Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સાહિત્ય’

૧૯૭૦ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન લેખક એલેક્ઝાન્ડર સોલઝેનિત્સીનનું ગયા રવિવારે તા. ૩-ઓગષ્ટના  ૮૯ વર્ષે અવસાન થયું. વિસરાઇ ગયેલા આ લેખકની ક્રુતિઓ “ગુલાગ આર્કી પેલેગો” અને “વન ડે ઇન ધ લાઇફ ઓફ ઇવાન ડેનિસોવિચ” માં સામ્યવાદના ક્રુર અને લોખંડી સત્તાના વિરોધમાં પકડેલા કેદીઓની યાતના કેમ્પોનું દારુણ ચિત્ર હતું. ૧૯૧૮ થી ૧૯૫૬ સુધી સામ્યવાદના કહેવાતા કટ્ટર શાસકોએ જેલ અને લેબર કેમ્પોમાં કરેલા અત્યાચારોની તેમાં વાત હતી. આ પુસ્તકોમાં રશિયામાં ચાલી રહેલી તાનાશાહીનો પર્દાફાશ હતો. જ્યારે આ પુસ્તકો પશ્ચિમી દેશમાં પ્રસિધ્ધ થયા ત્યારે ત્યાંના બુધ્ધિજિવીઓ અને સમગ્ર દુનિયા હલી ગઇ.

રશિયામાં તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યા ૧૯૭૪ માં સોવિયેત સત્તાએ  આ લેખકને દેશનિકાલ કરીને તેનુ રશિયન નાગરીકત્વ છિનવી લીધું .૨૦ વર્ષ આ લેખક પોતાનો દેશ છોડીને, બે વર્ષ જર્મનીમાં અને પછી અમેરિકામાં રહીને જીવન ગુજાર્યું. ૧૯૯૦ માં તેમેને રશિયન નાગરિકત્વ પાછું આપવામાં આવ્યું. ૧૯૯૪ માં તેઓ પોતાના વતન રશિયામાં પાછા આવ્યા. વર્ષો સુધી આ લેખક જાહેર જીવનથી દૂર રહ્યો. ૨૦૦૭ માં વ્લાદિમીર પુતિનની સોવિયેત સરકારે “સ્ટેટ પ્રાઇઝ ઓફ રશિયા” આપીને તેમને સન્માનિત કર્યા.

 સ્ટાલિનની આપખુદશાહી અને ક્રુર રાજનિતી સામે એ પડકાર રુપ સાબિત થયો હતો. તેમના સાહિત્યથી સેંકડો લોકોની ચેતનામાં હિંમત આવી હતી અને સ્ટાલિનની આપખુદશાહીને પડકારવાની તાકાત આવી હતી. એક લેખક સત્તા પલટવામાં કેટલો મહત્વનો ભાગ ભજવી શકે છે ! તેનો સોલ્ઝેનિત્સિન ઉત્તમ દાખલો છે.

૧૯૧૮ માં જન્મેલો આ લેખક મૂળ તો મેથેમેટિક્સનો સ્નાતક હતો. બચપણમાં જ પિતાની છાંયા ગુમાવી, માતા એક સામાન્ય શોર્ટહેન્ડ ટાઇપીસ્ટ હતી. ૧૯૪૨ માં બીજા વિશ્વયુધ્ધમાં રશિયન રેડ આર્મિમાં તેઓ આર્ટિલરી યુનિટના કમાંડર હતા. જર્મન ફ્રંટ પર હિટલરની સેના સામે યુધ્ધ કરેલું. સારી કામગીરી બદલ તેમને બે વખત સન્માનવામાં આવેલા.

આ એજ સમય હતો જ્યારે રશિયામાં તાનાશાહીની લોખંડી પક્કડે વ્યક્તિ સ્વાતંત્ર ઉપર તરાપ મારી હતી . Emotion always over ride intellect. આ વાત ચાલાક લિડરો બહુ સારી રીતે જાણતા હોય છે. જ્યારે કોઇ પણ વિચારધારા જડતામાં પરિણમે ત્યારે આવું બને છે. રશિયામાં સોવિયેત ઓથોરીટી વિષે કોઇ પણ જાતની ટીકા ટિપ્પણી કરવી તે ગુનો ગણાવા લાગ્યો. એટલુ જ નહિં, આવી ટીકા કરનારની જાણ સત્તાના સુત્રોને કરી દેવી એ વાતમાં લોકો ગર્વ લેવા માંડ્યા. પછી તો એવું બનવા લાગ્યું કે ઘરમાં પતિ-પત્નિ, પ્રેમિ-પ્રેમિકા કે બે મિત્રો પણ સોવિયેત સત્તાની વાતો કરવાનું ટાળતા, કારણ કે એવા અગણિત કિસ્સાઓ બનતા કે ઘરમાં સોવિયેત સત્તા વિષે બાપ દિકરાની ચર્ચા થઇ અને અડધી રાત્રે પોલિસે  ઘરનુ બારણું ખટખટાવ્યું હોય અને બેટાને એરેસ્ટ કર્યો હોય , કારણ કે તેનો પિતા જ પોતાના બેટા વિષે સત્તાને જાણ કરી દેતો. પ્રેમિ અને પ્રેમિકા ગાર્ડનમાં બેઠા હોય અને સોવિયેત સત્તા વિષે કંઇક ટીકા ટિપ્પણી થાય , પ્રેમિઓ છુટ્ટા પડે અને થોડિજ વારમાં પ્રેમિના ઘરે પોલિસની બંદૂકનો કૂન્દો બારણા ઉપર ઠોકાય. સામ્યવાદની જડતાના આ હતાં વરવા રુપ !

૧૯૪૫ માં એલેક્ઝાન્ડર સોલઝેનિત્સિને તેના મિત્રને એક પત્ર લખ્યો હતો અને તેમાં સોવિયેત સરકારની ક્રુર નિતી રીતિઓની ટિકા કરી હતી. બસ આટલાજ ગુન્હા બદલ તેમની ધરપકડ થઇ અને આઠ વર્ષની કેદની સજા થઇ . ૧૯૪૫ થી ૧૯૫૩ સુધીની લાંબી જેલ દરમ્યાન તેમણે જે યાતનાઓ ભોગવી અને નજરે જોઇ, તેનું હ્ર્દય દ્રાવક ચિત્ર “ગુલાગ આર્કી પેલેગો” માં છે.

વિસેક વર્ષ પહેલા આ પુસ્તકની થોડિક ઝલક દૈનીકની પૂર્તીમાં વાચેલી.

“જે કોટડીમાં બે કેદિઓ રહી શકે તેવી કોટડીમાં દશથી પણ વધારે કેદીઓને ઠાંસી દેવાતા. કુદરતી હાજતો પણ કોટડીમાં જ કરવી પડતી. એકાદ અઠવાડિયે માંડ કોટડીને સાફ કરવામાં આવતી. નીચે ફર્શ પર લાકડાનાં પાટિયા રાખવામાં આવતા જેથી કરીને મળ મુત્રની ગંદકીનું પાણી પાટીયા નીચે  જમા થાય. મચ્છર અને ગંધથી બદબદતી આ કોટડીઓ નર્કાગાર સમી હતી. ભોજન એટલું થોડી માત્રામા અપાતું કે ભુખ કયારેય સંતોષાતી જ નહીં. કેદીઓ બિમાર રહેતા. ક્યારેક એકાદ કેદીનું મ્રત્યુ થતું તો બીજા કેદીઓ તેની લાશને લાકડાનાં પાટીયા નીચે સંતાડી  દેતાં, જેથી કરીને તેના ભાગનું ભોજન મળી રહે. બે ત્રણ દિવસે જ્યારે મ્રત્યું પામેલા કેદીની લાશ ગંધાઇ ઉઠતી ત્યારે જેલના આધિકારીઓને ખબર પડતી કે એક કેદીનું મ્રત્યુ થયું છે.”

એલેક્ઝાન્ડર સોલઝેનિત્સીનનો રશિયાના રાજકીય ઇતિહાસમાં બહુ મોટો ફાળો છે. તે પોતાની જન્મભૂમિને પ્યાર કરતો રહ્યો અને ક્રુર સાસકોને ધ્ધિક્કારતો રહ્યો. હંમેશા વ્યક્તિગત સ્વાતંત્રનો હિમાયતી રહ્યો.

વ્યોમને શ્વાસ સોંપી, હે ધરા,   અંકમાં તુજ સમાવીશ હું જીવન.

 પ્રેમ હું કરતો રહ્યો તને , હે ધરા,  રોજ બોલાવતું રહ્યું મને ગગન.

 

Read Full Post »

બચાવવા વાળો બે હાથ વાળો પણ હોઇ શકે ! 

અમદાવાદના બોમ્બ બ્લાસ્ટના દહેશત વાળા અને ભયાનક દ્રશ્યો જોયા. દિમાગ સૂન્ન થઇ ગયું. ક્ષણ ભરમાંજ માણસ કેવો અનાથ થઇ જાય છે ! બચાવવા વાળો હજાર હાથ વાળો છે,એવો ખયાલ પણ ખોટો પડતો હોય તેવું લાગે, અને આવા સમયે બે હાથ વાળો જાંબાઝ, જાનની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવવા આવી જાય ત્યારે લાગે કે This is the man, Who is real Hero. ટી. વી. ઉપર આવા બોમ્બ ડિફ્યુઝર સ્ક્વોડના જાંબાઝોના સાહસો આપણે જોયાં. યમરાજનો કાન આમળવા જેવું આ કામ ઓછી બહાદુરી ન કહેવાય !માણસ એક જ સેકંડમાં ધુંમાડો બની જાય. છતાંય આપણે નજરે જોયું, લોકોનાં ટોળાને દૂર ઉભું રાખીને આ માણસ સિંહને નાથવા જેવું કામ પાર પાડી રહ્યો હતો. સેલ્યુટ છે આવા નરબંકાઓને.

વિયેતનામ આખું જ્યારે યુધ્ધમાં ધકેલાઇ ગયું હતું અને દેશ આખો એક યુંધ્ધ્ની છાવણીમાં ફેરવાઇ ગયો હતો, ત્યારે ત્યાંની શેરીએ શેરીએ આવા દ્રશ્યો જોવા મળતા, મોટા ભાગનો પુરૂષ વર્ગ સૈન્યમાં જોડાઇને યુધ્ધના મેદાનમાં રોકાયેલો હતો.અમેરિકન વિમાનોની બોમ્બ વર્ષા પછી શહેરો તહસનહસ થઇ જતાં, ઇમારતો ધરાશાઇ થઇ જતી ત્યારે બહાદૂર સૈનિકોની પત્નિઓ આવા બોમ્બ  ડિફ્યુઝન જેવા હિમ્મત ભર્યા કામો કરી લેતી.

મેં આવીજ વાતને રજુ કરતી, વિયેતનામના લેખક “ન્યુપેન ક્વાન્ગ યાન”ની એક વાર્તાનો અનુવાદ કરેલો જેનું નામ ’કબુતર’ હતું. આ અનુવાદ ૧૯૮૦ માં ઓગષ્ટ મહિનાના “શ્રી રંગ” માસિકમાં પ્રકાશિત થયો હતો. આ વાર્તાનો થોડોક શારાંશ…….

કબુતર…

આઠ વર્ષ પછી તેને ફરી એક વાર રજા મળવાનો ચાન્સ ઉભો થયો હતો. લશ્કરી થેલો તૈયાર કરીને તે સૈન્યના અફસર પાસે થોડા દિવસની રજા માંગવા ગયો. હમણા યુધ્ધ વિરામ  જેવો ભાષ થતો હતો. આઠ વર્ષ પહેલા તે આજ થેલો લઇને બે ત્રણ દિવસની રજા લઇને ગયો હતો. પત્નિ સાથે ગુજારેલા એ મીઠા સંસ્મરણો વાગોળતો રહ્યો. એક વાર બપોરે તે આરામથી સુતો હતો અને અચાનક આંખ ખુલી તો જોયું  પત્નિ તેની લશ્કરી વર્દિ પહેરીને લશ્કરનો થેલો પીઠ પાછળ લટકાવી અરિસામાં પોતાને નિહાળી રહી હતી. તેને ઉભા થઇ અચાનક જઇ પાછળથી જકડી લીધી હતી. તે સુંવાળો સ્પર્શ હજી પણ ભુલી શક્યો ન હતો. તેની પત્નિએ આંબલીના ઝાડ સામે ઇશારો કરીને કહેલું કે મને ખાટું ખાવાની બહુ ઇચ્છા થઈ રહી છે. તેનો ગર્ભિત ઇશારો તે સમજી ગયો હતો અને તેને પત્નિને વધારે કસીને જકડી લીધી હતી.

સૈગોન શહેરમાં તેને મહિનાઓ સુધી છુપાઇને રહેવું પડ્યું હતું. ફુટપાથ ઉપર અને હોટલની બહાર રાતો ગુજારવી પડી હતી. એક વાર તો તાન્સોન-ન્હાત શહેરના એમ્યુનીશન ડેપોમાં બોમ્બના ઢગલા વચ્ચે રાત ગુજારી હતી.તેની બેગમાં બોમ્બને નાકામ કરવા માટેના પાના હંમેશા રહેતા. સૈગોનથી વિંચ તરફ જ્યારે તેમની સૈન્ય ટૂકડી ટ્રકમાં જઇ રહી હતી ત્યારે તેને પત્નિની આંબલી ખાવાની ઇચ્છા વાળી વાત યાદ આવી ગઇ. રસ્તામાં એક જગ્યાએ તેને એક નાની ઢીંગલી ખરિદી હતી.

રજાઓ મંજુર થઇ ગયાના આનંદ સાથે તે પોતાના શહેર તરફ રવાના થઇ ગયો હતો. કદાચ તેને હવે તેના વિસ્તારમાં ’પ્રોડક્સન બ્રિગેડીયર લીડર’ તરીકે કામ સોંપવામાં આવશે તેવી તેને આશા હતી. યુધ્ધમાં તેઓ જીતી ગયા હતા. તેમના ખેતરોમાં હવે ખુબજ અનાજ પાકશે. હવે આનંદના દિવસો આવશે. જ્યારે તે ટ્રેઇનમાં વિન્હથીયાનથી  હોઆ તરફ આવી રહ્યો હતો ત્યારે ટ્રેઇનના ડબ્બામાં બેઠેલી બેત્રણ આધેડ વયની સ્ત્રીઓ પાન ચાવતી ચાવતી એક પડોશણ સ્ત્રીની વાતો કરી રહી હતી કે તેના પતિની પાંચ વર્ષ રાહ જોયા પછી થાકીને તેને બીજા લગ્ન કરી લીધા હતા. આ વાત સાંભળીને તે થોડો અકળાઇ ગયો હતો. તેને થયું કે તેને વીતેલા આઠ વર્ષમાં સમય કાઢીને પત્નિને એકાદ પત્ર લખ્યો હોત તો સારૂં હતું.

હવે તેનું ગામ સ્ટેશનથી ત્રણ જ કી.મી. દૂર હતું. આઠ વર્ષ પછી પણ ઘણું ખરુ જેમનુ તેમ જ હતું. નહેરને કીનારે કીનારે તે પોતાના ગામ તરફ જઇ રહ્યો હતો. બાજુની ઘટાટોપ ઝાડીમાંથી એક સફેદ કબુતર ફડફડાટ સાથે ઉડીને ગયું, તે પળ ભર ઉભો રહીગયો. તેને લાગ્યું, મારૂં સુખ અને આનંદ આમ કબુતરની જેમ ઉડી તો નહીં જાયને !

થોડી જ પળોમાં તે તેના ઘરની સામે હતો. દરવાજાનો રંગ અને આંબલીનું ઝાડ આઠ વર્ષ પહેલા જેવાં જ હતાં. વરંડામાં તાર પર તેની પત્નિનું જુનું બ્લાઉઝ સુકાતું હતું. તેને બ્લાઉઝનો રંગ ઓળખતા વાર ન લાગી. બાજુમાં નાના બાળકનું નવું પેન્ટ સુકાતું હતું, તેને નીચે ઉતારી તે ઉંચાઇનો અંદાજ લગાવવા લાગ્યો ત્યાંજ એક બાળક દડે રમતો રમતો તેની સામે આવી ઉભો રહ્યો. બન્ને એક બીજાને જોઇ રહ્યાં. હવે તે પોતાના બાળક સામે હતો. બાળકને સમજતાં વાર ન લાગી કે વર્દિમાં સજ્જ તે માણસ તેનો પિતા જ હતો, કારણકે તેને તેની મા પાસેથી પિતા વિષે ઘણી વાતો સાંભળી હતી. હવે બાળકને થયું, તેને જલદીથી પોતાની માને આ ખબર આપવા જોઇએ, જે ગામના એક ચોકમાં યુધ્ધથી તારાજ થયેલા મકાનો અને રસ્તાઓ ના ખોદાણ કામમાં વ્યસ્ત હતી. બાળક અચાનક ગામના ચોક તરફ દોડી ગયો.તેને બુમ પાડીને રોકવાની ઇચ્છા થઇ, પણ તેને બાળકના નામની ક્યાં ખબર હતી ! તે પણ બાળકની પાછળ દોડતો દોડતો ગામનાં ચોક તરફ ગયો. ચોકમાં ખોદ કામ કરતા કરતા એક જીવતો બોમ્બ નીકળી આવ્યો હતો. સવારે પણ આવોજ એક બોમ્બ ફાટ્યો હતો, અને ત્રણ જણાનાં મ્રત્યુ થયાં હતા. તેની પત્નિ બોમ્બને નાકામ કરવાની જવાબદારી સંભાળી રહી હતી. લોકોના ટોળાને બાજુ પર હટી જવાનું કહીને તે બોમ્બની બાજુમા ઉભી હતી. પોતાના પતિને જોતાજ તે દોડીને તેની પાસે આવી અને બોલી  “થોડીક મિનીટ, હમણાંજ હું પાછી આવું છું, આ બોમ્બ જરા જુદી જાતનો છે,M.K.-25, પહેલી વાર આ જોવા મળ્યો છે.” તેને કહ્યું ” મારા માટે નવો નથી, નિક્સનની હારી ગયેલી ફોજ પાછા વળતી વખતે જગ્યા જગ્યાએ આવા બોમ્બ પાથરતી ગઇ છે, બસ, આવા બોમ્બનું ઢાંકણુ ખોલીને છ આંટાં ડિટોનેટરના ખોલવાના, ખેર તું અહીં ઉભી રહે, હવે હું આવીગયો છું ને !”

તે તેની પત્નિને ટોળા સાથે દૂર ઉભું રહેવાનું કહીને બોમ્બ પાસે ગયો, નીચે બેસીને લશ્કરી થેલામાથી પાનું કાઢ્યું, બોમ્બનું ઢાંકણું ખોલીને ડિટોનેટર ઉપર પાનું લગાવ્યું, તેને યાદ આવીગયું તેના બે મિત્રોથી થોડીક ગફલત થતા આવા બોમ્બને નાકામ કરવા જતા જાનથી હાથ ધોવા પડ્યા હતા, અને પેલું ફડફડા સાથે ઉડેલું સફેદ કબુતર પણ યાદ આવી ગયું…. તેને થયું આ કામ કરતાં પહેલા તેને પોતાના બાળકનુ નામ પૂછ્યું હોત તો સારું હતું !

લેખકે વાર્તાને અહીજ અંત આપ્યો છે.

Read Full Post »

(૪ થી  માર્ચ , ૨૦૦૬. બક્ષીજીએ લખ્યું હતું . મારૂં પોતાનું  એક પ્રશ્નોપનિષદ છે. લોકોની સહમતિ કે અસહમતિ સાથે મારે કોઇ લેવા દેવા નથી.)

 

આ માણસનું પોતાનું  એક આગવું દર્શનશાસ્ત્ર હતું . પ્રસાદમાં કોઇ કેળું આપે તો છાલ સાથે ન ખવાય. પોતાના તર્કમાં જે વિચાર બંધબેસતો ન આવે, તે વાતને આ માણસ કેળાની છાલની જેમ ફેંકી દેતો, એ  પણ  દૃઢ આત્મવિશ્વાસ સાથે. પછી તે બુધ્ધ હોય કે મહાવીર, કૃષ્ણ હોય કે રજનીશ… બક્ષીસાહેબનું પ્રશ્નોપનિષદ  ત્યાંથી શરૂં થતું.

 

એક વાર બક્ષીજીએ  ડો. એ. પી. જે. અબ્દુલ કલામની વાત લખી હતી. તેઓએ એક પ્રવચનમાં શિક્ષકોને  સલાહ આપી હતી  કે વર્ગમાં વિદ્યાર્થીઓને રોજ કમ સે કમ ૨૦ મિનીટ  પ્રશ્નો પૂછો. પ્રશ્નોથી  બાળકો સ્પષ્ટ વિચારતાં થાય છે.

 

જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રશ્નની શું ભૂમિકા છે? પ્રશ્ન શા માટે પૂછાય છે? શંકા થાય છે ત્યારે પ્રશ્ન જન્મે છે. ઉત્તર સમાધાન છે, સાંત્વન છે. સંશય એ અશ્રધ્ધાવાનનું લક્ષણ છે. જો શ્રધ્ધા છે તો પ્રશ્ન નથી, અંધશ્રધ્ધા છે તો માત્ર સ્વિકાર છે, પણ બુધ્ધિનો ઓહાપોહ તર્ક પેદા કરે છે અને તર્કમાંથી પ્રશ્ન પ્રકટે છે. આપણા સર્વમાન્ય ધર્મગ્રંથો ગીતા, ધમ્મપદ, ઉપનિષદો, ભાગવત આદિમાં પ્રશ્નો પૂછાયા છે અને ઉત્તરો અપાયા છે. દરેક બુધ્ધિવાનનું પોતાનું એક પ્રશ્નોપનિષદ હોય છે.

 

ગીતામાં અર્જુનને જેટલી શંકાઓ અને પ્રશ્નો ઉદભવ્યા એટલા  કર્ય., શ્રી કૃષ્ણે બધાંના ગણીગણીને ઉત્તરો આપ્યા. સ્થિતપ્રગ્ન વિષે અર્જુને ઘણાબધા પ્રશ્નો પૂછી નાખ્યા. કૃષ્ણ ભ્રમોનુ નિરસન કરતા રહ્યાં. એક વાર તો કહી પણ દિધું, શંસયાત્મા વિનશ્યતિ. બક્ષીજી લખે છે, અહીં પ્રશ્નની આગળ આશ્ચર્યચિહ્ન નથી, પણ પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. વિજ્ઞાન ક્યારેય કહેતું નથી કે આ સત્ય છે, ધર્મ હંમેશા કહે છે, આ જ સત્ય છે.

 

યુરોપમાં નવજાગ્રતિનો યુગ આવ્યો અને એશિયા પાછળ રહી ગયું, કારણ સ્પષ્ટ છે, યુરોપમાં બુધ્ધિમાનોએ બાળકોના વિસ્મયોમાંથી ઊભા થાય તેવા પ્રશ્નો પૂછ્યા. દરેક લોહી લાલ શા માટે હોય છે? દરેક પ્રાણીના હાડકાનો રંગ સફેદ કેમ હોય છે? દરેક પાંદડુ  લીલું કેમ હોય છે? આકાશનો રંગ બ્લ્યૂ કેમ છે? દરેક વસ્તુ ઉપરથી નીચે જ કેમ પડે છે? અસંખ્ય પ્રશ્નો પૂછાતા ગયા અને વિજ્ઞાનનો વિકાસ થતો ગયો. એક જમાનો હતો કે ધર્મના સ્થાપિત સિધ્ધાંતોનો કોઇ વિરોધ કરે તો, તેને જીવતો જલાવી દેવાતો યા ગર્દન ઉડાવી દેવાતી. પ્રશ્ન પૂછવો એ અધર્મ બની જતો. યુરોપનો ’રેને દેકાર્ત’ લેટિનમાં એક અમર વાક્ય લખી ગયો છે, “હું વિચાર કરી શકું છું, માટે જ હું છું. (આઇ થિંક,ધેર ફોર આઇ એમ.)” સત્ય શોધવા માટે આપણી જિંદગીમાં શક્ય હોય ત્યાં સુધી દરેક વસ્તુ વિષે શંકા કરી પ્રશ્નો ઉઠાવવા જોઇએ, જે ખોટું લાગે તેની અને જે સાચું લાગે તેની પણ એક વાર શંકા થવી જોઇએ. જીવનભર પ્રશ્નો થતા રહશે, કારણ કે પ્રશ્ન એ સ્વચ્છ બુધ્ધિની ઉપજ છે. બાળક મમ્મીને પ્રશ્ન કરે છે : તું મને ક્યાંથી લાવી? અને એ પ્રશ્ન પાછળ પૂરા બ્રંમાંડની  ઉત્ક્રાંતિની  મહાકથા રહેલી છે. પ્રશ્ન અનુત્તર રહી જાય છે. સર્જન ક્યારેય પૂર્ણત: ૧૦૦  ટકા સમજાવવું શક્ય નથી. ઇશ્વરની દુનિયા તમારી સામે ખુલતી  જાય છે. ઇશ્વરની દુનિયા એટલે પક્ષીઓ, પથ્થરો, બાળકો, પ્રાણીઓ, તારાઓ, પર્વતો, આકાશ, પ્રકાશ… પ્રશ્નો બદલાતા રહેશે. પ્રશ્નોપનિષદ વિસ્તરતુ જશે…

Read Full Post »