખારી છોકરી તેને ભિખ આપવા માટે પરેશાન કરી રહી છે એટલે જોયા વગર  એક બે વખત તેને ધુત્કારી દિધી. છોકરીએ કિધું ” સાબ આપકા પૈસા ગીર ગયા ” . પાંચ રુપિયાની નોટ તે પાછી આપી રહી હતી. તે માણસે જરાય અહેસાન ભાવ દેખડ્યા વગર પાંચની નોટ લઇ ખ્ખીસ્સામાં સરકાવી દીધી અને ચાલતો થયો. પેલી ભીખારી છોકરી પણ જાણે તેનું કામ પુરું થઇ ગયું હોય તેમ વળી પાછી લાઇનમાં ઉભેલા માણસો પાસે ભીખ માગવા લાગી. આ વાતની એક જ માણસે નોંધ લીધી હશે અને આ કિસ્સો તેણે દૈનિકમાં આપવા લખી મોકલ્યો હશે. આ કિસ્સાએ મારા મનમાં બહુ ઉંડી છાપ છોડી છે. ક્યા સંસ્કાર કે ક્યા ધર્મના નિયમે આ છોકરીને આ ઇમાન આ ધરમ સમજાવ્યો હશે ? હું આજે પણ એ જ વિચાર કરું છું.

જ્યારે જ્યારે અમારા પુના મુંબઇ હાઇવે પર લાંબી અને મોંઘી દાટ ગાડીઓ માંથી ઉતરીને રોડ ઉપર દાડમ, સફરજન અને દ્રાક્ષ વેંચતી ગામડાની બાઇઓ સાથે બે ત્રણ રુપિયા માટે ભાવ કસતા અને રકઝક કરતા કરોડ પતિઓને જોઉં છું ત્યારે મને પેલી ક્યારેય ન જોયેલી ભીખારણ છોકરીનો ચહેરો દેખાય છે.

સાવ કાચા નખ ઉતારી લે પીડા જોયા વગર,

આ સમય પણ કેટલી ભારે અજાયબ નેરણી છે.

આમ ખાલીખમ્મ સહુ કોઠાર ખાલી થઇ ગયા,

ને બધા કહે છે મને કે, રામ જેવો તો ધણી છે !  

– ભગવતી કુમાર પાઠક

 

Read Full Post »

બુરા જો દેખન કો ચલા, બુરા ન મિલીયા કોઇ, અંદર દેખા ઝાંખ કે, મુઝસે બુરા ન કોઇ.

કબીરજીનો આ દોહો સાદો સીધો નથી. અંદર ઝાંખવું બહુ કપરુ છે. આતો આત્મ નિરીક્ષણની વાત થઇ. માણસની પ્રકૃતી જલદી ન સુધરે એવી માન્યતા એમને એમ નથી ઘડાઇ. પોતાની ભૂલ દેખાવી સહેલી નથી, મારે કોઇની નહીં મારી પોતાની જ વાત કરવી છે. હંમણા એક પ્રસંગ બન્યો, જોકે પ્રસંગ કહેવું જરા અજુક્તુ લાગે છે, એક વાત એવી બની, જે વાતે મારી આંખ ખોલી દિધી. મારી જાતને હું બુધ્ધીજીવી સમજું છું, સુજ્ઞ વાચક સમજું છું, કાવ્યોને સારી રીતે સમજવા વાળો રસીક જન સમજું છું. ઘણી વખત સામેનો માણસ બૌધ્ધીકતામાં ઓછો હશે તેવી આકરણી કરી લઉં છું,કારણ કે મને ખબર હોય છે કે આ ,કે ફલાણો વ્યક્તિ વાંચનનો શોખીન નથી, કાવ્યોમાં રસ નથી, તેની વાતોમાં ખાસ વજન નથી. આ બધી જ મારી માન્યતાઓને ગંજીપાના પત્તાના મહેલની જેમ મે પડતા અનુભવી, મારી વિચાર શક્તીમાં ક્યાં ખામી છે ? તેનો અહેસાસ થઇ  ગયો. એક માણસે મને મારી જગા બતાવી દીધી.  મારી બૌધ્ધીકતાનો આંક બતાવી દીધો. બૌધ્ધીકતાથી પણ આગળ કંઇક હો છે. ઉદાર મન, દ્રઢ્ નિર્ણય શક્તિ, સાચો અભિગમ. 

aaaમારી સાથે એક મારો સહકાર્યકર છે, દેશપાન્ડે, મહારાષ્ટ્રીયન છે એટલે હિન્દીમાં વાતચીત કરે, આજથી બારેક વર્ષ પહેલા તેણે મને એક વાત કરી હતી ” ભટ્ટ ભાઇ, મેં જિંદગીમાં એક બહુ સારુ કામ કર્યું છે. મારે સંતાનમાં એક બાબો છે, મેં અને મારી પત્નીએ નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે એક બેબી અનાથ આશ્રમમાંથી દત્તક લેવી. અને આ કામ અમે પુરું કર્યું તે વાતનો અમને આનંદ છે. ” આ વાત સાંભળીને એક વખત તો હું ગદગદ થઇ ગયો હતો, આ દેશપાન્ડે ! કામની બાબતમાં હમેંશા કનફ્યુઝ રહેનારો ! ઘણા તો મજાકમાં તેને કન્ફ્યુઝ દેશપાન્ડે જ કહેતા, આવડો મોટો નિર્ણય, અને જરાય કન્ફ્યુઝન નહીં ? વાહ, મારુ મન તેને મનોમન સલામ કરતુ રહ્યું. આ વાત મેં ઘરમાં અને બીજા મિત્રોને પણ કરી અને એક સારા નિર્ણય લેનાર માણસનો ગર્વ અને આનંદ લીધો. ઘણી વખત મને એવું લાગ્યું કે આવો નિર્ણય લેવાની હિમ્મત મારામાં કેમ ન આવી ?

ખરી વાત તો હવે કહેવાની છે,  જે વાતે મને સાચા અભિગમ વિષે બોધ કરાવ્યો.  આમ તો આ દેશપાન્ડે કંપનીમાં અવારનવાર મળે એટલે તેના ઘરે જવાનું ખાસ બને નહીં પણ હમણા એક પ્રસંગે એક બે મિત્રો સાથે તેના ઘરે જવાનું થયું, તેના ઘરના ડ્રોઇંગ રૂમમાં અમે બેઠા હતા, એકા એક મને બાર વર્ષ પહેલાની વાત યાદ આવી ગઇ, મેં કહ્યું ” દેશપાન્ડે, પેલી બેબી ઘણી મોટી થઇ ગઇ હશે નહીં ? ”  પછી મારી સાથે આવેલ મિત્રો તરફ વળી ને કહ્યું ” You know ?  આપણા આ દેશપાન્ડેએ એક ઘણું સરસ કામ કર્યું છે ” .  દેશપાન્ડેએ મને  વચ્ચે જ અટકાવી ને કહ્યું ” ભટ્ટ ભાઇ, આજ એ મારી બેટી છે, સારું કામ કર્યું તે એક જ દિવસ હતો, આખ્ખી જિંદગી તે વાત યાદ કર્યા કરું તો હું તેને દિકરીનો પ્રેમ ક્યારે આપી શકું ? અમે તેને આવાતની  ખબર જ નથી પડવા દીધી, અમે નવું મકાન લઇને જુનો પડોશ જ છોડી દીધો છે, જેથી આ વાત કોઇ રિપીટ ન કરે ” મારી નીચેથી જમીન ખસકતી લાગી, કાન પકડી સોરી કહેવા જેટલી પણ હિમ્મત મારામાં ન રહી.  મને અહેસાસ થયો, બૌધ્ધીકતા, સાહિત્ય, કવિતા આ બધાથીયે કોઇક વાત ઉંચી હોઇ શકે છે. દેશપાન્ડેને મનોમન આજે પણ સલામ થઇ જાય છે. આ બ્લોગ લખ્યો છે તે તેને કહેવા માટે નહી, ફરી એ ભુલ રીપીટ નથી કરવી, આ તો આપ જેવા મિત્રો સમક્ષ મારું Confeessin છે. આ પ્રસંગે મને આત્મનિરીક્ષણનો મોકો આપ્યો છે. અને મિત્રો સમક્ષ દિલ ખોલવાનો. 

અંધાર પીવાની સ્પર્ધા થઇ ને,

રમખાણ ફાટી પડ્યું આગિયામાં

નજરચૂક થઇ હોય તો વાત જુદી,

લખાવ્યું હતું નામ મેં હાંસિયામાં                      

– ભગવતી કુમાર પાઠક

Read Full Post »